ઘેજ, વાંસદા: (Chikhli) ચીખલી પોલીસ મથકમાં વઘઇના બે આદિવાસી યુવકોની હત્યાના ગુનાના બે માસ વીતવા છતાં એક પણ આરોપીની ધરપકડ નહીં કરી સકેલી પોલીસે (Police) આંદોલન ચલાવી રહેલા ધારાસભ્ય (MLA) અનંત પટેલ સહિતનાઓને ધરપકડની (Arrest) ખાતરી આપવાના સ્થાને માત્ર 24મીએ રેંજ આઇજી સાથે વાતચીતની જ ખાતરી આપી હતી. આરોપીઓની ધરપકડની માંગ સાથે ચીખલી પોલીસ સ્ટેશન નજીક ત્રણ દિવસના ધરણા કરવા પૂર્વે જ ચીખલી રાનકૂવામાં મોટો પોલીસ કાફલો ખડકી દઇ ધારાસભ્ય અનંત પટેલ સહિતનાને ડીટેઇન કરી લીધા હતા.
હત્યાના આરોપીઓની ધરપકડ કરવાના સ્થાને ધરપકડની માંગ કરનારા નેતાઓને જ પોલીસે અટકાયતમાં લઇ લીધા હતા. 21 જુલાઇએ ચીખલી પોલીસ મથકના કોમ્પ્યુટર રૂમમાં વઘઇના 19 વર્ષીય યુવાનો સુનિલ પવાર અને રવિ જાદવ ફાંસો ખાધેલઈ સ્થિતિમાં મળી આવ્યા હતા. જેમાં પોલીસ ઉપર ગેરકાયદેસર રીતે ગોંધી રાખી મારમારીને મારી નાંખી પંખા નીચે લટકાવી દીધાના આક્ષેપ સાથે લોક રોષ ભભૂકી ઉઠતા એક સપ્તાહ બાદ 28 જુલાઇએ તત્કાલિન પીઆઇ અજીતસિંહ વાળા, કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા, રવિન્દ્ર રાઠોડ સહિતના છ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
આજે બે માસ વીતવા છતાં એક પણ આરોપીની ધરપકડ કરાઇ નથી ત્યારે ચીખલી પોલીસ મથક નજીક ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આરોપીઓની ધરપકડની માંગ સાથે ત્રણ દિવસના ધરણા યોજવાની જાહેરાત કરાઇ હતી. પરંતુ આજે ધરણા પર બેસે તે પૂર્વે જ કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઇ, ગણદેવી સુગરના ડીરેક્ટર મેહુલ પટેલ, તાપી જિલ્લાના અમરસિંહ ઝેડ. ચૌધરી સહિતનાને પોલીસે ડીટેઇન કરી લીધા હતા. સાથે બંદોબસ્ત ગોઠવી ધરણા માટે તૈયાર કરાયેલો મંડપ પણ છોડી નંખાવવામાં આવ્યો હતો. બીજી તરફ ખાંભડાના અગ્રણી રમેશભાઇએ ડીટેઇનનો વિરોધ કરતા પોલીસને વીલા મોઢે પરત ફરવાની નોબત આવી હતી. રમેશભાઇ મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે તેમના ઘરે જ ધરણા પર બેસી ગયા હતા. ઉનાઈમાં પણ પોલીસે પહોંચી ધારાસભ્ય અનંત પટેલને ધરણા કાર્યક્રમમાં જતા અટકાવતા ધારાસભ્ય અનંત પટેલ સહિત આગેવાનો ઉનાઈમાં રસ્તાની બાજુમાં ચાલુ વરસાદમાં બેસી વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધો હતો.
‘દેખો દેખો કોન આયા, આદીવાસી કા શેર આયા’
ધારાસભ્ય અનંત પટેલની કાર પોલીસે જાતે ચલાવીને તેમને ડીટેઇન કરી નવસારી લઇ જવાતા તેનો ઉગ્ર વિરોધ થયો હતો અને જોત જોતામાં અનંત પટેલને છોડવાની માંગ સાથે રાનકૂવા પોલીસ ચોકીએ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ જતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. સંખ્યાબંધ ગાડીઓ સાથેનો જિલ્લા ભરની પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો અને જ્યાં સુધી અનંત પટેલ છોડવામાં નહીં આવે ત્યાં સુધી અન્ન, જળનો ત્યાગ કરવાની ખાંભડાના રમેશભાઇએ જાહેરાત કરતા આખરે પોલીસે અનંત પટેલને રાનકૂવા મુકવા આવતા દેખો દેખો કોન આયા આદીવાસી કા શેર આયાના નાદ અને ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરાયું હતું.
સરકાર સરમુખત્યારશાહી ચલાવી રહી છે : ધારાસભ્ય
ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે સરકાર સરમુખત્યારશાહી ચલાવી રહી છે. આજની લડત બાદ રેંજ આઇજી દ્વારા 24મીએ વાતચીત માટે બોલાવ્યા છે અને અત્યાર સુધીમાં શું તપાસ કરી તેની માહિતિ આપવાની હૈયાધરપત આપી છે. મરનાર સુનિલ પવારનો પરિવાર મારા ઘરે આવ્યો હતો અને અમારે પૈસા નથી જોઇતા ન્યાય જોઇએ છે અને અમે તમારી સાથે જ છે. તેમ જણાવ્યું હતું અને આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે તેમ ઉમેર્યું હતું.
પોલીસે ભોગ બનનાર પરિવારનો વિડીયો બનાવી દીધો
ભોગ બનનાર પરિવારોને સરકાર દ્વારા અપાયેલા માત્ર ત્રણ લાખ રૂપિયાની સહાયમાં પોલીસે આ પરિવારોને જાણે ખરીદી લીધા હોય તેમ બે પૈકી એક પરિવારના સભ્યનો વિડીયો અને પ્રેસનોટ ધરણાના આગલા દિવસે જ જાહેર કર્યો હતો. જેમાં તપાસથી અમારા પરિવારને સંપૂર્ણ સંતોષ છે. રાજકીય પક્ષો અને આદિવાસી સંગઠનો દ્વારા રેલી-ધરણા યોજવામાં આવી રહ્યા છે. તેની સાથે અમારા પરિવારને કંઇ લેવાદેવા નથી. કેટલાક સ્થાનિક નેતાઓ સાથે મળી પોલીસે આ પરાક્રમ કર્યો હોય તેમ લાગે છે.