નવી દિલ્હી: સરકાર દ્વારા પેટ્રોલ (Petrol) અને ડીઝલના (diesel) ભાવમાં 80 પૈસાના વધારા બાદ એલપીજીના (LPG) ભાવમાં (Price) પણ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે 14.2 કિલોના સિલિન્ડર માટે દિલ્હીમાં 949.50 રૂપિયા ચૂકવવા પડશે. તેમને જણાવી દઈએ કે છેલ્લી વખત 6 ઓક્ટોબરે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
મંગળવારની સવાર સામાન્ય લોકો માટે આંચકારૂપ હતી, કરાણ કે સરકારે આજથી રાંધણગેસ (cooking Gas) સહિત પેટ્રોલ (Petrol) -ડિઝલના (diesel) ભાવમાં (Price) વધારો કર્યો છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓને પગલે રોકી રખાયેલો ભાવ વધારી દેવામાં આવ્યો છે. રાજ્યોમાં પરિણામ જહેર થતાં જ રાંધણગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાની શરૂઆત થઈ છે. જેમાં રાંધણગેસમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યાર બાદ પેટ્રોલમાં 79 પૈસા અને ડીઝલમાં 89 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
દેશમાં ચાર મહિના બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. મંગળવારે સવારથી ડીઝલના ભાવમાં 76 થી 86 પૈસાનો વધારો થયો છે. તો પેટ્રોલના ભાવમાં 76 થી 84 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 96.21 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલની કિંમત 87.47 રૂપિયા પ્રતિ લિટર છે. ગયા વર્ષે 4 નવેમ્બરથી આ બંને ઈંધણની કિંમતમાં કોઈ વધારો થયો નથી. ગુજરાતમાં પેટ્રોલમાં 79 પૈસા અને ડીઝલમાં 89 પૈસાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે.
પેટ્રોલનો ભાવ વધ્યા બાદ અમદાવાદમાં નવા ભાવ પ્રમાણે પેટ્રોલનો ભાવ રૂ. 96 પ્રતિ લિટર પર પહોંચ્યો છે. અમદાવાદ સહિત રાજ્યનાં અન્ય મોટાં શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ. 95.30 ચાલી રહ્યો હતો, જે ગઈ કાલે મધ્યરાત્રિથી બદલાઈ ગયો હતો. તેમજ રાંધણગેસના ભાવમાં રૂ. 50નો વધારો કરાયો છે. હવે મોટાભાગના શહેરોમાં રાંધણગેસનો એક બાટલો 956.50ની આસપાસ મળશે. જ્યારે દિલ્હીમાં આ ભાવ રૂ. 949.50 રહેશે. ઉલ્લેખનીય છે કે રાંઘણગેસમાં છેલ્લે 6 ઓક્ટોબરના રોજ ભાવ વધારવામાં થયો હતો. 19 KG કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ હવે રૂ. 2003.50 રહેશે.
ભાવવધારા પાછળ રુસો-યુક્રેન યુદ્ધની અસર
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 40 ટકા સુધી વધી ગઈ છે. જેના કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે ઈંધણના ભાવમાં વધારો કરવો જરૂરી બની ગયો હતો અને તેના કારણે મંગળવારે સવારથી પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં વધારો થયો હતો.