Comments

કોંગ્રેસનો જીવસટોસટનો જંગ

કોંગ્રેસ માટે અભૂતપૂર્વ રીતે જીવસટોસટનો જંગ ચાલી રહ્યો છે. એક તરફ મોદીની આગેવાની હેઠળના ભારતીય જનતા પક્ષ તરફથી ગાંધી પરિવારને નિશાન બનાવી કોંગ્રેસ પર છોડાતા તોપના ગોળા પૂરતા ન હોય તેમ કોંગ્રેસના જ પક્ષના કેટલાક નેતાઓ પોતાનું અસ્તિત્વ ટકાવવા અથવા કોંગ્રેસના કળણમાંથી બહાર નીકળવા માટે લડી રહ્યા છે. નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર સોનિયા ગાંધી પર સી.બી.આઇ. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ અને આવકવેરાનો સાણસો મજબૂત કરી રહી છે ત્યારે હવે નામશેષ થઇ ગયેલા ૨૩ બળવાખોરોના કોંગ્રેસી જૂથના ભૂતપૂર્વ સભ્યો અને કોંગ્રેસના કહેવાતા નેતાઓ અસ્તિત્વનો સંઘર્ષ કરી જીવસટોસટની લડાઇ લડી રહ્યા છે. તેમની લડાઇ કોંગ્રેસને બચાવવાની છે અને કોંગ્રેસમાં માનભર્યા હોદ્દાની છે અથવા તે પક્ષને માનભેર સ્થાન આપવાની છે.

કોંગ્રેસ પક્ષ આટલી ખરાબ પરિસ્થિતિમાં કયારેય મૂકાયો ન હતો. પક્ષ તેના સુખના દહાડામાં પણ એકતા હાંસલ કરી શકયો ન હતો, પણ હવે લાગે છે કે બળવાખોર નેતાઓને સમજ આવી છે. તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની તપાસમાં પોતાના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પડખે ઊભા રહ્યા છે.ઉદયપુરના ચિંતન શિબિર પછી એક નોંધપાત્ર પરિવર્તન એ આવ્યું કે મહાસમિતિના પત્રકારો સાથેના સંબંધોનો વિભાગ પરિણામ બતાવવા માંડયો છે. પરિણામે ભારતીય જનતા પક્ષ પત્રકારો અને સોશ્યલ મીડિયા દ્વારા જે જુઠાણાં ફેલાવે છે તેનો પ્રતીતિકર જવાબ આપી રહ્યા છે અને પક્ષને પ્રસાર માધ્યમો અને જાહેર પ્રસારમાં થોડું અસરકારક સ્થાન મળ્યું છે. પણ હજી પક્ષની નિર્ણાયક શકિતમાં ખાસ કંઇ ફેરફાર થયો નથી.

પક્ષના ખાસ કરીને મોવડીમંડળની સુસ્તીનો સમયગાળો પૂરો થયો છે અને ઝડપી નિર્ણયો લેવાશે એવા ઉદેપુરના ચિંતન શિબિરનો નિર્ધાર આશાનું કિરણ બની ગયો હતો પણ બે મહિના પછી પણ ખાસ કંઇ તફાવત જણાયો નથી. પક્ષની અનિર્ણાયકતાએ કેટલાંક મહત્ત્વાકાંક્ષી નેતાઓના મનમાં અનેરી આશા જગાવી છે અને જેઓ શિસ્તના અનુયાયી બન્યા તેમના ખમીરમાં ઘટાડો થયો. ભારતીય જનતા પક્ષને અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બીજું શું જોઇએ? તેમણે તો વંશીય રાજકારણના નામે સોનિયા અને રાહુલની ગરદન પકડી છે.

પક્ષના અખબાર ‘નેશનલ હેરોલ્ડ’ પર એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના દરોડા અને દિલ્હી પોલીસના કોંગ્રેસના વડા મથક પરના સકંજા માટે એકતાનો ખાસ્સો અભાવ સૂચવે છે. પક્ષના કાર્યકરો અને નેતાઓ પોતાના મતભેદો દફનાવી નથી શકતા. આમ છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘કોંગ્રેસ મુકત’ ભારતની ભીંસ અને સોનિયા ગાંધી પરિવારને નિશાન બનાવવાની વૃત્તિ સામે પક્ષ થોડીક તો એકતા બતાવી શકયો છે. છતાં કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, આસામ અને બળવાખોર નેતા ગુલામનબી આઝાદના વતન જમ્મુ-કાશ્મીરમાં પક્ષની એકતા ભડકે બળે છે. આ અજંપાના મૂળમાં પક્ષના મોવડીમંડળની અનિર્ણાયકતા રહેલી છે.

તેઓ સમયસર નિર્ણય લેતાં પક્ષના અસંતુષ્ટો સામે લાલ આંખ કરી કહેવાય. એક તરફ અસ્તિત્વ માટેની લડાઇ અને નિર્ણાયકતા જોડાજોડ રહેવા જોઇએ. પક્ષમાં કાબેલ માણસોની કદર થવી જ જોઇએ, એકતાના પ્રતીક તરીકે ગુલામનબી આઝાદથી બહેતર કોણ હોઇ શકે? એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ સામેના પક્ષના દેખાવોમાં તે હિંમતભેર ઊભા રહ્યા હતા. બળવાખોરોના અન્ય એક નેતા આનંદ શર્મા પણ સોનિયાના ટેકામાં ઊભા રહ્યા હતા. આઝાદ બળવાખોરીનો મૃત્યુ ઘંટ વગાડી બે વર્ષે પક્ષના વડા મથકે પાછા ફર્યા છે. તેમણે બળવો કરવામાં થાપ ખાધી હતી અને ગાંધી પરિવાર પાસેથી શાંતિ ખરીદી. તેમને ખબર પડી ગઇ હતી કે કોંગ્રેસની બહાર તેમનું કોઇ ભવિષ્ય નથી.

પક્ષના મોવડીમંડળે પણ જમ્મુ-કાશ્મીરમાં આઝાદની સર્વોપરિતાને માન્યતા આપી છે. કોંગ્રેસની અનિર્ણાયકતાએ જમ્મુ – કાશ્મીરમાં પક્ષને પારાવાર નુકસાન કર્યું છે. બદલાયેલી રાજકીય બંધારણીય પરિસ્થિતિને કારણે પક્ષે જમ્મુ-કાશ્મીરમાં અનેક પડકારોનો સામનો કરવો પડશે. કોંગ્રેસની અનિર્ણાયકતાથી પક્ષને અન્ય રાજયોમાં પણ પારાવાર નુકસાન થયું છે અને પક્ષના ટોચના નેતાઓએ સમજવું પડશે કે હજી પણ અનિર્ણાયકતા ચાલુ રહેશે તો અસ્તિત્વની લડાઇમાં હજી નબળા પડશે. સપ્ટેમ્બર / ઓકટોબરમાં પક્ષના પ્રમુખ બદલવાથી અને સંગઠનની ચૂંટણી કરવાથી ફેર નહીં પડે. હવે તાકાત ખરીદવાનો સમય નથી. કચરો સાફ કરો અને પક્ષને સાફસુથરો રાખો. યોગ્ય પદ પર યોગ્ય માણસને બેસાડો. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના પગલાંથી પ્રસાર માધ્યમોમાં સ્થાન મળ્યું છે તેનો ઉપયોગ કરો. પરિવર્તનની દુનિયાને જાણ કરો.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top