ગાંધીનગર : ગુજરાત (Gujarat) કોંગ્રેસમાં (Congress) રાજકીય વાવાઝોડુ ઊભું થયુ છે. આજે સતત બીજા દિવેસ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે (Hardik Patel) ફરીથી પાર્ટી (Party) નેતાગીરી સામે નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે, મને કોંગ્રેસમાં હેરાન કરવામા આવી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે કે હું પાર્ટી છોડીને જતો રહું.
ગઈકાલે હાર્દિક પટેલે કહ્યું હતું કે, ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના મામલે કોંગ્રેસની નેતાગીરી અનિર્ણાયક છે. હજુ સુધી પટેલને પાર્ટીમાં પ્રેવશ આપવાના મામલે સ્થિતિ સ્પષ્ટ થતી નથી, એટલું જ નહીં નિર્ણય પણ લેવાતો નથી. કોંગ્રેસમાં નરેશ પટેલનું અપમાન થાય છે. હાર્દિક પટેલના નિવેદન પર ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ઠપકો આપતાં કહ્યું હતું કે જો તમને ફરિયાદ હોય તો અમને જાણ કરો. જાહેરમાં નિવેદનો કરવાથી ક્યારેય સમસ્યાનું સમાધાન ન થાય. કોંગ્રેસ પાર્ટીમાં શિસ્ત ખૂબ જરૂરી છે. જો શિસ્ત ન હોય તો પાર્ટી ન ચાલી શકે. તમામ લોકોએ શિસ્તમાં રહેવું ખૂબ જરૂરી છે.
હાર્દિક પટેલે આરોપ લગાવ્યો હતો કે પ્રદેશ નેતૃત્વ મને સતત પરેશાન કરી રહ્યું છે. મેં સતત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મારી આ સ્થિતિ વિશે માહિતી આપી, પરંતુ દુખની વાત છે કે કોઈ નિર્ણય થયો નથી. હાર્દિકે પટેલે એવો પણ દાવો કર્યો કે છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નથી બની તે માટે જૂથવાદ અને ગુજરાતના કોંગ્રેસ નેતાઓનું બીજી રાજકીય પાર્ટી સાથે ગુપ્ત ગઠબંધન જવાબદાર છે.
2017માં આટલો મોટો માહોલ હતો, પરંતુ ખોટી રીતે ટિકીટની વહેંચણી કરવાથી સરકાર બની નહીં. અમે એક મોટુ આંદોલન ઊભું કરી કોંગ્રેસને ફાયદો અપાવ્યો હતો. અમને લાગ્યું કે જ્યારે અમારી તાકાત અને કોંગ્રેસની તાકાત મળશે તો અમે પ્રદેશને એક નવી સ્થિતિમાં લઈ જશું. પરંતુ કોંગ્રેસના નેતાઓએ અમારી તાકાતને નબળી પાડી દીધી. મને કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવાયો, પરંતુ મારી પાસે કોઈ કામ નથી. મને કોઈ મહત્વની બેઠકમાં બોલાવવામાં આવતો નથી, કોઈ નિર્ણયમાં ભાગીદાર બનાવવામાં આવતો નથી. સવાલ તો એ છે કે કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ શું હોય છે? કોઈતો જવાબદારી આપવી જોઈએ, ત્રણ વર્ષ થઈ ગયા, કોઈ કામ આપવામાં આવ્યું નથી. મારી નારાજગી ક્યાંય જવા માટે નથી. હું એવું કહેવા ઈચ્છુ છું કે કંઈક તો સારૂ કરો. પાર્ટીની ખુબ ખરાબ સ્થિતિ છે, જે મજબૂતીથી લડનારા લોકો છે તેને તક તો આપો. તેમ હાર્દિક પટેલે કહ્યું હતું.