Gujarat

CM ભૂપેન્દ્ર પટેલે કરી TWEET, ગુરુવારે બપોરે 1.30 કલાકે રાજભવનમાં શપથવિધિ કાર્યક્રમ યોજાશે

ગુજરાતના રાજકારણમાં એકાએક ગરમાટો આવી ગયો છે. અમદાવાદના ઘાટલોડિયાના પહેલી ટર્મના ધારાસભ્ય કડવા પટેલ સમાજનું પ્રતિનિધિત્વ કરતા ભૂપેન્દ્ર પટેલને રાજ્યના મુખ્યમંત્રી (GUJARAT CM) બનાવી ભાજપે આશ્ચર્ય સર્જયું છે. હવે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચનાને લઈ સતત થઈ રહેલાં ઉતાર-ચઢાવના પગલે ઉત્તેજના વધી રહી છે. આજે બુધવારે સાંજે 4.20 કલાકે રાજભવનમાં મંત્રીઓના શપથવિધિના કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી હતી ત્યારે એકાએક સમગ્ર કાર્યક્રમને મૌકૂફ કરી દેવામાં આવ્યો છે.

હવે આ કાર્યક્રમ આવતીકાલે ગુરૂવારે યોજાશે. CMO GUJRAT ના ટ્વીટર હેન્ડલ પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાતે જાહેરાત કર્યા મુજબ શપથવિધિના (OATH CEREMONY) કાર્યક્રમનું ગુરુવારે તા. 16 સપ્ટેમ્બર 2021ના રોજ બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે આયોજન કરવામાં આવશે. મંત્રીમંડળમાં સમાવિષ્ટ તમામ નામોની યાદી તૈયાર થઈ ચૂકી હોય છેલ્લી ઘડીએ શપથવિધિ કાર્યક્રમ મૌકૂફ કરી દેવાતા રાજ્યમાં રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે.

‘દાદા’ જૂના મંત્રીઓને રિપીટ નહીં કરવાની જીદે ચઢતા મામલો ગૂંચવાયો

વહીવટનો અનુભવ નહીં હોવા છતાં ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્યમંત્રીની ખુરશી પર બેસવા સાથે જ ચાબુક ઉગામી છે. તેમની ચાબુક સૌથી પહેલાં મંત્રીમંડળ પર પડી છે. ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળમાં નો રિપીટેશનની (NO REPETITION) થિયરી અમલમાં મુકવાનો નીડર નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘દાદા’ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયના 90 ટકા મંત્રીઓને બદલી દેવાની જીદે ચઢતા ભાજપમાં આંતરિક કોલાહલ મચી ગયો હોવાની વાત બહાર આવી છે.

ભૂપેન્દ્ર પટેલની ફોર્મ્યુલા અનુસાર હાલના પ્રવર્તમાન મંત્રીઓ પૈકી માત્ર 2 કે 3 મંત્રીઓ જ રિપીટ થાય તેવી સંભાવનાઓ પ્રબળ બની હતી. જો આમ બને તો નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને પ્રદીપસિંહ જાડેજા જેવા મોટા કદાવર નેતાઓનું પણ પત્તું કપાય જાય તેવી શક્યતાઓ ઉભી થઈ હતી, જેના પગલે કદાવર નેતાઓ નારાજ થયા છે. આંતરિક જૂથવાદ ચરમસીમા પર પહોંચતા સમગ્ર મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરબારમાં ગયો છે. હવે PM નિર્ણય લે તે રીતે ફેરફાર કર્યા બાદ આવતીકાલે ફાઈનલ લિસ્ટ જાહેર કરી તે પ્રમાણે મંત્રીઓ શપથ લે તેવી શક્યતા છે.

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

કદાવર નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવા પ્રયત્નો શરૂ
ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળની રચનામાં નો રિપીટેશન (NO REPETITION) ની ફોર્મ્યુલા અપનાવાનું લગભગ નક્કી જ બનતા રાજ્યના પ્રવર્તમાન કદાવર નેતાઓનું પણ પત્તું કપાય જાય તેવા સમીકરણો બન્યા હતા, જેના પગલે આ નેતાઓ નારાજ થયા હતા. ડેપ્યુટી સીએમ (DY. CM) નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા (EDUCATION MINISTER BHUPENDRASINH CHUDASAMA), મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, કૃષિમંત્રી આર.સી. ફળદૂ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને મંત્રીમંડળમાં સમાવી લેવાના પ્રયત્નો શરૂ થયા છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નિવાસસ્થાને મંત્રીઓ અને ધારાસભ્યોની અવરજવર વધી ગઈ છે. કેન્દ્રીય નિરીક્ષકો સમક્ષ પણ રજૂઆતોનો દોર તેજ બન્યો છે. ભૂપેન્દ્ર પટેલને વહીવટનો અનુભવ નથી અને જો તેમના નેજા હેઠળની ટીમ પણ સાવ બિનઅનુભવી હોય તો સમસ્યાઓ સર્જાય તે ભયસ્થાન પણ ભાજપનું મોવડીમંડળ ચકાસી રહ્યું છે. હાલ કદાવર નેતાઓને મંત્રીમંડળમાં સમાવી લેવા અંગેની હિલચાલ શરૂ થઈ હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top