Comments

ગુજરાતમાં કોંગ્રેસ અને ‘આપ’માં ફરી ગાબડાં

ગુજરાતમાં કોંગ્રેસ અને આપના એક એક ધારાસભ્ય દ્વારા રાજીનામાં અપાયાં છે અને ક્મુર્તાક બાદ તેઓ બંને ભાજપમાં સામેલ થશે. હવા તો એવી ય છે કે, હજુ ય કેટલાક ધારાસભ્યો ખરી શકે છે. સવાલ એ છે કે, ભાજપને ગઈ ચૂંટણીમાં ૧૫૬ બેઠકો મળ્યા બાદ પણ ઓપરેશન લોટસ ચાલુ કેમ રાખવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી નજીક છે એટલે કે પછી રાજ્યસભાની ચૂંટણીમાં કોઈ ક્રોસ વોટીંગ ના થાય એ માટેની તકેદારી રૂપે આ તોડફોડ થઇ છે.

છેલ્લાં ૨૦ વર્ષમાં કોન્ગ્રેસના ૧૦૦ જેટલા નેતાઓ ભાજપમાં આવ્યાં છે. ૨૦ તો ધારાસભ્યો આવ્યાં છે અને એમાંનાં કેટલાંક ફરી ચૂંટાઈ અને મંત્રીઓ પણ બન્યાં છે અને ૨૦૨૨માં ભાજપને વિક્રમજનક બેઠકો મળી અને એમ છતાં હજુ ય કોંગ્રેસ કે આપમાં ગાબડાં પડવાનું ચાલુ છે. કારણો એકથી વધુ હોઈ શકે છે. રાજ્યસભામાં ભાજપના કેટલાક સભ્યો નિવૃત્ત થવાના છે એમાં ગુજરાતમાંથી મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાળા છે અને એ બંનેને ફરી ટીકીટ અપાય એવી પૂરી શક્યતા છે. આ ચૂંટણીમાં કોઈ ગરબડ ના થાય એ માટે પણ ભાજપ સક્રિય છે. કોંગ્રેસ અને આપના મળી ૨૨ મત થાય છે અને અહેમદ પટેલ વખતે થયું તો એવું ક્રોસ વોટીંગ ના થાય એ માટે પણ તોડફોડ શરૂ થઇ હોઈ શકે છે.

જો કે, એના કરતાં પણ વધુ મજબૂત કારણ છે , લોકસભાની આવનારી ચૂંટણી. આવતા વર્ષે મે-જૂનમાં આ ચૂંટણી જાહેર થાય અને ગુજરાતમાં છેલ્લી બે ચૂંટણીથી ભાજપ છવીસેય બેઠક મેળવી રહ્યો છે અને ૨૦૨૪માં એની હેટ્રિક થાય એવું ભાજપ ઈચ્છે એ સ્વાભાવિક છે અને એ માટે અત્યારથી ભાજપ સક્રિય થઇ ગયો છે. સવાલ એ છે કે, ભાજપ કોઈ ચૂક ન થાય એવી તકેદારી રાખે છે. પણ કોંગ્રેસ અને આપ શું કરે છે? ૨૦૨૨માં આપે ૧૩ ટકા મતો મેળવી ગુજરાતમાં પોતાનો પગ મૂક્યો છે અને એનું સૌથું વધુ નુકસાન કોંગ્રેસને થયું છે.

કોંગ્રેસને માત્ર ૧૭ બેઠક મળી એ પાછળ ભાજપ કરતાં આપ વધુ જવાબદાર છે. લોકસભામાં કોંગ્રેસ અને આપ સાથે મળી ચૂંટણી લડશે કે કેમ? એ ય હજુ સ્પષ્ટ થયું નથી. જો કે, ‘ઇન્ડિયા’માં પણ ક્યાં હજુ બધું સમુંસુતરું જણાઈ રહ્યું છે. બેઠકોની સમજૂતી આ મહિનાઓના અંત સુધીમાં થાય એવું કહેવામાં તો આવ્યું પણ એવું થશે જ એવું લાગતું નથી. થોડા સમય પહેલાં આપ દ્વારા ગુજરાતમાં કોંગ્રેસ સાથે રહી ચૂંટણી લાદવામાં આવશે એવી વાત થયેલી, પણ કોંગ્રેસે કહેલું કે, એ તો રાષ્ટ્રીય કક્ષાએ નક્કી થાય. બંને સાથે મળી ચૂંટણી લડે તો ભાજપ માટે થોડી ચિંતા જરૂર સર્જાય.

પણ એ પહેલાં કાંગરા ખરવા લાગ્યા છે. આ બંને પક્ષમાં કેટલાક સભ્યો એવા છે કે, જે વિચારે છે કે, કોંગ્રેસ કે આપમાં રહેવાથી ફાયદો શું? સત્તા તો આવવાની નથી.  આ કારણે કેટલાંક લોકો ભાજપમાં જવા તત્પર થયાં છે એ વાત ખોટી નથી. પણ ભાજપને ૧૫૬ બેઠકો મળ્યા બાદ ભાજપ આવાં સભ્યોને કેટલું કોઠું આપે એ કહેવું મુશ્કેલ છે. પણ તોડફોડ અટકી નથી એ વાસ્તવિકતા છે. સંસદની જેમ જ ગુજરાતમાં વિરોધ પક્ષનું અસ્તિત્વ મટી જાય એવી સ્થિતિ આવી ગઈ છે અને એ લોકશાહી માટે સારી નિશાની નહિ, પણ વાસ્તવિકતા સ્વીકારવી રહી.

યુપીમાં સપા – કોંગ્રેસ સાથસાથ
ઉત્તરપ્રદેશમાં સપા અને કોંગ્રેસ સાથે રહી ચૂંટણી લડશે એ નક્કી થઇ ગયું છે . જો કે, એ માટે કોંગ્રેસે બસપા સાથે કોઈ જોડાણ નહિ થાય એવું વચન આપ્યું છે. પણ કોંગ્રેસ – સપા સાથે ચૂંટણી લડે તો ભાજપને કેટલું નુકસાન થઇ શકે એની ગણતરી કરવાનું શરૂ થયું છે. યુપીમાં લોકસભાની સૌથી વધુ બેઠકો છે અને અહીં જે પક્ષ વધુ બેઠક લઇ જાય એ કેન્દ્રમાં સત્તા મેળવે છે એવું વર્ષોથી કહેવામાં આવે છે.

૨૦૧૯ની વાત કરીએ તો ભાજપે લગભગ ૫૦ ટકા મત મેળવી ૬૨ બેઠકો અંકે કરી હતી. તો બસપાએ ૧૦ અને સપાએ ૫ અને કોંગ્રેસે માત્ર એક બેઠક જીતી હતી. બસપાને ૧૯, સપાને ૧૮ અને કોંગ્રેસને ૬.૪૧ ટકા મત મળ્યા હતા. એટલે સપા અને કોંગ્રેસ સાથે લડે તો બંનેને ફાયદો થઈ શકે એમ છે. જો કે, સપા કોંગ્રેસને કેટલી બેઠકો આપે એ પણ મહત્ત્વનું છે. કોન્ગ્રેસથી સોનિયા ગાંધી હવે ચૂંટણી લડવાનાં નથી અને રાહુલ યુપીમાંથી લડશે કે, કેરળમાંથી કે બંને જગ્યાએથી એ નકકી થયું નથી. રસપ્રદ એ બનવાનું છે કે, પ્રિયંકા ગાંધી લડે તો ક્યાંથી લડશે? મમતા બેનર્જીએ તો પ્રિયંકાને નરેન્દ્ર મોદી સામે ઉતારવાની સલાહ કરી છે. એ તો શક્ય નથી, પણ પ્રિયંકા ચૂંટણી જંગમાં ઊતરે તો ભાજપ એને હરાવવા બધા પ્રયત્નો કરશે એ નક્કી.

સોનિયા અયોધ્યા જશે?
રામ મંદિર પ્રતિષ્ઠા ઉત્સવની જોરશોરથી તૈયારી ચાલી રહી છે અને એમાં કોને આમંત્રણ અપાયાં અને કોને નથી અપાયાં એની ચર્ચા ચાલે છે. એલ. કે. અડવાણી અને મુરલી મનોહરને આમન્ત્રણ તો અપાયાં, પણ રામ મંદિર પ્રતિસ્થાનનાં માત્ર સંપત રાયે કહ્યું કે, આ બંને ઉમરલાયક છે એટલે એમણે ના આવવું જોઈએ. આ વાતથી વિવાદ થયો અને બાદમાં તુરંત વિહિપના નેતાઓ બંને નેતાઓને ઘેર જઈ આમંત્રણ આપી આવ્યા છે અને આ બંને નેતાઓએ કહ્યું છે કે, એ આવવા માગે છે. હવે એ બંને આવશે કે કેમ એના પર બધાની નજર રહેવાની.

આ ઉપરાંત કોંગ્રેસમાં સોનિયા ગાંધી અને ખડગેને આમંત્રણ અપાયાં છે અને એ બંને જશે કે કેમ? એ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઇ નથી. કોંગ્રેસ માટે આ ધર્મસંકટ માનવામાં આવે છે. કોંગ્રેસે સોફ્ટ હિન્દુત્વ અપનાવ્યું તો છે પણ એનો ફાયદો કોંગ્રેસને થયો નથી. બીજી બાજુ દક્ષિણના વિપક્ષો એમ કહે છે કે, કોંગ્રેસ આવું કરીને મુસ્લિમ મતો  પણ ગુમાવે છે. આ સ્થિતિમાં કોંગ્રેસ શું નિર્ણય લેશે? સોનિયા તબિયતનું બહાનું બતાવી ના જાય એ સંભવ છે, પણ ખડગે જશે? આ પ્રશ્નનો જવાબ મળ્યા બાદ એના પર ઘમસાણ મચે એવી શક્યતા પૂરેપૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top