Dakshin Gujarat

ચીખલીમાં વરસાદ સાથે બરફના કરા પડ્યા, બીલીમોરામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો

ઘેજ, બીલીમોરા : ચીખલી (Chikhli) તાલુકામાં કમોસમી વરસાદ (Rain) સાથે કેટલાક ગામોમાં બરફના કરા (Snow) પણ પડ્યા હતા. તાલુકાના બલવાડા, નોગામા, ટાંકલ સહીતના કેટલાય ગામોમાં બરફ કરા પડતાં નળીયા પતરાની છત રણકી ઊઠી હતી. કરા સાથેના વરસાદને પગલે ખેતી પાકોને પણ નુકશાન થયું હતું. જ્યારે બીલીમોરામાં મંગળવાર બપોરે વાદળછાયા વાતાવરણ સાથે વાદળોની ગર્જના વચ્ચે કમોસમી વરસાદ વરસતા લોકો રઘવાયા બન્યા હતા.

  • તાલુકામાં ઠેર – ઠેર બરફ કરા પડતાં નળીયા પતરાની છત રણકી ઊઠી, ખેતી પાકોને નુકશાન
  • ચીખલી તાલુકામાં સતત અડધા કલાકના વરસાદતાં માર્ગો પરથી પાણી વહેતું થઈ ગયું

ચીખલી પંથકમાં અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થતાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદથી કેરી, ચીકુ સહિતના પાકોને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હવામાન વિભાગની આગાહી વચ્ચે ચીખલી પંથકમાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ અને ઉકળાટ ભર્યા માહોલ વચ્ચે મંગળવારે બપોરના સમયે કાળા વાદળો છવાઈ જવા સાથે પવનના સુસવાટા સાથે વરસાદનું ધીમીધારે આગમન થયું હતું.

જોકે, ચીખલી તાલુકામાં અડધો કલાક સતત વરસાદ વરસતાં માર્ગો પરથી પાણી વહેતું થઈ ગયું હતું અને ભર ઉનાળે રીતસરનો ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. બીજી બાજુ કમોસમી વરસાદથી કેરી, ચીકુ જેવા બાગાયતી પાકોમાં ફૂગ જન્ય રોગોનું પ્રમાણ વધવાની સાથે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત, કમોસમી વરસાદથી અન્ય વ્યવસાયોને પણ અસર થવા પામી હતી.

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગણદેવી તાલુકામાં વાતાવરણમાં મંગળવારે પલટો આવ્યો હતો. દિવસભર વાદળછાયા વાતાવરણમાં વ્યાપક ઠંડક વર્તાઈ હતી. મકાન નિર્માણ માંડીને બેઠેલા પરીવારો માટે વણ નોતર્યા વરસાદે વિઘ્નો ઉભા કર્યા હતા. આંબા-ચીકુ કલમો અને શાકભાજીમાં ખરણ સાથે જીવાતનો ઉપદ્રવ વધવાની સંભાવના વર્તાઈ રહી છે. જેને કારણે આ વર્ષે કેરીના પાક માટે જગતનો તાત ચિંતાતુર બન્યો હતો.

ખેતરોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય વ્યાપતા શેરડી કટિંગના કામો ખોરંભે ચઢે એવી સંભાવના જોવાઇ રહી છે. બપોરે અચાનક પોણા બે વાગ્યે ગાજવીજ સાથે વરસાદ પડવાનું શરૂ થયું હતું. પંદર મિનિટ સારો એવો વરસાદ પડ્યો હતો. જેને ગરમીથી લોકોને રાહત મળી હતી.

Most Popular

To Top