સુરત: શહેરમાં ટ્રાફિકની સમસ્યાને નાથવા માટે મનપા દ્વારા સિટી બસ અને બીઆરટીએસ શરૂ કરવામાં આવી છે. શહેરીજનો મોટા પ્રમાણમાં આ બસ સેવાનો લાભ લઈ રહ્યા છે. તેમજ વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લે એ માટે મનપા દ્વારા સુમન ટિકિટ પણ શરૂ કરાઈ છે. 25 રૂ.ની ટિકિટમાં સમગ્ર દિવસ બસમાં મુસાફરી કરી શકાય છે.
મુસાફરોની સંખ્યા વધતાં મનપા દ્વારા સિટી બસ અને બીઆરટીએસને વધુમાં વધુ અપગ્રેડ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હવે સુરત મહાનગરપાલિકા દ્વારા પાલનપુર અને અલથાણ ખાતે બનાવવામાં આવેલા ટર્મિનલને વિવિધ સિટી બસ અને બી.આર.ટી.એસ. રૂટ સાથે કનેક્ટિવિટ કરાશે.
કયા કયા રૂટને કનેક્ટ કરાશે?
- બી.આર.ટી.એસ. રૂટ નં.16 કોસાડ ડેપોથી ડિંડોલી વારિગૃહને સચિન જી.આઈ.ડી.સી જંક્શન સુધી લંબાવાશે. આ રૂટ લંબાવવાથી નોર્થ ઝોન અને સાઉથ ઝોનને સીધી કનેક્ટિવિટી પ્રાપ્ત થશે.
- બી.આર.ટી.એસ. રૂટ નં.21 જહાંગીરપુરાથી વી.ટી.પોદાર કોલેજ પાંડેસરા રૂટને અલથાણા ટર્મિનલ સુધી લંબાવાશે.
- બી.આર.ટી.એસ. રૂટ નં.15 સોમેશ્વર જંક્શનથી એમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્કને વાયા અલથાણા ટર્મિનલ થઈને ચલાવાશે.
- સિટી બસ રૂટ નં.217 મક્કાઈ પુલથી ભેંસાણ ગામને વાયા પાલનપુર બસ ટર્મિનલ થઈ લઈ જવાશે.
- સિટી બસ રૂટ નં.153 કાપોદ્રાથી ઉમરાગામને પાલનપુર બસ ટર્મિનલ સુધી વાયા પાલ–ઉમરા બ્રિજ થઈને લંબાવાશે.
- રૂટ નં.117 રેલવે સ્ટેશનથી પાલનપુર ગામને પાલનપુર ટર્મિનલ સુધી લંબાવાશે.
- આ ઉપરાંત હયાત રૂટનાં બીજા ભાગ તરીકે પ્રાયોગિક ધોરણે એલ.પી.સવાણી બસ ડેપો–પાલનપુર ફાયર સ્ટેશન–સુમન જ્યોત EWSથી પાલનપુર બસ ટર્મિનલ સુધી રૂટ નં.117ના પેટા રૂટ તરીકે શરૂ કરાશે.
- રૂટ નં.205 મક્કાઈ પુલથી લાજપોર જેલ રૂટને વાયા સચિન રેલવે સ્ટેશન થઈ ચલાવાશે.
- સરથાણા નેચર પાર્કથી લિંબાયત ઝોન વોર્ડ ઓફિસ વાયા સણિયા હેમાદ–કુંભારિયા ગામ–સુડા આવાસ-આસપાસ દાદા મંદિર થઈ નવો રૂટ પ્રાયોગિક ધોરણે શરૂ કરાશે.
- આ તમામ રૂટમાં ફેરફાર કરવાથી ટર્મિનલ સાથ કનેક્ટિવિટી આપવાથી સુરત શહેરની જનતાને બસ સેવા વધુ સારી રીતે આપી શકાશે. આ ઉપરાંત ટર્મિનલ સાથે કનેક્ટિવિટી મળવાથી ઈલેક્ટ્રિક બસોનાં ચાર્જિંગની કામગીરીમાં સરળતા મળી રહેશે.