નવી દિલ્હીઃ મેલબોર્ન ટેસ્ટમાં હાર બાદ ભારતીય મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ખેલાડીઓ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. રિપોર્ટ અનુસાર મેલબોર્નમાં હાર બાદ ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યા બાદ ગંભીરે આખી ટીમને નારાજ થતાં કહ્યું કે હવે બહુ થયું.
ગંભીરે ખેલાડીઓના ખોટા શોટની પસંદગી પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. કોઈનું નામ લીધા વિના તેમણે નેચરલ રમતનું બહાનું કાઢતા સિનિયર ખેલાડીઓને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે તેમણે મેચમાં પરિસ્થિતિ અનુસાર રમવું પડશે.
રિપોર્ટ અનુસાર ગંભીરે ખેલાડીઓને કહ્યું કે, ખેલાડીઓને તેમની રીતે રમવા માટે 6 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ હવે તે સમય પુરો થયો છે. હવેથી જે પણ ખેલાડી ટીમ માટે મારી યોજના મુજબ નહીં રમે તેને થેન્ક્યુ કહી દેવામાં આવશે.
પંતનો બેજવાબદાર શોટ
મેલબોર્ન ટેસ્ટમાં રિષભ પંત અને વિરાટ કોહલી બેજવાબદાર શોટ રમી આઉટ થયા હતા. સુનીલ ગાવસ્કરે તેના શોટને મૂર્ખતા ગણાવ્યો હતો. આ અગાઉ રિષભ પંત પહેલી ઈનિંગમાં સ્કોટ બોલેન્ડના બોલ પર સ્કૂપ શોટ રમવાની કોશિશમાં પંત ડીપ-થર્ડમેન પર કેચ થયો હતો. કેપ્ટન રોહિત શર્માએ પણ પંતના શોટ સિલેક્શન પર ટિપ્પણી કરી હતી.
બીજી તરફ કોહલી પણ આખી શ્રેણીમાં ઘણી વખત ઓફની બહાર જતા બોલ પર આઉટ થયો છે. તે વારંવાર ઓફ સાઈડથી બહાર જતી બોલ રમીને આઉટ થઈ રહ્યો હોય હવે તેની ટીકા થવા લાગી છે. ક્રિકેટ એક્સપર્ટ હવે કોહલીની ટેકનિક પર પ્રશ્નો ઉઠાવવા લાગ્યા છે.
મેલબોર્નમાં છેલ્લા દિવસે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં 184 રનથી હારી ગઈ હતી. આ હાર બાદ ટીમ 5 મેચની શ્રેણીમાં 1-2થી પાછળ રહી ગઈ છે. છેલ્લી મેચ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.
ગંભીર પુજારાને ટીમમાં ઈચ્છતો હતો
ગંભીર ઇચ્છતો હતો કે ચેતેશ્વર પુજારા ટેસ્ટ ટીમમાં પરત ફરે પરંતુ પસંદગીકારોએ ના પાડી દીધી હતી. 36 વર્ષીય પૂજારાએ છેલ્લા બે ઓસ્ટ્રેલિયન પ્રવાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 2018ના પ્રવાસમાં 7 ઇનિંગ્સમાં સૌથી વધુ 521 રન બનાવ્યા હતા. તેણે 2021મી ટૂરમાં પણ 271 રન બનાવ્યા હતા. પૂજારાને ગાબા ટેસ્ટમાં તેની મહત્વની ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે, જ્યાં તેણે ભારતને વિજય તરફ દોરી જવા માટે 211 બોલ રમ્યા હતા.