National

મહિલા અનામત બિલ લાગુ થાય ત્યાં સુધી મોદી નહીં રહે- જયપુરમાં રાહુલ ગાંધીની સભામાં ખડગેનો વાર

રાજસ્થાન: રાજસ્થાન (Rajasthan) વિધાનસભા ચૂંટણીની (Election) તૈયારીઓ વચ્ચે કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી (Rahul Gandhi) જયપુર (Jaipur) પહોંચી ગયા છે. બંને નેતાઓએ કોંગ્રેસ કાર્યાલયનો શિલાન્યાસ કર્યો હતો. રાહુલ ગાંધીએ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું હતું. સંમેલનને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે અહીં હજારો સિંહો બેઠા છે. આ નફરતનું બજાર નથી, આ પ્રેમની દુકાન છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ જ તફાવત છે, અમારી વચ્ચે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે.

ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા રાહુલે કહ્યું કે જ્યારે મેં સંસદમાં અદાણી વિશે વાત કરી તો તેઓએ ટીવી બંધ કરી દીધું હતું. આ તેમની નવી આદત છે. પહેલા આપણે માઈક બંધ કરતા હતા, હવે ટીવી બંધ કરીએ છીએ. મેં લોકસભામાં અદાણી વિશે વાત કરતાં જ મારા કેસ પર એક્સિલરેટર દબાવવામાં આવ્યુ હતું. ભાજપના લોકોને અદાણીની વાત કરો તો તેઓ ભાગી જાય છે. મોદી અને ભાજપના લોકો અદાણીથી ડરે છે. રાહુલે જાતિ ગણતરીની પણ હિમાયત કરી અને કહ્યું કે ભારતમાં દરેક વર્ગને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે જાતિની વસ્તી ગણતરી જરૂરી છે. તેમણે કહ્યું કે આ વસ્તીગણતરીથી ખબર પડશે કે ભારતમાં કેટલા લોકો કયા વર્ગના છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જો પાર્ટી છે તો આપણે બધા છીએ, જ્યાં સુધી રાજકીય તાકાત છે ત્યાં સુધી ટકી શકીશું. તેમણે કહ્યું કે કોંગ્રેસનું પ્રથમ અધિવેશન જયપુરમાં જ થયું હતું. તે એક ઐતિહાસિક સંમેલન હતું, તે ફરી ક્યારેય નહીં બને. ત્યારે રાજસ્થાનના લોકોએ ખુલ્લેઆમ મદદ કરી હતી અને દેશભરમાં તેની ચર્ચા થઈ હતી. તેમણે વધુમાં કહ્યું કે અમે મોદી અને ભાજપ સામે જે લડાઈ લડી રહ્યા છીએ તે દેશના 140 કરોડ લોકોને બચાવવાની છે.

ખડગેએ કહ્યું કે આ લોકો મહિલા આરક્ષણ બિલની ઉજવણી કરી રહ્યા છે. આ બિલ રાજીવ ગાંધીજી લાવ્યા હતા. અમે આ બિલને સમર્થન આપ્યું હતું જેથી આ લોકો પાછળથી એવું ન કહી શકે કે કોંગ્રેસ પીછેહઠ કરી છે. પરંતુ, અમે ગૃહમાં મહિલા આરક્ષણ બિલ પર અમારા મંતવ્યો રજૂ કર્યા, કહ્યું કે તે જલ્દીથી લાગુ થવો જોઈએ, અને ઓબીસીને અનામત આપવી જોઈએ. 10 વર્ષમાં આનો અમલ થશે ત્યાં સુધીમાં મોદી નહીં રહે.

Most Popular

To Top