Business

પ્રવીણ તાંબે : ચાળીસી વટાવ્યા પછીનો રાઈઝિંગ ક્રિકેટ સ્ટાર!

પ્રવીણ તાંબેનું નામ આજે ક્રિકેટરસિયાઓમાં જાણીતું છે, પણ પ્રવીણ ચાળીસ વટાવી ગયેલાં ત્યાં સુધી ક્રિકેટની દુનિયામાં તે ગુમનામ ચહેરો હતો. સામાન્ય રીતે ક્રિકેટર તરીકેની વ્યાવસાયિક કારકિર્દી 18 વર્ષથી 35 સુધી હોઈ શકે. સચિન જેવાં જૂજ પ્લેયર શિસ્તબદ્ધ જીવનના કારણે પાંત્રીસી વટાવ્યા પછી ક્રિકેટ મેદાનમાં ટકી શક્યા હતા. પણ પ્રવીણ તાંબેના કિસ્સામાં તો સામાન્ય રીતે થાય તેમ કશુંય થયું નહીં. ચાળીસ વર્ષ સુધી તે રણજી કે અન્ય કોઈ ફર્સ્ટ ક્લાસ ટુર્નામેન્ટ રમી શક્યો નહીં. તેની ક્રિકેટ કારકિર્દી મુંબઈની ક્લબ લેવલે જ સિમિત થઈ ચૂકી હતી. 2000 અને 2002ના વર્ષ દરમિયાન પ્રવીણનું નામ મુંબઈ રણજી ટીમનાં સંભવિતોમાં આવ્યું પણ ફાઈનલ યાદીમાં નામ નીકળી ગયું.

આ રીતે ક્રિકેટને જીવન સમર્પિત કર્યું હોવા છતાં સ્થાનિક સ્તરે આ સ્ટારનો ઉદય થઈને અસ્ત થઈ જવાનો હતો. પ્રવીણ તાંબે દેશના લાખો એવાં ક્રિકેટરનું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ રાતદિવસ ક્રિકેટ રમતાં-જીવતાં હોવા છતાં તેઓને ક્યારેય વ્યાપક ક્રિકેટરની ઓળખ મળતી નથી. તેમનો ધ્યેય ક્રિકેટ રમવાનો હોય છે અને જ્યાં ક્રિકેટ રમવા મળે તેનાથી તેઓ ખુશ હોય છે. પ્રવીણ તાંબેને પણ તક ન મળી હોવા છતાં ક્રિકેટનું ઝનૂન તેમાં ઓસર્યું નહીં અને તે પોતાની ક્રિકેટ સ્કીલને નિખારતો રહ્યો અને 41 વર્ષે 2013માં તેને ‘ઇન્ડિયન પ્રિમિયર લિગ’માં રમવાની તક મળી. આ પછી જે બન્યું તે ઇતિહાસ છે અને હવે તાંબેના જીવન પરથી ફિલ્મ પણ આવી ચૂકી છે. ફિલ્મનું નામ છે : ‘કૌન પ્રવીણ તાંબે?’

પ્રવીણ વિજય તાંબેની પ્રોફાઈલ આજે સર્વત્ર છવાઈ ચૂકી છે. રાઈટ આર્મ લેગ બ્રેક બોલર તરીકે તેણે ખ્યાતિ મેળવી છે અને તે અત્યાર સુધી 20-20ની 62 મેચમાં 68 વિકેટ લઈ ચૂક્યો છે. આ રેકોર્ડ જરાય ઇમ્પ્રેસિવ નથી, પણ તેમ છતાં તાંબે આજે દરેક ક્રિકેટર માટે ઇન્સ્પારિન્સિઅલ સ્ટોરી છે. કારણ માત્ર એટલું કે આજે કરોડો યુવાનો ક્રિકેટર બનવાનું સપનું સેવે છે પણ આખરે ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટે રમનારાં અગિયાર ખેલાડી જ છે. અને તેમાં પણ કેટલાંક ખેલાડીઓની વર્ષો સુધી ટીમમાં જગ્યા ફીક્સ હોય છે. હવે 20-20 ફોર્મેટ અને આઈપીએલ ખેલાડીઓ માટે તકોના દરવાજા ખોલી દીધા હોવા છતાં ઇન્ડિયન ક્રિકેટ ટીમ તરફથી રમવાનું સપનું જૂજ ક્રિકેટરોનું જ સાકાર થાય છે. પ્રવીણ તાંબેને પણ ક્રિકેટના વધતાં વ્યાપના કારણે ઓળખ મળી છે, પણ હજુ સુધી તેને ઇન્ડિયન ટીમની કેપ મળી નથી. એટલે પ્રવીણની જેમ અવિરત સંઘર્ષ કરવા માટે તેની લાઈફ તરફ જોવું પડે અને એટલે જ આજે ‘કૌન પ્રવીણ તાંબે?’ ફિલ્મ ચર્ચા જગાવી શકી છે.

નિષ્ફળતાની હારમાળા આસપાસ અનેક વાર્તાઓ સર્જે છે અને પ્રવીણ તાંબેના કિસ્સામાંય એવું જ થયું. ક્રિકેટર તરીકે મળેલી સતત નિષ્ફળતાએ તેની આસપાસ એટલી બધી ઘટનાઓ નિર્મિત કરી કે તે એક ફિલ્મનો વિષય બન્યો. પણ ફિલ્મના વિષય બનતાં બનતાં તેની મથામણ એવી રહી કે તેમાં અચ્છા-અચ્છા નાસીપાસ થઈ જાય. આ પૂરા સમયને પ્રવીણ વટાવી ગયો. ક્રિકેટ આજે આયોજનબદ્ધ થઈ ચૂક્યું છે. તેના માપદંડ નિશ્ચિત થઈ ચૂક્યા છે. ઉંમરને લઈને તો ખાસ. આજે યુવાન ખેલાડીઓ વચ્ચે જ સ્પર્ધા હોય ત્યારે ઉંમર વટાવી ગયેલાં કોઈ ખેલાડીને કેવી રીતે કોઈ તક આપે. ફિટનેસ સારી હોવા છતાં સ્પર્ધામાં યુવાનો હોય ત્યારે તાંબેની તો શક્યતા નહીવત્ બની જાય. પણ આ અડચણોને હડસેલીને તાંબેએ પોતાની જગ્યા બનાવી.

ગલી ક્રિકેટથી તાંબેનું ક્રિકેટ શરૂ થયું. પછી યુવાન વયે તે સિઝન બોલથી રમતો થયો. પહેલાં તો તેને ફાસ્ટ બોલર થવું હતું અને તે માટેની તનતોડ મહેનત પણ તેણે કરી. પણ આ દરમિયાન તેની ટીમના કેપ્ટન અજય કદમે તેને લેગ સ્પિન બોલિંગ નાંખવા કહ્યું. ફાસ્ટ કરતાં લેગ-સ્પિન તાંબે માટે સહજ હતી. તે પછી જ્યારે તે શિવાજી પાર્કમાં જીમખાનાની ટીમ વતી રમતો હતો ત્યારે તેના સ્પિન બોલિંગથી ભારતીય પૂર્વ ક્રિકેટર સંદિપ પાટીલ પણ રાજી થયા. સંદિપ પાટીલે તાંબેના ફ્લિપ્પર બોલને તો ઉમદા ગણાવ્યો. ક્રિકેટની સાથે તેનું જીવન વીતી રહ્યું હતું અને એક સમય એવો આવ્યો જ્યારે પરિવારમાંથી આર્થિક રીતે થાળે પડવાનું દબાણ આવતું ગયું. આ દબાણમાં અચ્છા અચ્છા ટેલેન્ટ દટાઈ જાય છે. તાંબેય દટાઈ જાય તેવી પરિસ્થિતિ તેની આસપાસ સર્જાઈ ચૂકી હતી. તે પરિસ્થિતિને તાંબે દૃઢનિશ્ચયથી હડસેલતો રહ્યો અને તે થયું જે તે ઇચ્છતો હતો.

આઈપીએલમાં પ્રવીણ તાંબેને પ્રથમ તક રાજસ્થાન રૉયલ્સની ટીમમાં મળી. તક મળી તેનું મુખ્ય કારણ રાહુલ દ્રવિડ હતો. રાહુલ દ્રવિડ પર તે વખતે રાજસ્થાન રૉયલ્સની  ચીફ મેન્ટરની જવાબદારી હતી. પ્રવીણને પ્રથમવાર ટીમમાં સિલેક્ટ કરવાનો અનુભવ એક કાર્યક્રમમાં રાહુલ દ્રવિડે બયાન પણ કર્યો છે. સ્વાભાવિક છે કે ક્રિકેટની વાત હોય અને રાહુલ દ્રવિડ વક્તા હોય તો તે તેનાં લાંબા સમયના ક્રિકેટ સાથીદાર સચિન તેન્ડુલકર, સૌરવ ગાંગુલી, લક્ષ્મણ કે કુંબલે વિશે વાત કરશે તેવી અપેક્ષા હોય. આ અપેક્ષા વિશે રાહુલ દ્રવિડે જ આ વક્તવ્યમાં કહ્યું છે. પણ તેમણે એ દિવસે પ્રવીણ તાંબેની કહાની પ્રેક્ષકોને સંભળવી અને આજે તે કહાની સોશિયલ મીડિયા પર ઠેકઠેકાણે વાઇરલ થઈ ચૂકી છે. આમાં રાહુલ દ્રવિડ કહે છે : “પ્રવીણ તાંબેનું નામ IPL દ્વારા તમે જરૂર સાંભળ્યું હશે. પ્રવીણ મુંબઈની અલગ-અલગ ગ્રાઉન્ડમાં વીસ વર્ષ સુધી ક્રિકેટ રમ્યો. પરંતુ તે ક્યારેય મુંબઈ વતી ન રમી શક્યો. પણ તે બોલિંગ કરતો રહ્યો. મેદાનમાં વીસ વર્ષ સુધી તે એકધારું રમ્યો. આ રીતે વર્ષોના વર્ષો રમવું ખૂબ મુશ્કેલ છે. અને આ કરવા માટે તમારામાં અલગ જુસ્સો હોવો જોઈએ. પ્રવીણે તે કરી બતાવ્યું.”

દ્રવિડ આગળ કહે છે : “અને થોડાં વર્ષો પહેલાં જ્યારે અમે રાજસ્થાન રૉયલ્સ માટે એક લેગ સ્પિનરને શોધી રહ્યા હતા ત્યારે પ્રવીણ અમારાં નેટ્સમાં આવ્યો. ને નેટ્સમાં તે વેળાએ કોઈ યુવાન ક્રિકેટરનો અવાજ મારા કાને પડ્યો કે આ અંકલ કોણ છે? પ્રવીણની ઉંમર ત્યારે 41 વર્ષની હતી. અમે તેને સિલેક્ટ કર્યો. અને બીજા દિવસે મને મારા CEOનો ફોન આવ્યો કે તમે શું કરો છો? તમે એક 41 વર્ષના વ્યક્તિને સિલેક્ટ કર્યો છે? તમે પાગલ તો નથી થયા ને! આપણે રાજસ્થાન રૉયલ્સમાં યંગ પ્લેયરને પ્રમોટ કરીએ છીએ. પણ અમે કહ્યું કે, નહીં અમને પ્રવીણમાં વિશ્વાસ છે અને IPLની તે સિઝનમાં પ્રવીણને એક પણ મેચ રમવાની તક ન મળી.

ત્યારે મારા માટે સૌથી આશ્ચર્યજનક ઘટના એ હતી કે તે હતું પ્રવીણનું વલણ. આ દરમિયાન પ્રવીણ એક પણ મેચ ન રમ્યો અને તેને બેન્ચ પર જ બેસવું પડ્યું. તે વખતે પણ તે પોતાનો બધો જ સમય ક્રિકેટની વાતો કરવામાં ગાળતો. તે હંમેશા બ્રેડ હોગ, શેન વોટ્સન અને મારી સાથે આવીને તેના બોલિંગ વિશે વાત કરતો. તે કલાકો સુધી પ્રેક્ટિસ કરતો અને પ્રેકિટસ સેશનમાં તે સૌથી પહેલાં આવતો અને સૌથી છેલ્લે જતો. પ્રેકિટસ સેશન ફરજિયાત હોય કે વૈકલ્પિક, તે હાજર રહેતો. તેણે તમામ જિમ ટ્રેનિંગમાં ભાગ લીધો હતો. અને પછી જ્યારે તેને ફાઈનલી ચેમ્પિયન્સ લિગમાં રમવાનો મોકો મળ્યો અને તેને મોટી સફળતા મળી. તે પછીની સિઝનમાં IPLમાં પણ તેનું પર્ફોમન્સ બેસ્ટ રહ્યું. અને જ્યારે તેને પહેલો મેન ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો ત્યારે તે ડ્રેસિંગ રૂમમાં આવીને ખૂબ રડ્યો. તે મારાં માટે સાચુ ઝનૂન છે. આપણે ઘણી સફળ કહાનીઓ સાંભળી હશે પણ 20 વર્ષ સુધી કોઈ જ ઓળખ વિના રમવું તે તમારાંમાં રહેલી ઇચ્છાશક્તિ દર્શાવે છે. જે યુવાન છે તેમના માટે પ્રવીણની આ સ્ટોરી પ્રેરણાદાયી છે.” પ્રવીણની મહેનત આખરે ફળી અને ચાળીસ વય સુધીની નિષ્ફળતાએ જ તેને આજે હિરો બનાવ્યો. પણ નિષ્ફળતા દરમિયાન ટકી રહેવું તે સૌથી મહત્ત્વનું હતું. ટકી રહેવાનો આ નિયમ સૃષ્ટિના દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે.

Most Popular

To Top