કોલંબો: (Colombo) ચીની જાસૂસી જહાજ મૂળ નિર્ધારિત સમય કરતાં પાંચ દિવસ પછી 16 ઓગસ્ટે હમ્બનટોટા આંતરરાષ્ટ્રીય બંદર પર ડૉક કરશે. ભારતે રાષ્ટ્રીય સુરક્ષાને ટાંકીને મજબૂત ચિંતા વ્યક્ત કર્યા બાદ શ્રીલંકાએ ચીનના જહાજને હંબનટોટાની મુલાકાત લેવાની યોજના થોડા દિવસો માટે મુલતવી રાખવા વિનંતી કરી હતી. જોકે શનિવારે શ્રીલંકાએ ચીનના ટ્રેકિંગ જહાજ યુઆન વાંગ 5ને હમ્બનટોટા બંદર (Hambantota Port) પર આવવાની મંજૂરી આપી દીધી છે. આ જહાજ હવે 16 ઓગસ્ટે હમ્બનટોટા પહોંચશે. શ્રીલંકાના મીડિયાએ દાવો કર્યો છે કે ભારત અને અમેરિકા ચીનના ગુપ્તચર જહાજના આગમનનો વિરોધ કરવા માટે નક્કર કારણો આપવામાં નિષ્ફળ રહ્યા છે. જેથી તેણે મંજૂરી આપી છે. બીજી તરફ નિષ્ણાતોનું માનવું છે કે શ્રીલંકાની સરકારે ચીનના દબાણ સામે ઝૂકીને આ જહાજને હમ્બનટોટા આવવાની મંજૂરી આપી છે.
થોડા દિવસો પહેલા કોલંબોમાં તૈનાત ચીનના રાજદૂતે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથે બંધ બારણે બેઠક કરી હતી. આ જહાજ અગાઉ 12 ઓગસ્ટે શ્રીલંકા પહોંચવાનું હતું પરંતુ ભારતના વાંધાઓને પગલે શ્રીલંકાની સરકારે ચીનને જહાજની આગમન તારીખ મોકૂફ રાખવા વિનંતી કરી હતી. જોકે હવે ભારત અને અમેરિકા ચીનના ગુપ્તચર જહાજના આગમનનો વિરોધ કરવા માટે નક્કર કારણો આપવામાં નિષ્ફળ રહ્યા હોવાનું જણાવી શ્રીલંકાએ જહાજને બંદર પર આવવાની મંજૂરી આપી દીધી છે.
ચીનનું જહાજ 16 ઓગસ્ટે હંબનટોટા પહોંચશે
શ્રીલંકાના અખબાર સન્ડે ટાઈમ્સના જણાવ્યા અનુસાર જહાજ 16 ઓગસ્ટે હમ્બનટોટા ઈન્ટરનેશનલ પોર્ટ પર મૂળ નિર્ધારિત કરતાં પાંચ દિવસ મોડું આવશે. ભારતે રાષ્ટ્રીય સુરક્ષાને ટાંકીને મજબૂત ચિંતા વ્યક્ત કર્યા બાદ શ્રીલંકાએ ચીનના જહાજને હંબનટોટાની મુલાકાત લેવાની યોજના થોડા દિવસો માટે મુલતવી રાખવા વિનંતી કરી હતી. અમેરિકી રાજદૂત જુલી ચુંગે પણ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથેની બેઠકમાં જહાજ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જે બાદ ચીનના જાસૂસી જહાજે અચાનક પોતાનો ટ્રેક બદલી નાખ્યો હતો. જો કે હવે તે ફરી હંબનટોટા તરફ આગળ વધી રહ્યું છે.
શ્રીલંકાનો દાવો – ભારત અને અમેરિકા નક્કર કારણો આપી શક્યા નથી
શ્રીલંકાની સરકારે ભારત અને યુએસને જહાજના ડોકીંગ સામે વાંધો ઉઠાવવા કહ્યું હતું પરંતુ બંને પક્ષો કોઈ નક્કર કારણ આપી શક્યા નથી. આ પછી શ્રીલંકાની સરકારે ચીનના જહાજને હંબનટોટા આવવાની પરવાનગી આપી દીધી છે. દાવો કરવામાં આવે છે કે મંગળવારે શ્રીલંકાના વિદેશ મંત્રી અલી સાબરીએ ભારતીય રાજદ્વારીઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ચીનના જહાજના હંબનટોટા પહોંચવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શ્રીલંકાના વિદેશ મંત્રીએ ચીનના ગુપ્તચર જહાજ અંગે ભારતીય રાજદ્વારીઓ સમક્ષ સરકારનો પક્ષ રજૂ કર્યો હતો.
ગોટાબાયા રાજપક્ષેના કાર્યકાળ દરમિયાન મંજૂરી આપવામાં આવી હતી
શ્રીલંકામાં ચીનના ગુપ્તચર જહાજને ડૉક કરવાની પરવાનગી પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના કાર્યકાળ દરમિયાન આપવામાં આવી હતી. મંજૂરી પ્રક્રિયામાં શ્રીલંકાના વિદેશ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય અને શ્રીલંકા પોર્ટ ઓથોરિટી સામેલ હતી. આ મંજૂરી પ્રક્રિયાને શ્રીલંકા અને ચીન દ્વારા ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી હતી. જ્યારે ભારતે આ મામલે શ્રીલંકાની સરકાર પાસે સ્પષ્ટતા માંગી ત્યારે ચીનના ગુપ્તચર જહાજના હંબનટોટા આવવાની જાણકારી દુનિયા સમક્ષ આવી હતી.