વડોદરા: પાવાગઢની તળેટીમાંથી વિશ્વામિત્રી નદી નીકળે છે. અને તે વડોદરા થઇ દરિયામાં મળે છે. પાવાગઢ ખાતે જે વિશ્વામિત્રી નદી નીકળે છે તે શુદ્ધ અને પવિત્ર છે અને ખળખળ ધોધ સ્વરૂપે વહે છે જયારે તે વડોદરા શહેર માં આવે છે ત્યારે તે દુષિત બની જાય છે. જો કે આ તમામ વચ્ચે શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહની એક તસ્વીરે ભારે વ્યંગ કરાવ્યા છે. શહેર પ્રમુખ પાવાગઢની તળેટીમાં ખળખળ વહેતા ઝરણા પાસે કુદરતને માણવા પહોંચ્યા હતા. અને પાછળથી વહી રહેલ ધોધ સાથે તસવીરો સોશ્યલ મીડિયામાં શેર કરી હતી. વરસાદી માહોલમાં આ જ ઝરણાઓ વિશ્વામિત્રી નદીમાં ભળી વડોદરા આવે છે. અને વડોદરા આવતાની સાથે જ તે દુષિત બની જાય છે.
શહેરના પ્રમુખ પણ તે માની રહ્યા છે કે કુદરતના ખોળે આવા વાતાવરણમાં જવાથી મન પ્રફુલ્લિત થઇ જાય છે. તેઓએ સોશ્યલ મીડિયામાં લખ્યું છે કે “કામમાંથી વિરામ લઈને અદ્ભુત પાવાગઢ ટેકરીઓનું અન્વેષણ કર્યું. દૃશ્યો આકર્ષક છે અને વાતાવરણ ખૂબ જ શાંત અને ખુશખુશાલ છે જે આરામદાયક છે. હવે સમય કુદરતના ખોળે જવાનો છે. “ શહેર પ્રમુખને શહેરના લોકો પણ એક સવાલ અચૂક પૂછી રહ્યા હશે કે સાહેબ વિશ્વામિત્રી નદી જો શહેરમાં પણ આવી જ રીતે વહે તો કુદરત અહીં પણ એટલી જ મનોહર બની શકે અને લોકોએ પ્રકૃતિને માણવા બીજે ક્યાંય ન જવું પડે. લોકો એમ પણ ટ્રોલ કરી રહ્યા છે કે સાહેબ કદાચ વિશ્વામિત્રી શુદ્ધ થાય તે માટે ઉદગમ સ્થાનેથી તે શુદ્ધ નીકળે છે કે કેમ તેની ચકાસણી માટે ગયા હશે.