ઘેજ: (Dhej) ચીખલી નજીકના સમરોલીમાં સ્ટેટ મોનિટરીંગ સેલના (State Monitoring Cell) સ્ટાફે હોમ રેઇડ કરી ૮.૩૨ લાખ રૂપિયાનો વિદેશી દારૂનો (Alcohol) જથ્થો ઝડપી પાડી માતા-પુત્રની ધરપકડ કરી ચારને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી. સ્ટેટ મોનિટરીંગ સેલે ચીખલી પોલીસ મથકેથી (Police Station) માંડ ૨ કિ.મી.ના અંતરમાં હોમ રેઇડમાં વિશાળ માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસની પોલ ખુલી જવા પામી હતી. ઊંઘતી ઝડપાયેલી સ્થાનિક પોલીસ પર પગલાની તલવાર લટકતા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
- ચીખલી પોલીસ મથકથી ૨ કિ.મી.ના અંતરે સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
- ચીખલીમાં એક પીઆઇ અને ચાર પીએસઆઇ સહિતના અધિકારીઓ છતાં દારૂના ગુનામાં ચીખલી પોલીસ ઊંઘતી ઝડપાઇ
- ઊંઘતી ઝડપાયેલી ચીખલી પોલીસ પર પગલાની તલવાર લટકતા ફફડાટ ફેલાયો
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ સ્ટેટ મોનિટરીંગ સેલને મળેલી બાતમીના આધારે સ્ટાફના નિખિલેશ શ્રીમાળી, ગણેશ દીનુ ચૌધરી, મહેન્દ્ર સંગાડા સહિતના સ્ટાફે એસઆરપીના જવાનોની સાથે શનિવારના રોજ બપોરના સમયે સમરોલીના કાળાપુલ ફળિયામાં છાપો મારી આરોપી બાવીબેન ઠાકોરભાઇ પટેલના રહેણાંકના મકાનમાં તથા મકાનની પાછળના ભાગે ખુલ્લા ખેતરમાં અને મરઘા ફાર્મમાં સંતાડી રાખેલી વિદેશી દારૂની બોટલ અને બીયરના ટીન મળી કુલ ૫૯૫૬ નંગ બોટલનો ૮,૩૨,૮૦૫ રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
સાથે બે મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા મળી કુલ ૮,૪૧,૫૦૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી દારૂનું વેચાણ કરનાર બાવીબેન ઠાકોરભાઇ પટેલ તથા ધર્મેશ ઠાકોરભાઇ પટેલ (બન્ને રહે. સમરોલી કાળાપુલ) માતા-પુત્રની ધરપકડ કરી દારૂનો જથ્થો મંગાવનાર, મોકલનાર, આપી જનાર અજય ઉર્ફે અજય બાલુભાઇ પટેલ (રહે. મોગરાવાડી – રૂમલા) જલુ નામનો વ્યક્તિ, અજય ઉર્ફે એલેક્ષ હળપતિ (રહે. ગણદેવી – કસ્બા ફળિયા) તથા સુરજ ઉર્ફે બાબુ દિપક પટેલ (રહે. સમરોલી કુંભારવાડ)ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પીઆઇ જે.એન. ગઢવીએ હાથ ધરી હતી.
થર્ટી ફસ્ટ પૂર્વે સ્ટેટ મોનિટરીંગ સેલે ચીખલી પોલીસ મથકેથી માંડ બે કિ.મી.ના અંતરે ૮.૩૨ લાખ રૂપિયાનો વિશાળ માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડતા પ્રોહીબીશનની બદી નેસ્તનાબૂદ કરવાની કામગીરીની ચીખલી પોલીસની પોલી ખુલી છે. હાલે ચીખલીમાં એક પીઆઇ અને ચાર પીએસઆઇ સહિતના અધિકારીઓ હોવા છતાં ઉપરોક્ત ગુનામાં ચીખલી પોલીસ ઊંઘતી ઝડપાઇ છે. ચીખલીમાં આટલા અધિકારીઓ છતાં ચોરી-લૂંટના ગુનાઓ વણઉકેલ્યા છે ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવામાં તો પોલીસને રસ દેખાતો નહીં હોય તેમ લાગતું નથી.