Columns

ક્લિનિકલ ટ્રાયલ માટેની રસી ખાનગી હોસ્પિટલોમાં કેવી રીતે વેચી શકાય?

ભારતની વસતિ લગભગ ૧૩૦ કરોડની છે. જો કોરોનાથી ભારતને મુક્ત કરવું હોય તો નિષ્ણાતોના કહેવા મુજબ આશરે ૭૫ ટકા લોકોને રસી મૂકાવવી જોઈએ. ૧૩૦ કરોડના ૭૫ ટકા લગભગ ૧૦૦ કરોડ થાય. ભારત સરકાર છેલ્લા દોઢ મહિનામાં માત્ર ૧.૦૫ કરોડ હેલ્થ વર્કરોને અને ફ્રન્ટલાઇન વર્કરોને કોરોનાની રસી આપી શકી છે. 

જો સરકાર રસી આપવાની ઝડપ વધારે અને મહિને એક કરોડ લોકોને પણ રસી આપી શકાય તો ૧૦૦ કરોડ લોકોને રસી આપવામાં લગભગ આઠ વર્ષ જેટલો સમય લાગી જાય તેમ છે. જો કે વર્તમાનમાં જે રસી મૂકવામાં આવી રહી છે તે કોરોના વાયરસ સામે કેટલો સમય સંરક્ષણ આપશે તે કોઈ કહી શકે તેમ નથી.

જો ભારત સરકાર રસી મૂકવા બાબતમાં પોતાની પ્રતિબદ્ધતા જાળવી રાખે અને આઠ વર્ષમાં ૧૦૦ કરોડ લોકો રસી મૂકાવી લે તો પણ ત્યાં સુધીમાં કોઈ નવો કોરોના વાયરસ આવી ગયો હશે, જેની સામે વર્તમાન રસી કામ નહીં કરે.

તો તમામ ૧૦૦ કરોડ લોકોને ફરીથી રસી મૂકવી પડશે. બીજા શબ્દોમાં દુનિયાનાં તમામ નાગરિકોએ તેઓ જ્યાં સુધી જીવે ત્યાં સુધી કોરોનાની રસી લીધા કરવી પડશે.

જાન્યુઆરી મહિનાના મધ્યમાં ભારત સરકારે ફ્રન્ટલાઇન વર્કરોને અને હેલ્થ વર્કરોને રસી મૂકવાનો પ્રારંભ કર્યો ત્યારે તેની ધારણા હતી કે રોજના દસ લાખ લેખે ૩૦ દિવસમાં આશરે ત્રણ કરોડ લોકોને રસી મૂકી શકાશે.

હકીકતમાં તેના ૩૩ ટકા લોકો જ રસી લેવા આગળ આવ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે હેલ્થ વર્કરોને જ કોરોના રસીની સલામતી અને અસરકારકતા બાબતમાં વિશ્વાસ નથી. ભારત સરકાર દ્વારા સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને કટોકટીમાં મર્યાદિત ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવી છે.

તેમાં પણ ભારત બાયોટેકની ત્રીજા તબક્કાની ટ્રાયલ હજુ ચાલી રહી છે, જેને કારણે લોકોને તેના પર વિશ્વાસ બેસતો નથી. આ કારણે વેક્સિન લેનારા પૈકી માત્ર ૧૧ ટકા લોકો જ કોવેક્સિન લેવા તૈયાર થયા છે.

પહેલા તબક્કામાં કોરોના વેક્સિન મૂકાવવાની ઝડપ ધાર્યા કરતાં ઓછી રહેવાને કારણે સરકાર મુસીબતમાં મૂકાઈ ગઈ છે. સરકારને ખ્યાલ આવ્યો છે કે આ ઝડપે ૧૦૦ કરોડ નાગરિકોને રસી આપવાનું શક્ય જ નથી. જ્યાં સુધી દેશના ૧૦૦ કરોડ નાગરિકોને રસી આપવામાં ન આવે ત્યાં સુધી હર્ડ ઇમ્યુનિટી આવે નહીં અને રસીકરણની ઝુંબેશ સફળ થઈ શકે નહીં.

જો સરકારને બરાબર ખબર છે કે તે ૧૦૦ કરોડના ટાર્ગેટ સુધી ક્યારેય પહોંચી શકે તેમ નથી; તો પછી રસી આપવા પાછળ સરકારી તિજોરીના અબજો રૂપિયા શા માટે બરબાદ કરવામાં આવી રહ્યા છે? કેન્દ્ર સરકારના વર્તમાન બજેટમાં ૫૦ કરોડ લોકોને રસી આપવા માટે ૩૫,૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે? શું આ રૂપિયા પ્રજાકલ્યાણના કોઈ કાર્યમાં ન વાપરવા જોઈએ?

રસીકરણના પહેલા તબક્કામાં માત્ર સરકારી હોસ્પિટલોને અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને કોરોનાની રસી આપવાની મંજૂરી આપવામાં આવી હતી તેનું કારણ એ હતું કે આપણા દેશમાં જે બે રસીનો ઉપયોગ થઈ રહ્યો છે તેને ક્લિનિકલ ટ્રાયલના રૂપમાં જ મંજૂરી આપવામાં આવી છે.

જે દર્દી પર રસીની ટ્રાયલ કરવામાં આવે તેનો તમામ ડેટા રાખવો જરૂરી હોય છે અને ત્રણ મહિના સુધી તેને નિરીક્ષણ હેઠળ રાખવો પણ જરૂરી હોય છે. વર્તમાનમાં સરકારી તંત્ર દ્વારા રસી આપવામાં આવી રહી છે ત્યારે પણ ફરિયાદ ઊઠી છે કે રસી લેનારાં લોકોનો યોગ્ય રેકોર્ડ રાખવામાં આવતો નથી.

જો કોઈ દર્દીને રસી લીધા પછી તબિયત લથડે તો તેને સારવાર પણ આપવામાં આવતી નથી. રસી લીધા પછી કોઈ દર્દીનું મરણ થાય તો તેને ઉચિત વળતર પણ આપવામાં આવતું નથી.

સરકારી તંત્ર પહેલા તબક્કામાં પૂરતા લોકોને રસી આપવામાં નિષ્ફળ ગયું હોવાથી હવે બીજા તબક્કામાં ખાનગી હોસ્પિટલોને અને ક્લિનિકોને પણ રસી મૂકવાની છૂટ આપવામાં આવી છે તેને કારણે અનેક નૈતિક અને કાનૂની સમસ્યાઓ પેદા થશે. પહેલી વાત એ કે કોરોનાની રસીને કટોકટીની પરિસ્થિતિમાં મર્યાદિત ઉપયોગ માટે જ મંજૂરી આપવામાં આવી છે. બીજી વાત એ કે આ મંજૂરી ક્લિનિકલ ટ્રાયલના રૂપમાં જ આપવામાં આવી છે.

કોઈ પણ હોસ્પિટલને સરકાર દ્વારા ક્લિનિકલ ટ્રાયલનું લાઇસન્સ આપવામાં આવ્યું હોય તો જ તે આવી ટ્રાયલ કરી શકે છે. વળી કોવેક્સિન બાબતમાં તો ત્રીજા તબક્કાની ટ્રાયલનો કોઈ ડેટા પણ બહાર પાડવામાં આવ્યો નથી. આ સંયોગોમાં જો કોઈ ખાનગી હોસ્પિટલ કોરોનાની રસી આપે તો તે દેશના કાયદાનો ભંગ ગણાશે. સરકાર આ ભંગને કેવી રીતે પ્રોત્સાહન આપી રહી છે? તે પાછળ સરકારનો શો ઇરાદો છે?

બ્લૂમબર્ગ નામની સમાચાર સંસ્થા દ્વારા દુનિયાભરમાં કેટલા લોકોને કોરોનાની રસી આપવામાં આવી? દુનિયાની ૭૫ ટકા વસતિને રસી આપવામાં કેટલો સમય લાગશે? વગેરે બાબતમાં આધારભૂત માહિતી બહાર પાડવામાં આવી રહી છે.

તેના આંકડાઓ પ્રમાણે અત્યાર સુધીમાં જગતની ૭૦૦ કરોડની વસતિ પૈકી માત્ર ૧૨ કરોડ લોકોને જ કોરોનાની રસી આપવામાં આવી છે. તેના અંદાજ પ્રમાણે જો જગતની ૭૫ ટકા વસતિને રસી આપવી હોય તો તેમાં સાત વર્ષ જેટલો સમય લાગી જશે. વર્તમાનમાં જે રસી અપાઈ રહી છે તેની અસર કેટલા સમય સુધી રહેશે? તેની કોઈને ખબર નથી. આ સંયોગોમાં સાત વર્ષ પછી ફરીથી બધાને રસી આપવી પડશે.

બ્લૂમબર્ગના આંકડાઓ મુજબ ઇઝરાયલમાં સૌથી ઝડપથી રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ઇઝરાયલનાં આશરે ૭૫ ટકા નાગરિકો બે મહિનામાં કોરોનાની રસી લઈ ચૂક્યાં હશે. ઇઝરાયલના વડા પ્રધાને તો જાહેર કર્યું છે કે હવે ઇઝરાયલમાં કોઈ પણ સરકારી સેવાનો લાભ લેવા માટે અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવા માટે પણ વેક્સિન પાસપોર્ટની જરૂર પડશે.

ઇઝરાયલ પછી રસીકરણ બાબતમાં અમેરિકાનો નંબર આવે છે. અમેરિકામાં વર્તમાનમાં જે ઝડપે રસી અપાઈ રહી છે તે જોતાં ૨૦૨૨ ના પ્રારંભ સુધીમાં તેના ૭૫ ટકા નાગરિકોને રસી અપાઈ ગઈ હશે. અમેરિકાનો પડોશી દેશ કેનેડા રસીકરણમાં બહુ પાછળ છે.

વર્તમાન ઝડપ મુજબ કેનેડાના ૭૫ ટકા નાગરિકોને કોરોનાની રસી આપવામાં દસ વર્ષ જેટલો સમય લાગશે. જો કે જે દેશમાં ૭૫ ટકા લોકોને રસી અપાઈ જાય ત્યાં પણ માસ્ક પહેરવો કે સોશિયલ ડિસ્ટન્સ જરૂરી જ રહેશે. તેનું કારણ છે કે રસી લેવાથી ૧૦૦ ટકા સંરક્ષણ મળશે તેની કોઈ ગેરન્ટી નથી.

વળી જેમણે રસી લીધી હશે તેમના થકી કોરોના વાયરસનું સંક્રમણ નહીં થાય તેની કોઈ ગેરન્ટી રસી બનાવતી કંપની આપતી નથી. ભારતમાં સરકારનું ટાર્ગેટ ઓગસ્ટ મહિના સુધીમાં ૫૦ વર્ષથી ઉપરનાં તમામ ૨૭ કરોડ નાગરિકો ઉપરાંત ત્રણ કરોડ ફ્રન્ટલાઇન વર્કરો મળીને ૩૦ કરોડ લોકોને રસી આપવાનું હતું.

હવે સરકારને ખ્યાલ આવ્યો છે કે ઘણાં લોકો મફતમાં પણ રસી લેવા તૈયાર નથી. આ કારણે સરકારે ૫૦ વર્ષને બદલે ૬૦ વર્ષની સીમા નક્કી કરી છે, જેને કારણે ૩૦ કરોડનું ટાર્ગેટ ઘટીને ૧૦ કરોડ પર આવી ગયું છે.

આ ટાર્ગેટ પ્રાપ્ત કરવા માટે પણ ખાનગી હોસ્પિટલોની સહાય લેવામાં આવશે. ખાનગી હોસ્પિટલો લગભગ ૪૦૦ રૂપિયા લઈને રસી મૂકી આપશે. આ રીતે રસીકરણની ઝુંબેશને વેગ આપવા ઉપરાંત ખાનગી ક્ષેત્રને કમાણી કરવાનો રસ્તો પણ ખોલી કાઢવામાં આવ્યો છે.

આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top