વડોદરા: શહેરના સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સીટી બસનો ડ્રાઈવર વિદ્યાર્થી પાસેથી ટીકીટ આપ્યા વગર જ પૈસા પડાવી રહ્યો છે. ટિકિટ આપ્યા વિના જ પૈસા પડાવી રહેલા સીટી બસ ડ્રાઈવરનો વીડિયો હાલ વાયરલ થતાં અનેક સાવલો ઉભા થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વાયરલ વીડિયો વાઘોડિયાથી વડોદરા આવી રહેલી બસનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં બસ ડ્રાઈવર વિદ્યાર્થીઓ પાસેથી 10-20 રૂપિયા લઈને પોતાની પાસે પૈસા રાખી લે છે. બસ ચાલક વિદ્યાર્થીઓને ટિકિટ આપ્યા વિના જ પૈસા પડાવીને રોકડીયો પાક લણી રહ્યો છે. આજ રીતે દિવસ દરમિયાન ટિકિટ વિના મુસાફરો પાસેથી પૈસા પડાવીને બસ ચાલકો મોટી રકમની સીધી કમાણી કરી રહ્યા છે.
જેના કારણે સીટી બસ તંત્રને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે કોરોનાકાળમાં એસટી, રેલવે સહિત સ્થાનિક પરિવહન ક્ષેત્રે ભારે ફટકો પડ્યો હતો. હવે જ્યારે માંડ સીટી બસ તંત્રની ગાડી પાટા પર આવી છે ત્યારે આ પ્રકારની બે નંબરી પૈસા પડાવીને બસ ડ્રાઈવરો મુસાફરી કરાવે છે. જેને કારણે એસટી તંત્રને અત્યાર સુધીમાં મોટો આર્થિક ફટકો પડ્યો હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. તો બીજી તરફ સરકારી તંત્ર દ્વારા પારદર્શિતા લાવવા માટે ડિજીટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. પરંતુ ડ્રાઈવરની રોકડી કરી લેવાની વૃતિના કારણે તંત્રના પ્રયાસો આજે હાંસીને પાત્ર બન્યા હોય તેવું લાગી રહ્યું છે.