Vadodara

ઉમરેઠમાં કોલેજના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અપાઇ

ઉમરેઠ તા.29
આણંદ જિલ્લાની ઓડ એજ્યુકેશન સોસાયટી, ઓડ સંચાલિત ડી.એમ.પટેલ આર્ટસ એન્ડ એસ.એસ.પટેલ કોમર્સ કોલેજ દ્વારા ઉમરેઠ તાલુકાના ખાનકૂવા ગામ ખાતે પ્રો. સંજયભાઈ પટેલ અને પ્રો. ભરતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ‘રાષ્ટ્રીય સેવા યોજના’ની વાર્ષિક શિબિર યોજાઇ હતી.
આ શિબિરમાં કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. એનએસએસ શિબિર અંતર્ગત ગામમાં સ્વચ્છતા અભિયાન, પશુ ચિકિત્સા કેમ્પ, નેત્ર ચિકિત્સા કેમ્પ, મેડિકલ કેમ્પ, અંધશ્રદ્ધા નિવારણ, બેટી બચાવો-બેટી પઢાવો અભિયાન, પ્રાકૃતિક ખેતી અભિયાન સહિત રાત્રિ સાંસ્કૃતિક-મનોરંજન કાર્યક્રમ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જે અન્વયે આરોગ્ય કેન્દ્ર, ભરોડાથી વિક્રમભાઈ અને ટીમ, મતદાતા જાગૃતિ કાર્યક્રમમાં ઈવીએમ નિદર્શન માટે ઉમરેઠના મામલતદાર અને તેમની ટીમ, પશુ ચિકિત્સા કેમ્પમાં ડૉ. એચ.એલ. કાચા અને તેઓની ટીમ, નેત્ર ચિકિત્સા કેમ્પમાં તમન્ના ટ્રસ્ટ-રાજકોટ દ્વારા ડૉ. હનીફ ભાઈ, વિવિધ સર્પ જાતિઓ વિશેની સાચી સમજ આપનાર નેચર હેલ્પ ફાઉન્ડેશનના રાહુલભાઈ અને ટીમ ઉપસ્થિત રહી હતી અને શિબિરમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓને ઉકત વિવિધ વિષયો અંગે ઉપયોગી જાણકારી આપવામાં આવી હતી.
આણંદ આત્મા પ્રોજેક્ટના સુરેશભાઈ મહેરિયા દ્વારા ખાનકુવા ગામ ખાતે યોજાયેલી આ શિબિરમાં દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી વિષય પર માર્ગદર્શક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. ગ્રામ સેવક કલ્પેશભાઇ તથા વિસ્તરણ અધિકારી સુભાષભાઈ વાઘેલાએ ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓની માહીતી આપી એનએસએસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સરકારી સેવામાં જોડાવા માટેની જરૂરી પરીક્ષાની તૈયારી કરવા અંગે મહિતી આપવામાં આવી હતી. પ્રો.સત્યમભાઈ જોશી દ્વારા અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક ઢબે વિસ્તૃત સમજણ પૂરી પાડવામાં આવી હતી.
આ શિબિરના આયોજનમાં સમયે ખાનકૂવા ગામના સરપંચ, દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી અને પ્રમુખ, કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વિવિધ સંસ્થાઓ સહિત ગામના આગેવાનો, ગ્રામજનો તેમજ ખેડુતોએ તરફથી સહકાર આપવામાં આવ્યો હતો.

Most Popular

To Top