Madhya Gujarat

વડોદરામાં ૫૦ મો બાળ મેળાને CM ભૂપેન્દ્ર પટેલે ખુલ્લો મૂક્યો

વડોદરા: મુખ્યમંત્રીએ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત ૫૦મા બાળમેળાને ખુલ્લો મૂક્યો હતો.તેમજ ડિજિટલ બાલવાડીનું લોન્ચિંગ પણ કર્યું હતું.તા.૨૭ જાન્યુઆરીથી તા.૨૯ જાન્યુઆરી સુધી ચાલનારા આ આકર્ષક ત્રિદિવસીય બાળમેળામાં આનંદ બજાર, એડવેન્ચર ઝોન, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિસરાતી રમતો,શૈક્ષણિક પ્રોજેક્ટ સહિત અન્ય પ્રવૃત્તિઓઓનું આયોજન કરવામાં આવ્યું છે.

સયાજી કાર્નિવલના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ જી-૨૦ની થીમ ‘વસુધૈવ કુટુંબકમ્’ના મંત્રને કેન્દ્રમાં રાખીને બાળમેળાના આયોજન બદલ શિક્ષણ સમિતિને ગૌરવસહ અભિનંદન પાઠવ્યા હતા.તેમણે જણાવ્યું કે, જેમ વિવિધતામાં એકતાવાળો આપણો આ દેશ છે, તેમ સયાજી કાર્નિવલ આવી જ વિવિધતાઓ, સંસ્કૃતિઓ, કળાઓ અને વિચારોને પ્રદર્શિત કરતું મંચ છે.મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે આ બાળમેળામાં જી-૨૦ની થીમને કેન્દ્રમાં રાખી હોવાથી બાળકોને જી-૨૦ સમિટ વિશે માહિતી અને જાણકારી મળશે.

જી-૨૦ સમિટ અંતર્ગત સમગ્ર દેશમાં ૨૦૦થી વધારે કાર્યક્રમો થવાના છે, જેમાંથી ૧૫ જેટલા કાર્યક્રમો ગુજરાતમાં યોજાવાના છે. આ યજમાનીનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં જે રીતે આપણો દેશ તમામ ક્ષેત્રે વિકાસમાં હરણફાળ ભરી રહ્યો છે તેનાથી બીજા દેશો અને તેના પ્રતિનિધિઓ રૂબરૂ થાય,તેવું મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.બાળહોદ્દેદારોના વાક્ કૌશલથી અભિભૂત થયેલા મુખ્યમંત્રીએ કોર્પોરેશનની શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી. તેમણે પોતે ધો.૧ થી ધો. ૪ સુધીનું પ્રાથમિક શિક્ષણ કોર્પોરેશનની શાળામાં લીધું હોવાનું જણાવી, શાળામાં શિક્ષકો પૂરતું ધ્યાન આપતા હોવાનું અને શિક્ષકો વિદ્યાર્થીઓની દરકાર રાખીને કામ કરી રહ્યા હોવાનું ભાવપૂર્વક જણાવ્યું હતું.

મૃદુ અને મિતભાષી મુખ્યમંત્રીએ નગરજનોને બાળકોનો ઉત્સાહ વધે અને વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય તે માટે અચૂક બાળમેળાની મુલાકાત લેવા અનુરોધ કરતા જણાવ્યું કે, જે પણ મુલાકાતીઓ આવે છે તેના પ્રતિભાવો વીડિયો રેકોર્ડિંગ કરીને વિદ્યાર્થીઓને બતાવવા જોઈએ.વડોદરાના ૧૦ થી ૧૨ લાખ લોકો આ બાળમેળાને જોવા આવશે, ત્યારે મુખ્યમંત્રીશ્રીએ અદ્ભૂત આયોજન બદલ શિક્ષણ સમિતિને અભિનંદન પાઠવ્યા હતા.

Most Popular

To Top