ગુજરાતમાં રાજકીય તોફાન હજુ શાંત પડ્યું નથી ત્યાં પંજાબમાં મોટી ઉથલપાથલ થઈ છે. પક્ષના 40 ધારાસભ્યોએ બળવો કરતાં કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી છે. આ સાથે જ હવે પંજાબમાં કોણ મુખ્યમંત્રી બનશે તેની ચર્ચા તેજ થઈ છે. આ પદ માટે એકથી વધુ દાવેદાર હોય પક્ષમાં આંતરિક ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. સુનિલ જાખર, નવજોતસિંહ સિદ્ધુ, સુખજિંદર રંધાવા મુખ્યમંત્રીની રેસમાં છે. આ સિવાય મુખ્યમંત્રી તરીકે પ્રતાપ સિંહ બાજવા અને રાજિન્દર કૌર ભટ્ટલના નામ પણ ચર્ચામાં છે.
કેપ્ટન અમરિંદર સિંહ સાથે તેમની ટીમે પણ રાજીનામા આપી દીધા છે. મંત્રીમંડળના તમામ મંત્રીઓએ રાજીનામા ધરી દીધા છે. કેપ્ટન 20 ધારાસભ્યો તથા પંજાબના સાંસદો સાથે રાજભવન ગયા છે. રાજભવનની બહારથી મીડિયાને સંબોધતા કેપ્ટને કહ્યું કે છેલ્લાં કેટલાંક દિવસોમાં આ ત્રીજીવાર બન્યું છે. હું અપમાનિત થયો હોવાની લાગણી અનુભવી રહ્યો છું. મેં સવારથી જ રાજીનામું આપી દેવાનો નિર્ણય કરી લીધો હતો. તે અંગે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને જાણકારી પણ આપી દીધી હતી.
ગયા શનિવારે વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. બરોબર તેના એક અઠવાડિયા બાદ આજે શનિવારે પંજાબની કોંગ્રેસ (PUNJAB CONGRESS) સરકારમાં ધમાસાણ મચી ગયું છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (CM CAPTAIN AMRINDAR SINH) વિરુદ્ધ 40 ધારાસભ્યોએ મોરચો ખોલી નાંખતા કોંગ્રેસે ધારાસભ્યોની બેઠક બોલાવવાની ફરજ પડી છે.
સૌથી મોટો સવાલ એ છે કે કેપ્ટન પછી પંજાબમાં સરતાજ કોણ હશે? જો કોંગ્રેસના સૂત્રોની વાત માનીએ તો સુનીલ જાખર પંજાબમાં સૌથી મજબૂત દાવેદાર છે. જો કે નવા મુખ્યમંત્રી તરીકે કેટલાક અન્ય નામો પણ સત્તાના કોરિડોરમાં ચાલી રહ્યા છે, પરંતુ જાખરને મજબૂત દાવેદાર માનવામાં આવે છે. સુખજિંદર રંધાવા પણ મુખ્યમંત્રીની રેસમાં છે. આ સિવાય મુખ્યમંત્રી તરીકે પ્રતાપ સિંહ બાજવા અને રાજિન્દર કૌર ભટ્ટલના નામ પણ ચર્ચામાં છે.
સૂત્રોની વાત માનીએ તો કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને (SONIA GANDHI) ફોન કરી વિશ્વાસમાં લીધા વિના કોંગ્રેસી ધારાસભ્યોની બેઠક બોલાવવા સામે નારાજગી વ્યક્ત કરી છે અને પક્ષમાં તેઓની અવગણના થતી રહેશે તો તેઓ મુખ્યમંત્રી પદ પર રહેવા ઈચ્છુક નથી. બીજી તરફ નવજોત સિંઘ સિદ્ધુના સમર્થક ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રી અમરિંદર સિંહ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની પૂરજોશમાં તૈયારી કરી લેવાઈ હોવાની ચર્ચા છે. સૂત્રો અનુસાર નારાજ ધારાસભ્યો નવજોતસિંહ સિદ્ધુ (NAVJOT SINH SIDHDHU) અથવા સુનિલ જાખડને વિધાયક દળના નેતા તરીકે જોઈ રહ્યાં છે.
આ તરફ પંજાબ કોંગ્રેસના મહાસચિવ પરગટ સિંહે કહ્યું કે ધારાસભ્યોએ હાઈકમાન્ડને ચિઠ્ઠી લખી તેથી ગુરુવારે સીએલપીની બેઠક બોલાવાઈ હતી. તેઓએ કહ્યું કે ધારાસભ્યો લાંબા સમયથી બેઠક માટે માંગ કરી રહ્યાં હતાં, પરંતુ તેઓની વાત સાંભળવામાં આવતી નહોતી. તેઓએ કહ્યું કે કોંગ્રેસમાં કોઈ આંતરિક જૂથબંધી નથી.
સિદ્ધુના સલાહકાર મોહમ્મદ મુસ્તુફાએ ટ્વીટ કરી કહ્યું કે 2017માં પંજાબે કોંગ્રેસને 80 ધારાસભ્યો આપ્યા. પરંતુ દુ:ખની વાત છે કે કોંગ્રેસ પક્ષ એક સારો મુખ્યમંત્રી પંજાબને આપી શકી નહીં. પંજાબના દુ:ખને સમજવાનો હવે સમય આવી ગયો છે. મુખ્યમંત્રીનો ચહેરો બદલાવો જોઈએ.
ધારાસભ્યોની બેઠકમાં આ લોકો સામેલ થશે
કોંગ્રેસ દ્વારા સાંજે આયોજિત ધારાસભ્યોની બેઠકમાં પંજાબ કોંગ્રેસ પ્રભારી હરીશ રાવત હાજરી આપશે. કેન્દ્ર તરફથી અજય માકન અને હરીશ ચૌધરી પણ ઉપસ્થિત રહેશે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ ટ્વીટ કર્યું છે કે કોંગ્રેસ પાર્ટીના નિર્દેશ પર 18 સપ્ટેમ્બરે વિધાયક દળની બેઠકનું આયોજન કરાયું છે.