અખબારો એક અર્થમાં રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિના દસ્તાવેજીકરણનું કામ કરે છે. ‘ગુજરાતમિત્ર’માં ‘અક્ષરની આરાધના’ અને ‘કર્ટનકોલ’ને તમે સાહિત્ય અને નાટ્યક્ષેત્રની પ્રવૃત્તિના મર્યાદિત અર્થના દસ્તાવેજ તરીકે ઓળખાવી શકો. આજે નયનાક્ષી વૈદ્યના કલાવિષયક લેખોના પુસ્તકનો લોકાર્પણ પ્રસંગ યોજાયો છે. થોડા સમય પહેલાં પ્રવીણ સરાધીઆનો ‘કર્ટનકોલનો રણકાર’ નામનો ગ્રંથ પ્રગટ થયો. આ બંને ગ્રંથ ‘કર્ટનકોલ’માં પ્રગટ થયેલા લેખોના છે એમ કહી શકાય. સુરતમાં નાટયપ્રવૃત્તિ કરનારા માટે ‘કર્ટનકોલ’માં પોતાના વિશે કશું પણ પ્રગટ થવું જાહેર – ગૌરવની પળ બની જાય છે કારણ કે તેઓ વ્યવસાયી સ્તરે નહીં બલકે સ્પર્ધાની રંગભૂમિના સ્તરે નાટકો કરે છે જેમાં કળાતત્ત્વનું સંયોજન અગત્યનું બને છે. પ્રવીણ સરાધીઆના ગ્રંથમાં કુલ 96 લેખ છે. નાટક માટે પ્રેક્ષક ખૂબ અગત્યનો છે પણ કેળવાયેલી નાટયરૂચિ સાથે સમ-ભાવપૂર્વક સમીક્ષા લખનાર પ્રેક્ષક તેથી પણ મહત્ત્વનો છે. પ્રવીણ સરાધીઆ સુરતમાં યોજાતી નાટ્ય સ્પર્ધાના નિયમિત પ્રેક્ષક રહ્યા છે અને ‘ગુજરાતમિત્ર’ના વરિષ્ઠ પત્રકાર અને નાટ્યકળામાં વર્ષો સુધી સક્રિય રહેલા ચન્દ્રકાન્ત પુરોહિતના આહ્વાને તેમણે ‘કર્ટનકોલ’ માટે લખવું શરૂ કરેલું. 1998 થી તેમણે લખવાની શરૂઆત કરેલી એટલે બે દાયકાની રંગભૂમિનો પરિચય અહીં સાંપડશે.
નાટકની પ્રવૃત્તિ તો અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર સહિત ઘણે થાય છે પણ ત્યાં ભજવાતા નાટકોને નિયમિત પરિચય – સમીક્ષાનો લાભ નથી મળ્યો. મુંબઇની નાટ્યપ્રવૃત્તિને ઉત્પલ ભાયાણી મળ્યા હતા જે બહુ સૂક્ષ્મ અને શાર્પ કળાદૃષ્ટિ અને જેતે ભાષાની રંગભૂમિના ઇતિહાસ સંદર્ભ સાથે ઓછા શબ્દોમાં અસરકારક સમીક્ષા લખતા. પ્રવીણ સરાધીઆએ સામાન્યપણે કોઇ એક નાટકથી વધુ નાટ્યસ્પર્ધાઓમાં ભજવાતા નાટકોની નોંધ લખવાનું આવ્યું હતું એટલે આ પુસ્તકમાંથી પસાર થતી વેળા અનેક પ્રેક્ષકો અને નાટક કરનારાઓ સ્મૃતિમાં સરી પડશે. થોડા પ્રશ્નો જરૂર થશે જેમ કે ‘તિરાડે ફૂટી કૂંપળ’ મૂળ તો મહેશ એલકુંચવારના ‘વાડા ચિરેબંદી’નું રવીન્દ્ર પારેખે કરેલું રૂપાંતર હતું પણ અહીં તેનો ઉલ્લેખ ‘રવીન્દ્ર પારેખની કલમે રચાયેલી કૃતિ’ તરીકે થયો છે. અલબત્ત એવું દરેક નોંધમાં થયું છે એવું નથી પણ અમુક પ્રકારની કાળજી જરૂરી રહે છે. નાટકનો અનુવાદ પણ હોય, રૂપાંતર પણ હોય અને આ ગ્રંથમાં તો નવલકથા, વાર્તા પરથી સર્જાયેલા નાટકો પણ છે. ત્યાં ‘રૂપાંતર’ની વ્યાખ્યા બદલાવી જોઇએ.
અહીં એટલા બધા નાટકો વિશે લખાયું છે કે કોઇ પણ આ પુસ્તક વાંચશે તો સુરતની રંગભૂમિ વિશે ગૌરવની અનુભૂતિ કરશે. જો અહીં નોંધ પામેલા નાટકોની, તેના દિગ્દર્શક, કળાકારોની યાદી બનાવીશું તો એક જુદો રોમાંચ અનુભવાશે. દેશના કેટલા બધા નાટકો સુરતમાં ભજવાયા છે! પ્રવીણ સરાધીઆનો પ્રયત્ન જેતે નાટકના કથનતત્ત્વને થોડા શબ્દોમાં સ્પષ્ટ કરી આપી ભજવણીના વિશેષને પકડવાનો રહ્યો છે. તેઓ દરેક નાટ્યજૂથ પરિચય ધરાવતા હોવાથી અધિકૃતતા જળવાય રહે તેની પણ કાળજી રાખી છે. સ્પર્ધામાં નિર્ણાયકો મહત્ત્વના હોય છે અને તેમના નિર્ણયો પણ. પ્રવીણભાઇ કોઇ વિવાદમાં પડયા વિના નિર્ણયની નોંધ લે છે પણ સાથે જ જે નાટક સ્પર્ધામાં સારું પરિણામની આશા રાખતા હોય તેની ઉપેક્ષા થઇ હોય તો શાંત સ્વરે નોંધ પણ લે છે. ગુજરાત રાજય અકાદમીની જયાં ટીકા કરવી જરૂરી હોય ત્યાં ટીકા પણ કરે છે.
આ પુસ્તક વાંચતા દર વર્ષે કેટલી નાટ્યસંસ્થાઓ સુરતમાં સક્રિય રહી છે તેનો પણ અંદાજ આવશે. તેમણે એક લેખના શીર્ષકમાં પ્રેક્ષક વિશે પણ નોંધ્યું છે કે ‘નાટ્યસ્પર્ધાના નાટકોએ એક શિસ્તબધ્ધ પ્રેક્ષકવર્ગ તૈયાર કર્યો છે.’ તેમની આ વાત સાચી કહેવાય. મહાનગરપાલિકાના કારણે સુરતના પ્રેક્ષકો ચાર દાયકાથી વધુ સમયથી ટિકિટનાં નાણાં ચૂકવ્યા વિના નાટકો જોઇ શકયા છે. આ પુસ્તકમાં લેખક તરીકે સૌથી વધુ વાર જયોતિ વૈદ્ય ઉલ્લેખ પામ્યા છે અને તેના પરથી કોઇ પણ કહી શકશે કે પ્રા. જયોતિ વૈદ્ય સુરતની નાટ્યસ્પર્ધાના અનિવાર્ય અંગ સમા હતા. બીજું જે નોંધવા જેવું લાગશે તે એ કે અન્ય ભાષાના નાટકોની વાત હોય તો મરાઠી ભાષાના નાટકોના રૂપાંતર વધુ થયા છે અને ત્યાર પછી મુંબઇની વ્યવસાયી રંગભૂમિ પર ભજવાયેલા નાટકની પુન:રજૂઆત મહત્ત્વની બની છે. આ બધા વચ્ચે એકદમ મૌલિક અને જેની પ્રથમ જ વાર ભજવણી થઇ હોય એવા નાટકોની એક અલગ યાદી તારવી શકો. કપિલદેવ શુકલે અનેક નવલકથાઓને પ્રથમ વાર નાટ્યરૂપે રજૂ કરી તો શૈલેન્દ્ર વડનેરેનો આગ્રહ અનેક વાર પોતાના લખેલા નાટક ભજવવાનો રહ્યો.
આ ગ્રંથમાં રાષ્ટ્રીય કલા કેન્દ્ર જેવી સંસ્થા યા સ્કોપા (સાર્વજનિક કોલેજ ઓફ પર્ફોમિંગ આર્ટ્સ)નો ય પરિચય પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત નાટક જ નહીં જાહેર વકતવ્ય, આસ્વાદ અને અન્ય પ્રસંગોના અહેવાલ પણ છે. પુસ્તકમાં વિભાગ પાડી આ બધા લેખો સમાવાયા હોત તો વધુ યોગ્ય થાત. પુસ્તકમાં અનુક્રમણિકા પણ નથી. ખરેખર તો પુસ્તકના અંતે સુરતની નાટ્યસ્પર્ધામાં ભજવાયેલા નાટકોનો એક વિગતવાર કોઠો બનાવીને મૂકી શકાયો હોત જેમાં કયા દિગ્દર્શકે કેટલા નાટકો ભજવ્યા, કોના ભજવ્યા, કયા નાટકો કયાં વિજેતા નીવડયા સહિતની વિગતો મળી હોત. ‘કર્ટનકોલનો રણકાર’ 2018 -19 ના સમયને આવરી લે છે. 2018માં સુરત મહાનગરપાલિકા યોજિત નાટ્યસ્પર્ધાનું 50મું વર્ષ હતું. રાષ્ટ્રીય કળાકેન્દ્રે ‘મને ગમતાં પુસ્તક’ હેઠળ પુસ્તકના રસાસ્વાદની શ્રેણી કરેલી તે પણ આ ગ્રંથથી સ્મરણમાં જાગે છે. સરોજ પાઠકને અંજલિ આપતાં બે કાર્યક્રમોની નોંધ પણ અહીં છે. એક અર્થમાં માત્ર નાટક નહીં સુરતની સાંસ્કૃતિક પ્રવૃત્તિનો પણ અહીં પરિચય થાય છે. સુરતની નાટ્યપ્રવૃત્તિનું વધુ સારું દસ્તાવેજીકરણ તો ‘કર્ટનકોલ’ કોલમ શરૂ થઇ ત્યારથી આજ સુધીમાં તેમાં સમાવાયેલા નાટકવિષયક લેખનું સંકલન થાય તો વધુ સમૃધ્ધિનો પરિચય થશે. પ્રવીણ સરાધીઆએ જે સમયગાળો અંકિત કર્યો છે તે પહેલાંનો સમયગાળો કોઇ અભ્યાસીને આહ્વાન કરે છે.