Gujarat

‘વિશ્વ હિન્દુસ્તાની સંગઠન પાર્ટી’ કોંગ્રેસમાં વિલીન, 8 લાખ જેટલા સભ્યો હવે કોંગ્રેસી

અમદાવાદ: આગામી 2024માં લોકસભાની ચૂંટણી (Loksabha Election) આવી રહી છે, ત્યારે પ્રદેશમાં કોંગ્રેસને (Congress) મજબૂત કરવા તેમજ લોકો વધુમાં વધુ કોંગ્રેસમાં જોડાય તે માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આજે આમ આદમી પાર્ટી (AAP), ભાજપ (BJP) અને વિશ્વ હિન્દુસ્તાની પાર્ટીના (Vishwa Hindustani Party) સંખ્યાબંધ અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા હતા.

  • આપના આદિવાસી નેતા અર્જુન રાઠવા અને ભાજપના પણ અનેક હોદ્દેદારો, અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યું હતું કે સેવા સાધના માટે કોંગ્રેસના સેવા યજ્ઞમાં દિવસે દિવસે વધુને વધુ લોકો જોડાઈ રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના નેતૃત્વમાં લોકો કોંગ્રેસ તરફ આકર્ષાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના આદિવાસી સમાજના નેતા અર્જુન રાઠવા સહિત અનેક આગેવાનો, આ ઉપરાંત પાટણ, સાબરકાંઠા વડોદરા જિલ્લાના આપના સંખ્યાબંધ કાર્યકરો, હોદ્દેદારો, પદાધિકારીઓ કોંગ્રેસમાં જોડાયા હતા.

તેવી જ રીતે બનાસકાંઠા જિલ્લા ભાજપના અગ્રણીઓએ વિધિવત રીતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસનો તિરંગો ખેસ ધારણ કર્યો હતો. તેમજ ‘વિશ્વ હિંદુસ્તાની સંગઠન પાર્ટી’ના અધ્યક્ષ આદિત્ય રાવલ સહિત તમામ હોદ્દેદારો વિધીવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. કોંગ્રેસ પક્ષમાં વિલીનીકરણ થયેલા ‘વિશ્વ હિંદુસ્તાની સંગઠન પાર્ટી’ના સમગ્ર ગુજરાતમાં આગેવાનો, હોદ્દેદારો અને સભ્યો મળીને આઠ લાખ જેટલો મોટો પરિવાર છે.

ભાજપના શાસનમાં રાજ્યમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. રાજ્યમાં અવારનવાર બ્રિજ-પુલ તુટવાની ઘટનાઓ બને છે, પરંતુ ક્યાંય કમલમ કાર્યાલય તુટ્યું હોય તેમ જણાતું નથી. દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશે. કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ભાજપ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષોમાંથી અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, તેઓનો શક્તિસિંહ ગોહિલે આભાર માન્યો હતો.

Most Popular

To Top