આણંદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ 2022માં આવી રહી છે, ડિસેમ્બરમાં ચૂંટણીઓ યોજાય તેવી શક્યતાના આધારે હાલ ભાજપ અને કોંગ્રેસ દ્વારા આયોજન થઈ રહ્યુ છે. જેને અનુલક્ષીને હાલ આંકલાવ વિધાનસભામાં કોંગ્રેસ એકદમ આક્રમક અને સક્રિય થઇને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. જેને કારણે આખા વિસ્તારમાં હાલ રાજકીય માહોલ સર્જાઈ રહ્યો છે. રાજ્યભરમાં વિધાનસભાની ચૂંટણીમાં ગણતરીના મહિના બાકી રહ્યા છે. જેને કારણે હવે સ્થાનિક લેવલ ઉપર ધારાસભ્યો ખૂબ જ સક્રિય થઈ ગયા છે અને પોતાના મત વિસ્તારમાં ફરી ટિકિટ મળવાની ગણતરી સાથે ધીમે ધીમે ચૂંટણી પ્રચાર શરૂ કરી રહ્યા છે.
જેથી હાલ આણંદ જિલ્લાની આંકલાવ વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, જે આ વિસ્તારમાં નજર નજર દેખાઈ રહ્યો છે. આજથી 10 વર્ષ અગાઉ નવા સીમાંકન મુજબ આંકલાવ વિધાનસભાનું નિર્માણ થયું હતું. જેમાં આંકલાવ તાલુકો અને આણંદ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા રાજકીય સીમાંકન બાદ યોજાયેલી તમામ ચૂંટણીઓમાં આંકલાવ વિધાનસભામાં કોંગ્રેસનો હાથ સતત ઉંચો રહ્યો છે. આ વિધાનસભામાં કાંઠા વિસ્તારના ગામોનો સમાવેશ થયો હોવાને કારણે વર્ષોથી કોંગ્રેસનું વર્ચસ્વ ધરાવતા આ મતદારો ગુજરાત કે દિલ્હીમાં નરેન્દ્ર મોદીની લહેર હોવા છતાં પણ આ વિસ્તારમાં માત્ર કોંગ્રેસના પંજાની લહેર જોવા મળી છે.
હાલ આ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા આસોદર તથા અન્ય વિસ્તારમાં બનેલા નવા હાઈવેના પુલની દીવાલો ઉપર તથા મોટા ભાગના ગામડાઓમાં મકાનોની દિવાલો ઉપર જૂના જમાના મુજબ ચુનાથી કલર કરીને કોંગ્રેસના હાથના પંજાના નિશાન છાપવામાં આવી રહ્યા છે અને બસ હવે તો કોંગ્રેસ જ એવા મોટા બેનર સમગ્ર મતવિસ્તારમાં જોવા મળી રહ્યા છે. રાજકીય આગેવાનો અને મોટાભાગના ગામડાના કોંગ્રેસના આગેવાનો અને તાલુકા પંચાયત તથા કોંગ્રેસ સમર્થિત સરપંચ અને વોર્ડના સભ્યોની અંદરખાને બેઠકોનો દોર શરૂ થઈ રહ્યો છે. ધારાસભ્ય અમિત ચાવડા પણ સક્રિય થઈ ગયા છે.