નવી દિલ્હી: સુરતના (Surat) સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા (TakshshilaFire) એપાર્ટમેન્ટમાં લાગેલી આગ જેવી ઘટના આજે દિલ્હીમાં બની છે. અહીં એક બિલ્ડિંગમાં આગ લાગી છે, જ્યાં એકથી વધુ કોચિંગ સેન્ટર આવેલા હતા. કોચિંગ કલાસમાં ભણતા વિદ્યાર્થીઓ આગથી પોતાનો જીવ બચાવવા માટે સેન્ટરની બારીઓમાંથી નીચે કૂદી ગયા હતા.
દિલ્હીના મુખર્જી નગરમાં બત્રા સિનેમા પાસે જ્ઞાન બિલ્ડીંગમાં આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઘણા કોચિંગ સેન્ટર છે. બિલ્ડીંગમાં આગ લાગ્યા બાદ અફરાતફરી મચી ગઈ હતી. વિદ્યાર્થીઓએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ દરમિયાન 4 વિદ્યાર્થીઓ ઘાયલ થયાના સમાચાર પણ છે. આગ હવે કાબુમાં આવી ગઈ છે.
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે કોઈને ગંભીર ઈજા થઈ નથી. દિલ્હી યુનિવર્સિટી વિસ્તાર પાસે આવેલી આ ઈમારતમાં બપોરે 12 વાગે આગ લાગી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે બિલ્ડીંગમાં આગ લાગ્યા બાદ વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે કેવી રીતે બારી પર લટકી રહ્યા છે.
ત્રીજા માળે ઈલેક્ટ્રીક મીટરમાં આગ લાગી હતી
પોલીસના જણાવ્યા અનુસાર આગ ત્રીજા માળે ઇલેક્ટ્રિક મીટરમાં લાગી હતી. જો કે આગ મોટી ન હતી પરંતુ ધુમાડાના ગોટેગોટા ઉઠ્યા બાદ બાળકો ગભરાઈ ગયા હતા અને પાછળના રસ્તેથી ઈમારતમાંથી નીચે આવવા લાગ્યા હતા. વિદ્યાર્થીઓ દોરડાની મદદથી બિલ્ડિંગમાંથી નીચે ઉતર્યા હતા. આ દરમિયાન 4 વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા હતા.
આગથી ગભરાઈને સ્ટુડન્ટ્સ દોરડાની મદદથી નીચે ઉતર્યા
ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું કે, અમને મુખર્જી નગરમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. અમે આગ ઓલવવા માટે 11 ગાડીઓ મોકલી હતી. તમામ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે. કોઈ વિદ્યાર્થીને ગંભીર ઈજા થઈ નથી. સ્થિતિ નિયંત્રણમાં છે. આગ બહુ ગંભીર ન હતી. અમારા વાહનો પહોંચે તે પહેલા કેટલાક વિદ્યાર્થીઓએ દોરડાની મદદથી નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો, જેથી તેઓને ઈજા થઈ.
સુરતના કોચિંગમાં આગ લાગવાને કારણે 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા
અગાઉ મે 2019માં સુરતના સરથાણાના તક્ષશિલા કોમ્પ્લેક્સમાં આવેલા કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. આ ભયાનક આગમાં 22 વિદ્યાર્થીઓના જીવ ગયા હતા. જ્યારે એટલી જ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.