પલસાણા: (Palsana) પલસાણાના મલેકપોર ગામે (Malekpor Village) રહેતા એક પશુપાલકે ગત સોમવારે રાત્રિના સુમારે તેનાં મરઘાં અને બકરાંને (Poultry And Goats) રસોડામાં (Kitchen) મૂકી સૂઇ ગયો હતો. ત્યારે અચાનક ચૂલાની આગ (Fire) રસોડામાં ફેલાઇ જતાં 6 બકરાં અને બે મરઘાંનાં મોત નીપજ્યાં હતાં.
- મલેકપોરમાં આગ લાગતાં રસોડામાં પૂરેલાં 6 બકરાં અને બે મરઘાંના દાઝી જવાથી મોત
- રસોડાનો ચૂલો સળગતો હોવાથી આગ રસોડામાં ફેલાઈ, જાનહાનિ ટળી
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના મલેકપોર ગામે આવેલા કોળી ફળિયું હળપતિવાસમાં રહેતા દીનશા સોમા રાઠોડનો અગાઉ અકસ્માતમાં એક હાથ ગુમાવ્યા બાદ તેઓ પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એ દરમિયાન ગત સોમવારે રાત્રિના સુમારે દીનશાભાઇ રાબેતા મુજબ તેમનાં 6 બકરાં અને ૨ મરઘાંને તેમના રસોડામાં મૂકી રાત્રે સૂઇ ગયા હતા. દરમિયાન રસોડાનો ચૂલો સળગતો હોવાથી આગ સમગ્ર રસોડામાં ફેલાઇ ગઇ હતી. રાતના સમયે ઘરમાં આગનો ધુમાડો દેખાતાં દીનસાભાઇએ ઊઠીને રસોડાનો દરવાજો ખોલતાં ચૂલાના લીધે લાગેલી આગને કારણે ઘરવખરી નાશ પામી હતી અને રસોડામાં પૂરેલાં મરઘાં અને બકરાંને બહાર કાઢવાની કોશિશ કરતાં તેઓ દાઝી ગયા હતા. પરંતુ આગની ચપેટમાં આવેલાં 6 બકરાં તેમજ બે મરઘાંનાં મોત નીપજ્યાં હતાં. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
વેરાકુઈ ગામના બાંડીબેડી ફળિયામાં દીપડાએ બકરીનો શિકાર કર્યો
વાંકલ: માંગરોળના વેરાકુઈ ગામના બાંડીબેડી ફળિયામાં દીપડાએ બકરીનો શિકાર કરતાં પશુપાલકોમાં ગભરાટ ફેલાયો હતો. છેલ્લા એક મહિનાથી દીપડો રહેણાક વિસ્તારમાં આંટાફેરા રહ્યો હતો. ત્યારે ગતરોજ સાંજે ચાર કલાકે શાંતુભાઇ સામાભાઈ ગામીત બકરી ચરાવવા માટે ગયા હતા, એ દરમિયાન ફળિયામાં એક મકાનની બાજુમાં આવેલા શેરડીના ખેતરમાંથી અચાનક દીપડો ધસી આવ્યો હતો અને બકરી ઉપર હુમલો કરી બકરીનો શિકાર કર્યો હતો. પરંતુ પશુપાલક અને લોકોએ બૂમાબૂમ કરતાં દીપડો મૃત બકરીને છોડી ભાગી ગયો હતો. એક દિવસ પહેલાં રાત્રે એક કૂતરાનો શિકાર દીપડાએ કર્યો હતો. વેરાકુઈ ગામના બાંડીબેડી ફળિયામાં આ અગાઉ પણ રાત્રિ દરમિયાન દીપડાએ ત્રણથી ચાર કૂતરાંનો શિકાર કર્યો હતો. ધોળા દિવસે દીપડાએ બકરી ઉપર હુમલો કરતાં લોકોમાં પણ ડરનો માહોલ સર્જાયો છે. દીપડાએ બકરીનું મારણ કરવાની ઘટના સંદર્ભમાં સ્થાનિક રહીશ ગણપત ગામીતે વાંકલ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ.બી. પટેલને જાણ કરી પાંજરું મૂકવા માટે માંગ કરી છે. વધુમાં આ બાબતે રતિલાલ ગામીતે વન વિભાગને લેખિતમાં ફરિયાદ કરી હતી.