SURAT

સુરતમાં વેપાર-ધંધા સાથે સંકળાયેલા 18 થી 45 વર્ષના યુવા વર્ગને પણ વેક્સિન આપવા માંગ

SURAT : કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ ( NITIN PATEL ) ને આવેદનપત્ર મોકલી વેપાર – ધંધા સાથે સંકળાયેલા ૧૮ થી ૪૫ વર્ષના યુવા વર્ગને પણ કોરોનાની વેક્સિન ( CORONA VACCINE ) આપવા માટે માંગણી કરી છે . કેટના ગુજરાત ચેપ્ટરના પ્રેસિડેન્ટ પ્રમોદ ભગતે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને આવેદનપત્રના માધ્યમથી રજૂઆત કરી છે કે ટેક્સટાઈલ,હીરા,કેમિકલ સહિતના શહેરના વિવિધ ઉદ્યોગો સાથે લાખો લોકો રોજગારી અર્થે સંકળાયેલા છે. જેમાંથી એક મોટો વર્ગ ૧૮ થી ૪પનો યુવાઓનો છે. ૪૫ વર્ષથી વધુના લોકો રિટેઈલ સાથે ઓછું સંકળાયેલા છે. ૫૦ વર્ષની ઉમ્રને પાર થઈ ગયેલા લોકો વેપાર – ધંધામાં હાલ ઓછું કાર્યરત છે. જેને પગલે રસી લેવાના નિયમમાં ફેરફાર કરીને ૧૮ થી ૪૫ વર્ષના લોકોને પણ કોરોના સામે લડત આપતાં વેક્સિન આપવાની રજૂઆત કરી છે

શહેરમાં કોરોનાના કેસોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે ત્યારે કાપડ માર્કેટમાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર હોવાથી મનપાએ અહીં આવાનારા તમામ લોકો માટે આરટીપીસીઆર ટેસ્ટ ( RTPCR TEST ) અને કોરોના વેક્સિનનું સર્ટિફિકેટ અનિવાર્ય કર્યુ છે. છેલ્લા બે દિવસથી મનપાના કર્મચારીઓ માર્કેટ શરૂ થવાના સમયે પહોંચી જાય છે અને માર્કેટમાં પ્રવેશનારા તમામ લોકો પાસે આરટીપીસીઆર ટેસ્ટ અને કોરોના વેક્સિનના સર્ટિ.ની ડિમાન્ડ કરે છે તે બતાવ્યા પછી જ એન્ટ્રી આપવામાં આવે છે. જેને લીધે ગઇ કાલે કેટલાક કામદારો પરત ફરી ગયા હતાં.

બુધવારે પણ સવારથી જ સાલાસર હનુમાન ગેટ પાસે મોટી સંખ્યમાં પાલિકાના કર્મચારીઓ પહોંચી ગયા હતા અને ત્યાંથી પસાર થનારા તમામ લોકો પાસે સર્ટિ.ની ડિમાન્ડ કરી હતી. 45 વર્ષથી ઓછી ઉમર હોય તેમની પાસે આરટીપીસીઆર સર્ટિ. અને જે લોકોની ઉમર વધારે હોય તેમની પાસે વેક્સિનેશન સર્ટિ.ની માંગ કરી હતી. કાપડ માર્કેટમાં 11થી 1 વાગ્યાનો સમય પીક-અવર હોવાથી આ દરમિયાન મોટી સંખ્યામાં સાલાસર ગેટ પાસે લોકોની ભીડ થઇ ગઇ હતી.

તેમાં પણ કેટલાક લોકો મનપાના કર્મચારીઓ સાથે દલીલો કરી રહ્યા હતા, કેટલાક લોકો વેક્સિન ક્યા મળશે, આરટીપીસીઆર ટેસ્ટ ક્યાં થશે આ બધી ચર્ચાઓમાં પડી ગયા હતા. જેને લીધે માર્કેટોમાં બપોર 12 વાગ્યા સુધી કામદારો અને વેપારીઓ પહોંચી શક્યા નહતી. સાલાસર હનુમાન ગેટની માર્કેટો 1 વાગ્યા પછી શરૂ થઇ હતી. વેપાર પ્રગતિ સંધના પ્રમુખ સંજય જગનાનીએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા જે રીતે સર્ટિફિકેટ ચેક કરવામાં આવી રહ્યા છે તેને લીધે અવ્યવસ્થા સર્જાઇ છે. માર્કેટમાં પીસીઆર ટેસ્ટ અને વેક્સિનેશનની સુવિધા હોવી જોઇએ.


ટેસ્ટિંગ કીટ ખૂટી ગઇ, મનપા દ્વારા ચેકિંગ પછી જ પ્રવેશ આપવામાં આવતા કેટલાક વેપારીઓ જ્યારે જે.જે. માર્કેટમાં ટેસ્ટિંગ માટે પહોંચ્યાં ત્યારે તેમણે આરોગ્ય વિભાગની ટીમને રેપિડ ટેસ્ટ કરવા માટે કહ્યું તો તેમણે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો કે અમારી પાસે રેપિડ ટેસ્ટ કીટ નથી. જેટલી કીટ લાવ્યા હતા તે પૂરી થઈ ગઈ છે. તેમને પૂછવામાં આવ્યું કે કેટલી કીટ લઈને આવ્યા હતા. ત્યારે માલુમ પડ્યું કે માત્ર 300 કીટ લઈને માર્કેટમાં આવ્યા હતા. કીટ ન હોવાથી વેપારીઓ પોતાના ઘરે પરત ફર્યા હતા. વેપારીઓમાં તેને લઇ આક્રોશ હતો.


કાપડ વેપારીઓને સ્વૈચ્છિક બંધ કરવાની અપીલ કરાઇ,બુધવારે સવારે મનપાના અધિકારીઓ અને ફોસ્ટાના કેટલાક પદાધિકારીઓ સાથે ચર્ચા દરમિયાન મનપાના અધિકારીઓએ ફોસ્ટાના પદાધિકારીઓને શનિવારે અને રવિવારે સ્વૈચ્છિક માર્કેટ બંધ રાખવાની અપીલ કરી હતી. જોકે ફોસ્ટાના પદાધિકારીઓએ ટેસ્ટિંગ અને વેક્સિનેશન સેન્ટર વધારવાની માંગ કરી સ્વૈચ્છિક બંધની વાત માની નહતી.

Most Popular

To Top