National

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાને હેમા માલિની પર ટિપ્પણી કરવી ભારે પડી, ECએ પ્રચાર પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હીઃ (New Delhi) યુપીની મથુરા લોકસભા સીટ પરથી ભાજપના (BJP) ઉમેદવાર હેમા માલિની પર ટિપ્પણી કરવી કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાને મોંઘી પડી છે. ચૂંટણી પંચે આના પર કડક કાર્યવાહી કરી છે અને કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાને 48 કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાને હેમા માલિની પર કરેલી ટિપ્પણીને લઈને 48 કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તેઓ કોઈપણ ઈન્ટરવ્યુ, રોડ શો, જાહેર સભા કે મીડિયામાં કોઈ નિવેદન આપી શકશે નહીં. તમને જણાવી દઈએ કે છત્તીસગઢમાં એક સભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ મથુરાના સાંસદ હેમા માલિની પર વાંધાજનક ટિપ્પણી કરી હતી.

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ હરિયાણાના કૈથલમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે ભાજપ નેતા અને મથુરાના સાંસદ હેમા માલિની પર અભદ્ર ટિપ્પણી કરી હતી. જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે સુરજેવાલાએ સ્પષ્ટતા આપી હતી અને કહ્યું હતું કે મારો ઈરાદો તેમનું અપમાન કરવાનો ન હતો. ચૂંટણી પંચે 9 એપ્રિલે સુરજેવાલાને નોટિસ પાઠવી હતી.

પંચે એમ પણ કહ્યું હતું કે ચૂંટણી પ્રચારને મહિલાઓ પ્રત્યે કોઈપણ પ્રકારના અપમાન માટેનું પ્લેટફોર્મ બનવાની મંજૂરી આપી શકાય નહીં. જો કે વાંધાજનક ટિપ્પણી પર ટીકા બાદ સુરજેવાલાએ કહ્યું કે તેમનો ઈરાદો અભિનેત્રી અને નેતાનું અપમાન કરવાનો ન હતો. અહીં બીજેપી સાંસદ હેમા માલિનીએ કહ્યું કે વિપક્ષે વડાપ્રધાન મોદી પાસેથી મહિલાઓનું સન્માન કરવાનું શીખવું જોઈએ. તેઓ માત્ર લોકપ્રિય લોકોને જ ટાર્ગેટ કરે છે કારણ કે ઓછા લોકપ્રિય લોકોને ટાર્ગેટ કરવામાં કોઈ ફાયદો નથી.

Most Popular

To Top