Gujarat

સુરતના આ ધારાસભ્યોનો સમાવેશ મંત્રીમંડળમાં થાય તેવી અટકળો, જાણો કોના-કોના નામ છે ચર્ચામાં

રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચનાનો મુદ્દો હાલ રાજ્યભરમાં ચર્ચાનો હોટ ટોપિક બન્યો છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીની ગાદી પર બેસ્યા બાદ પહેલાં અઠવાડિયે જ રાજકારણની ગાડીને પાંચમા ગિયરમાં દોડાવવાનું શરૂ કરી દીધું છે. નો રિપીટેશનની ફોર્મ્યુલા અમલમાં મુકવાના ઈરાદા સાથે ભૂપેન્દ્ર પટેલે મોટા માથાંઓના પત્તા સાફ કરવાની અને નવા યુવાન ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવવાની હિંમત દાખવી છે. કડવા પાટીદાર સમાજના ભૂપેન્દ્ર પટેલનું વલણ અનેક મોટા કદાવર નેતાઓને કડવું લાગી રહ્યું છે, ત્યારે ધારાસભ્ય તરીકે જાત ઘસી નાંખનારાઓને મંત્રીપદું મળવાનું હોય ભૂપેન્દ્ર પટેલ મીઠાં લાગી રહ્યાં છે.


CM ના મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાઓનો સમાવેશ થાય તેવી ચાલતી અટકળો વચ્ચે કેટલાંક નામો ચર્ચામાં છે, જેમાં સુરતના ચાર નામ જોરશોરથી ચર્ચાઈ રહ્યાં છે. કોરોનામાં દર્દીઓની સારવાર માટે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19નો આખોય નવો વોર્ડ ઉભો કરાવી દેનાર સુરત મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીનું નામ ખૂબ જ ચર્ચામાં છે. હર્ષ સંઘવીને મંત્રીમંડળમાં સમાવી લેવાય તેવા દાવાઓ થઈ રહ્યાં છે. હર્ષ સંઘવી (HARSH SANGHVI) ઉપરાંત સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી (PURNESH MODI), લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ (SANGITA PATIL) અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ (MUKESH PATEL) નું નામ પણ ચર્ચામાં છે. આ સિવાય જૂનાગઢ કેશોદના કોળી પટેલ દેવાભાઈ માલમનું નામ પણ ચર્ચામાં છે.

મંત્રીમંડળમાં આ નામોના સમાવેશની ચાલતી ચર્ચા
ગુજરાતના મુખ્યમંત્રીનું 27 મંત્રીઓનું પૂરું કેબિનેટ રચવામાં આવે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે. સુરતના હર્ષ સંઘવી, સંગીતા પાટીલ, મુકેશ પટેલ અને પૂર્ણેશ મોદી ઉપરાંત દક્ષિણ ગુજરાતમાંથી ગણદેવીના નરેશ પટેલ અને પારડીના કનુ દેસાઈનું નામ ચર્ચામાં છે. તે ઉપરાંત રાજકોટના ગોવિંદ પટેલ, ભાવનગરના જીતુ વાઘાણી, વડોદરાના મનીષા વકીલ, ભૂજના નીમા આચાર્ય, અમરાઈવાડીના જગદીશ પટેલ, વિસનગરના રૂષિકેશ પટેલ, પ્રાંતિજના ગજેન્દ્રસિંહ પરમાર, મહુવાના મોહન ઢોડીયા અને આર.સી. મકવાણા, ડીસાના શશીકાંત પંડ્યા, સંતરામપુરના કુબેર ડિંડોર, સાવલીના કેતન ઈનામદાર અને ઊંઝાના ડો. આશા પટેલનું નામ પણ ચાલી રહ્યાં છે.

કેન્દ્રીય નિરીક્ષકો અને પ્રદેશ પ્રમુખ સમક્ષ રજૂઆતોનો મારો
ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં 24થી 25 મંત્રીઓનો સમાવેશ થાય તેવી શક્યતા છે. જૂના મંત્રીઓને હટાવી નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે, ત્યારે મંત્રીપદ મેળવવા માટે ધારાસભ્યોમાં હોડ જામી છે. મંગળવારે રાત્રિથી જ રાજ્યભરના ધારાસભ્યો તથા પ્રવર્તમાન મંત્રીઓએ કેન્દ્રીય નિરીક્ષકો સમક્ષ રજૂઆતોનો મારો ચલાવવા માંડ્યો છે. ભાજપ રાષ્ટ્રીય સંઘના મહામંત્રી પી.એલ. સંતોષ (PL SANTOSH) અને ભૂપેન્દ્ર યાદવ સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (CR PATIL)ના નિવાસસ્થાને પણ સતત ધારાસભ્યોની અવરજવર ચાલુ છે. મોટા ભાગે નવા ચહેરાઓને જ સ્થાન મળે તે નક્કી છે. આવતીકાલે બપોરે 1.30 કલાકે ગુજરાતના નવા મંત્રીમંડળની જાહેરાત થાય ત્યારે સ્પષ્ટ થશે કે કોનું મંત્રીપદું ગયું અને કોનું નસીબ ઉઘડ્યું!

Most Popular

To Top