National

CM યોગી આદિત્યનાથના OSDનું રોડ અકસ્માતમાં મોત, પત્ની ગંભીર રીતે ઘાયલ

યુપી: ઉત્તર પ્રદેશના (UP) મુખ્યમંત્રી (CM) યોગી આદિત્યનાથના (Yogi Adityanath) OSD (Officer on special Duty) મોતીલાલ સિંહનું (Motilal Sinh) માર્ગ અકસ્માતમાં (Accident) મૃત્યુ (Death) થયું છે. આ અકસ્માત બસ્તી જિલ્લાના મુંડરવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના NH-28 ખજૌલામાં થયો હતો. પુરપાટ ઝડપે આવતી સ્કોર્પિયો કાર કાબુ બહાર જઈ ઝાડ સાથે અથડાઈ હતી. આ સ્કોર્પિયો વાહનમાં મોતીલાલ સિંહ તેમની પત્ની સાથે સવાર હતા અને ડ્રાઈવર વાહન ચલાવી રહ્યો હતો.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના OSD મોતીલાલ સિંહનું રોડ અકસ્માતમાં મોત નીપજ્યું છે, જ્યારે પત્ની અને ડ્રાઈવર ખરાબ રીતે ઘાયલ છે, જેમને ગોરખપુર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા છે. મોતીલાલ સિંહની પત્નીની હાલત નાજુક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રોડ એક્સિડન્ટ એક પ્રાણીને બચાવવાના ચક્કરમાં થયો હતો. તાજેતરમાં, ગોરખપુરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કેમ્પ ઓફિસમાં પોસ્ટ કરાયેલ પબ્લિક જનરલ રિડ્રેસલ ઓફિસર / OSD મોતીલાલ સિંહનો કાર્યકાળ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો હતો. ગોરખપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ મ્યુનિસિપલ કમિશનરના પદ પરથી નિવૃત્ત થયા બાદ મોતીલાલ સિંહ ગોરખનાથ મંદિરમાં જોડાયા હતા અને લોકોની સમસ્યાઓ સાંભળતા હતા.

OSD બનતા પહેલા મોતીલાલ સિંહ ગોરખનાથ મંદિરના હિન્દુ સેવાશ્રમમાં કાર્યરત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જનસુનાવણી કેન્દ્રમાં લોકોની જનસમસ્યાઓ સાંભળતા હતા. આ પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમને ગોરખપુર કેમ્પ ઓફિસમાં OSD બનાવ્યા. તેમનું કામ ગોરખનાથ મંદિરમાં લોકોની ફરિયાદો સાંભળવાનું હતું.

OSD મોતીલાલ સિંહ કોઈ કામ માટે લખનઉ આવી રહ્યા હતા. તે ગોરખપુરથી બસ્તી જિલ્લાના મુંડરવા સ્થિત NH પર પહોંચ્યો હતો, જ્યારે એક પ્રાણી રસ્તા પર આવી ગયું, તેને બચાવવા જતાં તેમની કાર ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે સ્કોર્પિયો ફંગોળાઈ ગઈ હતી અને મોતીલાલ સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પત્ની અને ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે જ ગોરખપુર મેડિકલ કોલેજના ડોક્ટરો સાથે વાત કર્યા બાદ OSD મોતીલાલ સિંહની પત્નીને વધુ સારી સારવાર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ યોગી આજે ગમે ત્યારે ગોરખપુર જઈ શકે છે અને મોતીલાલ સિંહના અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શકે છે.

Most Popular

To Top