ઘેજ: ચીખલી (Chikhli) તાલુકામાં અકસ્માતના (Accident) બે અલગ અલગ બનાવમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. કલિયારીમાં ઇકો કારના ચાલકે અડફટે લેતા બામણવાડાના મોટર સાયકલ (Motorcycle) સવારનું અને આલીપોરમાં કારની અડફટે રાહદારીનું મોત નીપજ્યું હતું. બંને ઘટના મામલે પોલીસે કારના ચાલક (Car Driver) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
- ચીખલી તાલુકામાં અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિના મોત
- કલિયારીમાં ઇકો કારના ચાલકે અડફટે લેતા બામણવાડાના મોટર સાયકલ સવારનું મોટ
- આલીપોરમાં કારની અડફટે રાહદારીનું મોત
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ આલીપોરમાં જીઆરબી ક્વોરીમાં મજૂરી કામ કરતા મોહનભાઈ ડોલધા (ઉ.વ.48 રહે. વહેવલ, તા. મહુવા) ઘરવખરીનો સામાન અઢારપીરથી ખરીદી પરત આવી રહ્યા હતા તે દરમ્યાન આલીપોર ગામની સીમમાં જીઆરબી ક્વોરી પાસે ચીખલી-વાંસદા રાજ્યધોરી માર્ગ ઓળંગતી વખતે આઈ ટ્વેન્ટી કાર નંબર જીજે-21-એએ-8233ના ચાલકે ટક્કર મારતા ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે વલસાડ સિવિલમાં ખસેડાતા ફરજ પરના તબીબીએ મૃત જાહેર કરતા ફરિયાદ મરનારના પુત્ર લાજરસભાઈ કોલધા (રહે. વહેવલ) એ આપતા પોલીસે કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પી.એસઆઈ સમીર કડીવાલાએ તપાસ હાથ ધરી હતી.
બીજા બનાવમાં દિનેશભાઈ હળપતિ (રહે. બામણવાડા દેસાઈ ફળિયા) પત્ની ગીતાબેન સાથે મોટરસાયકલ જીજે-21-ઇ-3538 પર ખુડવેલ ચાર રસ્તા પાસે શાકભાજી ખરીદી પરત ફરતી વેળા કલિયારી ચાર રસ્તા પાસે ઇકો કાર જીજે-21-સીસી-5272ના ચાલકે ગફલતભરી રીતે હંકારી ટક્કર મારતા દિનેશભાઈને આલીપોર હોસ્પટિલમાં સારવાર અર્થે ખસેડતા તબીબે તેમને મૃત જાહેર કરતા આ અંગેની ફરિયાદ બામણવાડાના જીતુભાઈ હળપતિએ કરતા પોલીસે ઇકો કારના ચાલક કિરણ પટેલ (રહે. પણેજ, ખેરગામ) સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ગણદેવીમાં બે આખલાએ શીંગડા ભેરવતા બાઈકનો ખુરદો
સુરત : ગણદેવી પટવા શેરીમાં બુધવારે બે યુવા આખલાઓએ સામસામે શીંગડા ભેરાવતા રહીશો અને રાહદારીઓમાં ગભરાટ વ્યાપી ગયો હતો. લાંબા સમય સુધી જોર અજમાઇશ બાદ હાર સ્વીકારી ભાગી રહેલા આખલા પાછળ જીતેલા આખલાએ દોટ મુકતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. શેરીમાં પાર્ક બાઈકનો ખુરદો બોલી ગયો હતો. ગણદેવી શહેર અને તાલુકામાં રખડતા ઢોરોની જટીલ સમસ્યા જેમની તેમ જોવા મળે છે. ગણદેવી શહેરમાં ઠેક ઠેકાણે કેટલ ગાર્ડ બાદ પણ રખડતા ઢોરની સમસ્યા જોવાઈ રહી છે.