દેશ અને સમાજહિતનાં નોંધપાત્ર ઉપકારક કાર્યો એક નાગરિક દ્વારા લેવાતાં હોય છે, જેમાં નીચેનાં ઉદાહરણો અભિનંદનને પાત્ર ગણી શકાય. આવાં નોંધપાત્ર ઉદાહરણો દેશનાં અન્ય નાગરિકો માટે અનુકરણીય પણ બની શકે છે. (1) કર્ણાટકના શ્રી ગિરીશ ભારદ્વાજે દેશના અંતરિયાળ વિસ્તારોમાં વિક્રમ સંખ્યાના 147 લો કોસ્ટ બ્રીજ બાંધેલ છે. સામાન્ય બ્રિજની સરખામણીમાં 90 ટકા જેટલો વિક્રમ ખર્ચ ઓછો થાય તેવી બ્રિજની ડીઝાઈન કરેલ છે. માત્ર એક કે બે લાખ રૂપિયાના ખર્ચમાં જ બની જાય તેવી બ્રિજની ડીઝાઈન કરીને દેશનાં ગ્રામ્યજનોની જરૂરિયાત સંતોષેલ છે. વિક્રમ સંખ્યાના આવા બ્રિજ બનાવવાના કારણે તેઓશ્રી દેશના બ્રીજમેન તરીકે ઓળખાય છે.
(2) પંજાબના અમૃતસરમાં પર્યારણપ્રેમી શ્રી રોહિત મહેરાએ વિશ્વની પ્રથમ ટ્રી એન્ડ પ્લાન્ટ હોસ્પિટલ શરૂ કરેલ છે. શ્રી રોહિત મહેરાએ જાપાનની મિયાવાકી ટેક્નીકથી કુલ 80 જંગલ ઉભા કરેલ છે. પ્લાસ્ટિકની બોટલથી ડ્રીપ તૈયાર કરી 93 ટકા જેટલું પાણી બચાવે છે. ઓફિસમાં વર્ટીકલ ગાર્ડન ઊભા કરીને AQI (Air ક્વોલીટી ઈન્ડેક્સ) 274 થી ઘટાડીને 78 પર લાવેલ છે. (3) ડાંગ જિલ્લાના શ્રી ગંગાભાઈ પવાર નામના (ગામ-વસુર્ણા) એક ખેડૂતે ખેતી માટે સતત 20 વર્ષ સુધી સરપંચ પાસે કૂવાની જરૂરિયાતની માંગ કરેલ હતી પરંતુ તે ન સંતોષાતાં એકલવીર બનીને 32 ફૂટનો પાંચમો કૂવો ખોદીને પાણી કાઢેલ હતું.
પહેલો કૂવો 10 ફૂટ ખોદ્યા પછી ખડક નીકળતા બીજો કૂવો ખોદ્યો તે પણ 8 ફૂટે ખોદતા ખડક લાગતાં ત્રીજો કૂવો ખોદ્યો જેમાં પાણી નીકળતાં તે સિંચાઈ યોજનામાં અન્ય ખેડૂતોને કેળવી દેતા શ્રી ગંગાભાઈએ હતાશ ન થતાં ચોથા કૂવાનું ખોદકામ શરૂ કર્યુ અને ખડક નીકળતા પાંચમા કૂવાનું ખોદકામ શરૂ કર્યું. એકલા હાથે સતત 14 મહિનાની મહેનત બાદ પાચમા કૂવે 32 ફૂટે પાણી આવેલ જે તેની મહેનતનું પરિણામ જ ગણી શકાય. (4) નડિયાદની માત્ર 20 વર્ષની યુવતી વિધિ જાદવે દેશના 153 થી વધુ લશ્કરના શહીદ પરિવારોની મુલાકાત લઈને પોતાના પોકેટમનીથી યથાશક્તિ મદદ કરીને દેશભક્તિનું ઉમદા ઉદાહરણ પૂરું પાડેલ છે. વિધિ જાદવ વેકેશનમાં હીલ સ્ટેશન કે પ્રવાસધામ પર ન જતાં દેશ માટે શહીદ થયેલા જવાનોના કુટુંબ વચ્ચે જઈને પોતાપણુ બતાવીને તેમની સંવેદનાના દુ:ખને હળવું બનાવે છે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.