Vadodara

વર્ગખંડોની વિગતો ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવી પડશે

વડોદરા: શિક્ષણ વિભાગ દ્વારા મહામારીને પગલે ધોરણ 1 થી 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હોઈ હવે 7મી જૂનથી નવું સત્ર શરૂ થશે ત્યારે ધોરણ 9 થી 12 સુધીના વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વર્ગખંડોમાં વધારો કે ઘટાડો કરવા માટે રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તેમના જિલ્લાની ગ્રાંન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વર્ગખંડોની વિગતો ઓનલાઈન પોર્ટલમાં તાત્કાલિક ધોરણે અપલોડ કરવા જણાવાયું છે. રાજયના શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાંથી ધોરણ 9 થી 12 નાવર્ગખંડોની સંખ્યાની વધ ઘટની વિગતો મંગાવવામાં આવી છે.

માસ પ્રમોશન આપ્યા બાદ શાળાઓમાં ધોરણ 9 થી 12 ના વર્ગખંડોમાં વધારો કરવાની જરૂર જણાતા શિક્ષણ વિભાગ દ્વારા તમામ ગ્રાન્ટેડ શાળાઓના વર્ગખંડોની વિગતો મંગાવવામાં આવી છે. વડોદરા શહેર િજલ્લાની 500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓએ તાત્કાલિક ધોરણે તેમના માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વર્ગખંડોની િવગતો ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવી પડશે.

જેમાં ધોરણ 9 થી 12 આ વર્ગની ધોરણ દીઠ જરૂરીયાત જણાવવી જરૂરી છે. ધોરણ 9 ના વર્ગોની કાયમી જરૂરીયાત માસ પ્રમોશન બાદ જરૂરી હંગામી વર્ગોની જરૂરીયાત અને કુલ વર્ગોની સંખ્યા જણાવવાનું જણાવ્યું હતું. આ રીતે ધોરણ નવથી બાર સુધીના તમામ ધોરણો માટેની સુચી ઓનલાઈન પોર્ટલ પર તાત્કાલિક ભરવા માટેનો પત્ર જિલ્લા શિક્ષણાઅધિકારી દ્વારા શહેર જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને મોકલવામાં આવ્યો હતો. આ વિશે જયઅંબે શાળાના આચાર્ય પરેશ શાહે જણાવ્યું હતું કે,  શાળા સંચાલકોએ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓની સંખ્યા વર્ગ મુજબ ફાળવીને જરૂરીયાતના વધારાના કે ઘટના વર્ગ વિશેની તમામ માહિતી અપલોડ કરવાની તાત્કાલિક કાર્યવાહીમાં જોડાયા હતા.

Most Popular

To Top