Sports

પાકિસ્તાની કેપ્ટન બાબરની બબાલ, એક કલાક સુધી મેચ રમવા ન ગયો

કરાચી: પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team) અને વિવાદ (Controversy) જાણે એક બીજાના પર્યાયી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ટીમમાં થોડા થોડા દિવસે નાની-મોટી તકરાર થતી રહે છે. ત્યારે ફરી એકવાર પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં વિવાદ ઉભો થયો છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ (Babar Azam) માટે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ સારી સાબિત થઈ નથી. ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડે પાકિસ્તાન પાસેથી શ્રેણી છીનવી લીધી છે. આ બધા વચ્ચે પાકિસ્તાનની ક્રિક્રેટ ટીમના કેપ્ટન બાબર આઝમનો એક વિવાદ સામે આવ્યો છે. જેના કારણે સનસની ફેલાઈ ગઈ છે.

કેપ્ટન જ મેચ રમવા ન પહોંચતા આશ્ચર્ય
ઈંગ્લેન્ડ સામેની કરાચી ટેસ્ટ મેચનાં બીજા દિવસે પાકિસ્તાનનાં કેપ્ટન બાબર આઝમ મેચ રમવા આવ્યા ન હતા. જેના કારણે અનેક તર્ક-વિતર્ક શરુ થયા હતા. જો કે આ બાબતે પહેલા તો એવી માહિતી બહાર આવી હતી કે તેઓની તબિયત સારી નહિ હોવાના કારણે તેઓ મેચ રમવા મેદાન પર આવી શક્યા ન હતા. પરંતુ અહીં પરદા પાછળની હકીકત તો કઈક જુદી જ હતી. કરાચી ટેસ્ટ દરમિયાન પાકિસ્તાનથી મળતા અહેવાલો અનુસાર, બાબર આઝમની ટીમ હોટલમાં હાજર સુરક્ષાકર્મીઓ સાથે ઝઘડો થયો હતો, જેના કારણે બાબર બીજા દિવસે એક કલાક મોડેથી મેદાન પર પહોંચ્યો હતો.

બાબરનો સુરક્ષા કર્મચારીઓ ઝઘડો
રવિવારે 18 ડિસેમ્બરે કરાચી ટેસ્ટ મેચના બીજા દિવસે પોતાની ટીમ સાથે સ્ટેડિયમ આવવાને બદલે પાકિસ્તાની કેપ્ટન બાબર એક કલાક મોડા પહોંચ્યા હતા. જેના કારણે તમામને આશ્ચર્ય થયું હતું. જો કે બાબર મેદાન પર ન આવવા બાબતે પાકિસ્તાનની પત્રકારે ટ્વીટ કર્યું હતું કે, બાબરનો હોટલનાં સુરક્ષાકર્મીઓ સાથે ઝઘડો થયો હતો. જેના કારણે તેઓ મેદાન પર મોડા આવ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, બાબર આઝમ આજે ટીમ સાથે નથી આવ્યા. એવી અફવા છે કે તે ટીમ હોટલમાં સુરક્ષા કર્મચારીઓ સાથે ઝઘડો થયો હતો અને વિરોધમાં ટીમ સાથે ગયા ન હતા. આ બાદ અન્ય ઘણા પાકિસ્તાની ટ્વિટર એકાઉન્ટ્સ પરથી પણ આ જ વાત પોસ્ટ કરવામાં આવી હતી કે બાબરનો સુરક્ષા ટીમ સાથે થોડો વિવાદ હતો. જો કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

શું હતો વિવાદ
મળતી માહિતી મુજબ, પાકિસ્તાની ક્રિકેટરોએ શનિવારે રાત્રે ક્લિફ્ટનની એક રેસ્ટોરન્ટમાં ડિનર કરવા જવાના હતા. જો કે પ્રોટોકોલ તેઓએ સુરક્ષા અધિકારીઓને અગાઉથી જાણ કરવી જોઈતી હતી, પરંતુ તેઓ કોઈ પણ પ્રકારની જાણ કર્યા ખેલાડીઓ વિના ડીનર કરવા માટે નીકળ્યા અને કારમાં બેસી ગયા ત્યારે પોલીસકર્મીઓએ તેમને રોક્યા હતા. આ દરમિયાન કેપ્ટન બાબર આઝમની એક અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તેણે ઉચ્ચ અધિકારીઓને ખેલાડીઓને પરવાનગી આપવા કહ્યું હતું. પરંતુ પરવાનગી ન મળતા ખેલાડીઓ કંટાળી ગયા અને તેમના રૂમમાં પાછા ગયા. કરાચી ટેસ્ટના બીજા દિવસે ટીમ શેડ્યૂલ મુજબ મેદાન પર તો પહોંચી, પરંતુ કેપ્ટન ટીમ સાથે મેદાન પર ન આવ્યા. જેથી ટીમ મોહમ્મદ રિઝવાનના નેતૃત્વમાં ફિલ્ડિંગ માટે ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સરકાર દ્વારા 17 વર્ષ પછી પાકિસ્તાન આવેલી ઈંગ્લેન્ડની ટીમ માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેથી ઘણીવાર આતંકવાદી હુમલાઓથી હચમચી જનારા પાકિસ્તાનમાં આ ટેસ્ટ મેચ કોઈ પણ વિઘ્ન વિના પૂરી થાય. આ કારણે માત્ર ઇંગ્લેન્ડની ટીમ જ નહીં પરંતુ પાકિસ્તાની ટીમને પણ કડક સુરક્ષા આપવામાં આવી છે. પરંતુ પાકિસ્તાની કેપ્ટન આ સુરક્ષા વ્યવસ્થાથી પરેશાન થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.

Most Popular

To Top