ઉત્તરપ્રદેશ ( UTTAR PRADESH ) ના ગૌતમ બુદ્ધ (GAUTAMBUDHHA NAGAR) નગરના પ્રજાસત્તાક દિન પર ખેડૂતોની ટ્રેક્ટર પરેડ ( TRACTOR MARCH) દરમિયાન પોલીસે ગુરુવારે રાત્રે કોંગ્રેસના સાંસદ શશી થરૂર ( SHASHI THARUR) અને 6 વરિષ્ઠ પત્રકારો (6 REPORTERS) વિરુદ્ધ ગુનો ( FIR) નોંધ્યો છે.વરિષ્ઠ પત્રકારોમાં રાજદીપ સરદેસાઈ, મૃણાલ પાંડે, ઝફર આગા, પરેશનાથ, અનંત નાથ અને વિનોદ જોસનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ ઉપર રાજદ્રોહ અને શાંતિનો ભંગ કરવા, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને આઈટી એક્ટની વિવિધ કલમોનો આરોપ મૂકવામાં આવ્યો છે.
નોઈડાના સેક્ટર -20 પોલીસ સ્ટેશન મુજબ સુપરટેક કેપ ટાઉનમાં રહેતા અર્પિત મિશ્રાએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં ઉપદ્રવ દરમિયાન કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર અપશબ્દો, ભ્રામક અને ઉશ્કેરણીજનક સમાચાર પોસ્ટ કર્યા હતા કે પોલીસે ટ્રેક્ટર ડ્રાઇવર ખેડૂતની ગોળી મારીને હત્યા કરી હતી.
આવી ખોટી માહિતી સુઆયોજિત ષડયંત્ર હેઠળ ફેલાવવામાં આવી હતી. વિરોધીઓને ઉશ્કેરવા માટે આ હેતુપૂર્વક કરવામાં આવ્યું હતું. આ કારણે વિરોધીઓ લાલ કિલ્લાના પરિસરમાં પહોંચ્યા હતા અને ત્યાં ધાર્મિક અને અન્ય ધ્વજ લગાવી દીધા હતા અને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.
એડીસીપી રણવિજયસિંહે જણાવ્યું હતું કે અર્પિત મિશ્રાની તાહિરના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ 153 એ, 153 બી, 295 એ, 504, 506, 124 (એ) 120 બી, આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલમાં તેની તપાસ કરવામાં આવી રહી છે.
ટ્રેક્ટર પરેડ દરમિયાન દેશની ધરોહર અને સંપતિને નુકશાન કરવામાં આવ્યું છે, આ હિંસામાં કરોડોની સંપત્તિને નુકસાન થયું છે તેમજ 394 પોલીસ જવાન ઘાયલ થયા છે. દિલ્હી પોલીસે નોંધાવેલી એફઆઈઆરમાં સ્પષ્ટ લખ્યું છે કે દેશ અને દેશની બહારના તમામ આયોજકો અથવા વ્યક્તિઓની ભૂમિકાની તપાસ કરવામાં આવશે. દિલ્હી પોલીસનો સ્પેશિયલ સેલ આ કેસની તપાસ કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નોંધાયેલી એફઆઈઆરમાં સ્પષ્ટ લખ્યું છે કે આ સમગ્ર હિંસા એક મોટા ષડયંત્ર હેઠળ કરવામાં આવી છે.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ હિંસાના આ કેસમાં અત્યાર સુધીમાં 33 એફઆઈઆર નોંધાઈ છે, જેમાંથી 9 કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાંચની ટીમ સમર પુર બદલી, કોતવાલી, આઈપી એસ્ટેટ, નાંગલોઇ, બાબા હરિદાસ નગર, નજફગઢ, પાંડવ નગરમાં આ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસોની તપાસ કરશે. પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 44 લોકો સામે એલઓસી જારી કરવામાં આવી છે.