વડોદરા: આજે રામનવમીના પાવન પર્વ નિમિત્તે વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. વાજતે ગાજતે નીકળેલી આ શોભાયાત્રા વડોદરાના ફતેપુરા પાસે પહોંચી ત્યારે અહીંના પાંજરીગર મહોલ્લા નજીક એકાએક શોભાયાત્રા પર પત્થરમારો શરૂ થઈ ગયો હતો. પત્થરમારાના લીધે શોભાયાત્રામાં નાસભાગ મચી ગઈ હતી. તોફાની ટોળા દ્વારા રોડ પરની લારીઓ પર પણ તોડફોડ કરાઈ હતી.
વડોદરાના ફતેપુરામાં સવારે રામજીની શોભાયાત્રા પર પત્થરમારો થયા બાદ સાંજે 5.40 કલાકે ફરી એકવાર પત્થરમારો થયો હોવાની વિગતો જાણવા મળી છે. આ વખતે કુંભારવાડામાં નીકળેલી બીજી શોભાયાત્રા પર પત્થરમારા બાદ ટોળાએ વાહનોમાં તોડફોડ કરી છે. પોલીસે ઘટનાને કાબુમાં લેવા પ્રયાસ કર્યા છે.
એકાએક કોમી હિંસા ફાટી નીકળતા બજારો ટપોટપ બંધ થઈ ગયા હતા. જોકે, કોમી હિંસા વધુ વકરે તે પહેલાં વડોદરા પોલીસના કાફલાએ સ્થળ પર ધસી જઈ સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હતું. જોકે, આખાય શહેરનું વાતાવરણ તંગ થઈ ગયું હતું. રામનવમીના તહેવારમાં કોઈ અપ્રિય ઘટના નહીં બને તે માટે તંત્ર દ્વારા તૈયારી રાખવામાં આવી હતી. વડોદરા પોલીસ દ્વારા રાત્રે ફૂટ પેટ્રોલિંગ પણ કરાયું હતું. છતાં છમકલું થતાં તંત્ર દોડતું થઈ ગયું છે.
હાલમાં રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે આજે રામનવમીનો પર્વ આવી રહ્યો હોય વડોદરા પોલીસ દ્વારા બંને ધર્મના આગેવાનો સાથે એક શાંતિ વાર્તાનું આયોજન કરાયું હતું. શાંતિ સમિતિની બેઠકમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને વીએચપી તથા બજરંગ દળના આગેવાનોએ હાજરી આપી હતી અને શાંતિપૂર્વક તહેવારોની ઉજવણીની ખાતરી આપી હતી. દરમિયાન રામનવમીની આગલી રાત્રે બુધવારે પોલીસે ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું હતું, છતાં આજે આ છમકલું થતાં વડોદરાનું પોલીસ તંત્ર ચિંતામાં મુકાયું છે.
આજે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની શોભાયાત્રા વાજતે ગાજતે ફતેપુરા રોડ પરથી પસાર થતી હતી ત્યારે પાંજરીગર મહોલ્લા પાસેથી શોભાયાત્રા પર પત્થરમારો થયો હતો. પત્થરમારાથી શોભાયાત્રામાં સામેલ લોકો ઉશ્કેરાયા હતા અને કોમી ભડકો થયો હતો. ફતેપુરાથી કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધીના રોડ ઉપર સંખ્યાબંધ લારીઓની તોડફોડ કરાઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓએ પાંજરીગર મહોલ્લામાંથી પત્થરમારો શરૂ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ વડોદરા ભડકે બળશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.