માનવી, માનવીના આરોગ્ય, પૃથ્વી અને પૃથ્વી પરની વ્યવસ્થાને આજકાલ કાર્બન ડાયોક્સાઈડ સૌથી વધુ પરેશાન કરે છે. તેના કારણે પૃથ્વીનું હવામાન ઝડપથી બગડી રહ્યું છે અને માનવી આંતરરાષ્ટ્રીય સત્તાધીશોની પરિષદો યોજીને પણ તેનો નિવેડો લાવી શકતો નથી પરંતુ એવી સરળ યોજના બનાવવામાં આવે કે સીધો દુનિયાની હવામાંથી કાર્બન ડાયોકસાઈડ ખેંચી કાઢવામાં આવે તો? ના રહે બાંસ, ના બજે બાંસૂરી. થોડાં વરસો અગાઉ વિજ્ઞાનીઓએ આ ઉપાય રજૂ કર્યો હતો ત્યારે આશાવંત લોકોએ રાહત અનુભવી હતી કારણ કે વિજ્ઞાનમાં દરેક થિયરીઓ પ્રેકટિસમાં સફળ થાય તેવું હોતું નથી. જયારે વિજ્ઞાનીઓેએ સાતેક વરસ અગાઉ એ શકયતા જાહેર કરી હતી કે હવામાંથી કાર્બન વાયુ શોષી લઇને, ગ્રહણ કરીને તેની શિલાઓ બનાવી એ શિલાઓને જમીનમાં ઊંડે ધરબી દેવાય તો વધુ પડતા કાર્બનની તકલીફમાંથી છૂટકારો મળે.
આજે એ આશા માત્ર પાંચેક વરસના ગાળામાં ફળીભૂત થઇ છે. આ વરસમાં કેનેડાની એક કાર્બન એન્જિનિયરિંગ નામક કંપની, કાર્બનને હવામાંથી સીધો પકડી લેવાની ટેકનોલોજી ‘ડાયરેકટ એર કેપ્ચર’ અથવા DAC ફેસિલિટી અમેરિકાના ટેકસાસ ખાતે વિશાળ પાયે અમલમાં મૂકશે. આ ફેસિલિટી દુનિયાની સૌથી મોટી ફેસિલિટી હશે, જે એક વરસમાં દસ લાખ ટનથી વધુ કાર્બન હવામાંથી પકડી પાડશે.ભારતમાં દિલ્હી, મુંબઇ, બેંગલોર જેવાં શહેરોમાં તેનાં કારખાનાં ઇન્સ્ટોલ થશે તો લોકોને ફરીથી શુદ્ધ હવા મળતી થશે. જો કે હવામાં મિથેન, લેડ જેવી બીજી અશુદ્ધિઓ હોય છે તેમાંથી રાહત મળશે કે કેમ તે જોવાનું રહે છે.
સ્વિત્ઝર્લેન્ડની બીજી એક કંપની નામે ‘કલાઈમવર્કસ’ દ્વારા ગયા વરસે આઈલેન્ડમાં એક પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. કંપનીનો આ ડાયરેકટ એર કેપ્ચર પ્લાન્ટ દ્વારા કાર્બન ડાયોકસાઈડને હવામાંથી પકડીને તેને 4000 ટનના સ્લેબમાં ફેરવવામાં આવ્યો હતો અને જમીન નીચે દાટી દેવાયો હતો. વધુ ફેલાય તે અગાઉ દુશ્મનને પાતાળમાં દાટી દેવો જરૂરી છે. અમેરિકાની અન્ય એક જાણીતી કંપની ‘ગ્લોબલ થર્મોસેટ’ પ્રાયોગિક ધોરણે આ વરસમાં બે પ્લાન્ટ શરૂ કરશે. જો કે આજકાલ આ પ્રક્રિયા થોડી વધુ ખર્ચાળ છે તેથી ખર્ચ ઓછો થાય અને કાર્બનને પકડવાનું કામ વધુ થાય તે દિશાનાં સંશોધનોમાં વિજ્ઞાન લાગી ગયું છે. માણસને જયારથી આ ખબર પડવા માંડશે ત્યારથી ફરીથી વધુ ધુમાડો છોડવા લાગશે. આ એની આદત રહી છે.
આજકાલ ભારતમાં ઠંડીનું મોજું ચાલી રહ્યું છે અને ઘણા વયસ્કોની તબિયત બગડી જાય છે અને કેટલાક યુવાનોની સુધરી જાય છે પરંતુ લગભગ તમામ શ્રીમંત દેશોમાં શિયાળો બારેમાસ નહીં તો દસ માસ જરૂર ચાલે છે. અમેરિકામાં જુલાઈ, ઓગસ્ટમાં ઉનાળો હોય ત્યારે પણ ઠંડા કે નોર્મલ પાણીથી નાહી શકાતું નથી. યુરોપ-અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા વગેરેની વિશાળ ઇમારતોમાં પાણીનો પુરવઠો સતત ચાલતો રહે તે માટે જરૂરી છે કે પાઈપલાઈનોમાં પાણી બરફ ના બની જાય. આ માટે શિયાળામાં ઇમારતોને કમસે કમ અંદરથી ગરમ રાખવી પડે છે. વાચકોને એ જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં વીજળીનો જે કુલ વપરાશ થાય છે તેમાંનો 25% જેટલો માતબર ઉપયોગ ઇમારતોને ગરમ રાખવા પાછળ થાય છે. અન્યથા ટોઇલેટમાં પાણીના સ્થાને બરફના ચોસલાં નીકળે અને તે પણ ઓછું જામ્યું હોય ત્યારે.
આજકાલ શિયાળામાં ગરમી પેદા કરવા માટે જે ઊર્જા વપરાય છે તે તેલ, ગેસ કે કોલસા વાપરીને મેળવાય છે. સૂર્યશક્તિનું પ્રદાન હજી ખાસ નોંધપાત્ર બન્યું નથી છતાં મકાનને ગરમ રાખવાનો એક આશાસ્પદ વિકલ્પ તૈયાર થયો છે તે એવા હીટ પમ્પ તૈયાર કરવાનો છે જે ઘરના રેફ્રીજરેટરોમાંથી નીકળતી ગરમીને ઘરમાં જ રાખી ઘરમાં સરકયુલેટ કરે. રેફ્રીજરેટરો દ્વારા વપરાતી પ્રત્યેક કિલોવોટ વીજળી દ્વારા ત્રણ કિલોવોટ ગરમી પેદા કરી શકાય છે.આથી મકાનને ગરમ રાખવા માટેના રેડીએટરોની ઊર્જા પાછળ જે ખર્ચ થાય છે તેના પ્રમાણમાં હીટ પમ્પસ દ્વારા ગરમ-ઠંડી હવા સરકયુલેટ કરીને પ્રમાણમાં ઘણો ઓછો ખર્ચ થાય છે. આમાં નવાઈની વાત એ છે કે હીટ પમ્પને ઊલટો ફેરવવાથી મકાન ગરમ બનવાને બદલે શીતળ બનશે. સાન ફ્રાન્સિસ્કો ખાતેની ‘ટ્રોડીએન્ટ’ નામની કંપની દ્વારા આવા પમ્પ બજારમાં મૂકવામાં આવ્યા છે. ઘરમાં ગરમી જોઇતી હોય તો ગરમી અને ઠંડી જોઇતી હોય તો ઠંડી પૂરી પાડે છે. આ પંખાઓ કદમાં ખાસ મોટા નથી. આજના નાનાં એરકન્ડીશનર મશીનોની માફક તેને મકાનની બારી પર ગોઠવી શકાય છે.
વીજળી બચે તો પર્યાવરણ બચે. ચારે તરફ ફેલાયેલા કાર્બનથી છૂટકારો મેળવવાની વાત છે તો નવા યુગની સાથે જૂના યુગની ટેકનોલોજી પણ મદદે આવી શકે છે. ઔદ્યોગિક ક્રાન્તિ અગાઉ રસોઇ-પાણી ગરમ બનાવવા સિવાય કોલસાનો કયાં વપરાશ થતો હતો? ધારો કે એ 250-300 વરસના સમયની ટેકનોલોજી ફરીથી અપનાવવામાં આવે તો? આપણે આજે વાપરીએ જ છીએ. જેમ કે સાઇકલ. બલકે, હમણાં હમણાં તેનું મહત્ત્વ વધ્યું છે. ઘણા સમયથી એવી યાંત્રિક બાઇકસ પણ મળે છે જેની એન્જિનની તાકાત ઓછી પડે તો સવાર વ્યકિત પેડલ મારીને તેને તાકાત આપી શકે.
બુસ્ટર ડોઝ આપે પરંતુ આ બધું નાની ચીજવસ્તુઓમાં જોવા મળે છે. ગંજાવર સ્ટીમરો માટે હજારો, લાખો હોર્સપાવરનાં એન્જિનો જોઇએ. ઘણી વાર એ તાકાત પણ ઓછી પડે છે અને જેટલી વધુ વાપરો એટલું પર્યાવરણ વધુ બગડે. તો તેની સાથે જૂના સમયના સઢ અને પવનનો ઉપયોગ કરતા સુકાનો જોડી દેવામાં આવે તો? આમેય જૂના સમયમાં વિશાળ વહાણો સઢ અને સુકાનને આધારે ચાલતાં હતાં. જગતમાં જેટલો ખતરનાક ગ્રીનહાઉસ ગેસ પેદા થાય છે તેમાંનો 3% એકલો વહાણવટા ઉદ્યોગ અથવા શીપ અને સ્ટીમરો દ્વારા ઉત્પન્ન થાય છે. યાંત્રિક શીપો તો વધુ માત્રામાં ડીઝલનો ગંદો કદડો અથવા સ્લજ બાળે છે.
તેના કારણે ઘણી વખત એસિડનો વરસાદ પણ પડે છે. આવાં અનિષ્ટો દૂર કરવા સઢની ટેકનોલોજી પાછી આવી રહી છે. આધુનિક ટેકનોલોજી તેમાં જોડાયેલી હશે તેથી તે સચોટ, અસરકારક બનશે. કાળક્રમે પોતાની મેળે મહત્તમ અસરવાળી દિશા નક્કી કરતી થશે. ફલત: નિર્દોષ ઊર્જા વડે ફોસિલ ફયુએલની પણ બચત થશે. પર્યાવરણ ફાયદામાં રહેશે. પ્રથમ તો ખાસ કરીને માલસામાનનું વહન કરતા કાર્ગો શીપ પર તેને વપરાશમાં મુકાશે. સઢ વિષેનું મબલખ સાહિત્ય અને ડેટા માણસજાત પાસે છે. વરસ 2022માં ફ્રાન્સની ‘મિશેલીન’ કંપની પોતાના એક માલવાહક જહાજ સાથે હવા ભરીને ફેલાવી શકાય તેવા સઢો જોડશે. ધારણા છે કે આવા સઢને કારણે બળતણના વપરાશમાં 20%નો ઘટાડો થશે. જપાનની બીજી એક શિપિંગ કંપની MOI આ વરસે પોતાનાx જહાજો પર ટેલિસ્કોપિક એટલે કે મરજી મુજબ લાંબા ટૂંકા કરી શકાય તેવા સઢો ગોઠવશે.
જરૂર પડે તો તેને રેડિયોના સિગ્નલ ટેલિસ્કોપની જેમ ઘણું લાંબું કરી શકાશે. ઇટાલીની એક કંપની એક જ સ્થળે જડાઇને રહેતા અને ગોળ ગોળ ફરતા સઢો પોતાની શીપ્સ સાથે ગોઠવશે. તેની સાથે અનેક નાના મોટા સઢો જોડાયેલા હશે. જરૂર પડે ત્યારે તેને હવા ભરીને ફૂલાવશે. જો જરૂર નહીં હોય તો હવા બહાર કાઢીને આખો વાવટો કે તંબુ સંકેલી લેવામાં આવશે. આ વિષયમાં બીજાં કેટલાંક સંશોધનો ચાલી રહ્યા છે. પતંગ જેવા ઊડતા સઢ અને એ સઢો સાથે મોટા પંખાઓ જોડાયેલા હશે. સાથે લાંબા સિલિન્ડરો પણ ગોઠવેલાં હશે જે જયાં હવાનો માર જોઇતો હોય ત્યાં પૂરો પાડશે. આ વરસ સુધીમાં આવી હવાશકિત સાથે જોડાયેલા દરિયાઇ જહાજોની સંખ્યા 50ને પાર કરી જશે. યુરોપનાં રાષ્ટ્રો આ પ્રકારે જે કાર્બન બચે કે બળે તેના આધારે કાર્બન વિનિમયનું કામકાજ શરૂ કરવા માગે છે જેથી નવી પધ્ધતિઓ અજમાવતા માલિકોને અને અન્ય માલિકોને તે અજમાવવાનું વધુ આર્થિક પ્રોત્સાહન મળે.