પટાવાળાથી માંડીને પ્રાઇમ મિનિસ્ટર સુધી અને બારણે બે પવાલા લોટ માગનાર બાવાથી શરૂ કરી મોટા મહામંડલેશ્વર સુધી કોઇ પ્રશંસાથી મુકત નથી.કલાકારો,વકતાઓ અને નેતાઓ માટે તો પ્રશંસા એ આ ક્ષેત્રમાં આગળ વધવા માટેની સોનેરી સીડી છે.એમાંય જો હાસ્ય વ્યંગના કુંડાળામાં કામ કરવું હોય તો શ્રોતાઓની પ્રશંસા એ પ્રાણવાયુની ગરજ સારે છે. એટલે જો કોઇ એમ કહે કે મને કોઈ મારી પ્રશંસા કરે એ નથી ગમતું તો એ એક દંભ સિવાય બીજું કશું નથી. પણ પ્રશંસાનું સૌથી મોટું ભયસ્થાન હોય તો તે ખુશામત છે. ફિલ્મોમાં હિંસા અને શીખંડમાં ખાંડનું પ્રમાણ કયાં સુધી હોઇ શકે એવો આ પેચીદો પ્રશ્ન છે.
ખાસ કરીને રાજનેતાઓનો ભૂતકાળ તપાસીશું તો જણાશે કે બાહોશ વહીવટકર્તા કે રાજનીતિજ્ઞોની નિષ્ફળતાનું કારણ તેમના ટીકાકારો કે વિરોધીઓ નહિ, પણ આસપાસના પરિઘમાં રહેલા ખુશામતખોરો હોઇ શકે છે. અલબત્ત આ નિષ્ફળતામાં સમય ખંડ, પરિસ્થિતિ અને સંજોગો પણ કામ કરી જાય છે. આમ છતાં ટૂંકા ગાળાના સ્વાર્થને ખાતર પરિસ્થિતિનું વાસ્તવિક ચિત્ર નેતાગીરી સુધી નહિ પહોંચાડનારા લોકોથી એમણે બચીને ચાલવું જોઈએ. કારણકે કાર્યશીલ રહેવા માટે પાનો ચડાવતી પ્રશંસાનો રસ્તો કયારે ખુશામતની ખીણ તરફ ફંટાઈ જાય એ કહેવાય નહીં.
સુરત – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.