પશ્ચિમ બંગાળના દિઘામાં બનેલા જગન્નાથ મંદિરના નામને લઈને ઓડિશામાં વિરોધ શરૂ થયો છે. પુરી જગન્નાથ મંદિરના પંડિતો, સેવકો, વિદ્વાનો, કલાકારો અને સંશોધકો મંદિરનું નામ ‘જગન્નાથ ધામ’ રાખવા સામે વાંધો ઉઠાવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 30 એપ્રિલના રોજ પૂર્વ મેદિનીપુર જિલ્લાના દિઘામાં બનેલા જગન્નાથ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. પૂજા પછી તેમણે મંદિરનું નામ ‘જગન્નાથ ધામ’ રાખ્યું હતું.
ઓડિશાના લોકોએ મંદિરના નિર્માણને ટેકો આપ્યો છે પરંતુ નામ સામે વાંધો ઉઠાવ્યો છે. તેઓ કહે છે કે જગન્નાથ ધામ ફક્ત પુરીમાં જ છે અન્ય કોઈપણ મંદિરને આ નામ આપવું એ હિન્દુ માન્યતાઓ અને પરંપરાઓની વિરુદ્ધ છે. રેતી કલાકાર પદ્મશ્રી સુદર્શન પટનાયકે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીને પત્ર લખીને પશ્ચિમ બંગાળ સરકાર સાથે વાત કરવા વિનંતી કરી છે. તેમણે મમતા બેનર્જીને માફી માંગવા પણ કહ્યું છે.
પટનાયકે બે માંગણીઓ કરી છે. જેમાં દિઘા મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપનારા પુરી મંદિરના કેટલાક સેવકોએ દાવો કર્યો છે કે ભગવાન જગન્નાથની પથ્થરની મૂર્તિમાં બ્રહ્મા સ્થાપિત કરવામાં આવ્યા છે. પટનાયકે આ પત્ર ઓડિશાના કાયદા મંત્રી સાથે શેર કર્યો છે. તેમણે ‘બ્રહ્મા’ શબ્દ અને ‘જગન્નાથ ધામ’ નામના ઉપયોગ અંગે સ્પષ્ટતા માંગી છે.
મંદિરના નામ વિરૂદ્ધ આવી પ્રતિક્રિયાઓ
સુદર્શન પટનાયકે કહ્યું કે હું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે તેઓ દિઘા મંદિરને ધામ તરીકે રજૂ કરવા બદલ ભગવાન જગન્નાથના લાખો ભક્તોની માફી માંગે. શ્રી જગન્નાથ મંદિર વ્યવસ્થાપન સમિતિના ભૂતપૂર્વ સભ્ય માધવ મહાપાત્રાએ કહ્યું કે મમતા બેનર્જીએ ખોટા દાવા કરવાથી દૂર રહેવું જોઈએ. આ જગન્નાથ ધામ અને સનાતન ધર્મ વિરુદ્ધના ષડયંત્રનો ભાગ લાગે છે.
વરિષ્ઠ સેવક રામચંદ્ર દાસ મહાપાત્રાએ જણાવ્યું કે આદિ શંકરાચાર્યે ભગવાન જગન્નાથની પુરી પીઠને ધામનો દરજ્જો આપ્યો હતો. દિઘા ધામ કેવી રીતે બનાવી શકાય? કૃપા કરીને લોકોને ગેરમાર્ગે ન દોરો. શ્રી જગન્નાથ સેનાના સંયોજક પ્રિયદર્શન પટનાયકે કહ્યું કે મમતા બેનર્જીએ બંગાળના લોકોને ગેરમાર્ગે દોરવા જોઈએ નહીં. બંગાળના લોકો સત્યથી વાકેફ છે. તેમને ગેરમાર્ગે દોરી શકાય નહીં.