છત્તીસગઢ : છત્તીસગઢમાં (Chhattisgarh) આવેલા પખંજૂરમાં એક ફૂડ ઈન્સ્પેક્ટરનો (Food Inspector) દોઢ લાખ રૂપીયાનો ફોન પાર્ટી કરતા સમયે પાણીમાં પડી ગયો હતો. મોબાઈલ પડી જતા અધિકારીએ પહેલા ગામના તરવૈયાઓ બોલાવ્યા હતા. પરંતુ મોબાઈલ મળ્યો ન હતો. મોબાઈલ ન મળતા અધિકારીએ બીજા દિવસે ડેમમાં ભરેલું લાખો લીટર પાણી પંપ ની મદદથી બહાર કાઢી વેડફી નાખ્યું હતું.
પખંજૂરમાં ફૂડ ઈન્સ્પેક્ટરની ફરજ બજાવી રહેલા રાજેશ વિશ્વાસે પોતાનો iphone મોબઈલ શોધવા માટે પરલકોટ ડેમમાં 15 ફૂટ સુધી ભરાયેલા પાણીનો બગાડ કર્યો હતો. રાજેશને પોતાનો મોબાઈલ તો મળી ગયો હતો. પરંતુ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવાના કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
રાજેશ વિશ્વાસે ફોન શોધતા પહેલા સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. પછી તેણે 30 એચ.પીનો પંપ લગાવી ડેમમાંથી પાણી કાઢી નાખ્યું હતું. પાણી કાઢવા માટે સતત ચાર દિવસ સુધી પંપ ચાલુ રાખ્યા હતા. દોઢ હજાર એકર ખેતરોની સિંચાઈ કરી શકાય એટલા પાણીનો અધિકારીએ પોતાના ફોન શોધવા માટે વેડફી નખ્યું હતું.
રાજેશ વિશ્વાસને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી
કાંકરેના કલેક્ટર પ્રિયંકા શુક્લાએ રાજેશ વિશ્વાસને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો હતો. આદેશમાં લખ્યુ હતું કે પખંજૂરમાં ફૂડ ઈન્સ્પેક્ટરની ફરજ બજાવી રહેલા રાજેશ વિશ્વાસે પોતાનો iphone મોબાઈલ શોધવા માટે સતત ચાર દિવસ સુધી પરલકોટ જળાશયના વેસ્ટ વેર અને સ્કેલ વે વચ્ચેનું લગભગ 21 લાખ લીટર જેટલું પાણી ડીઝલ પંપ વડે પમ્પ કર્યું હતું. આ અંગેની એસડીએમ પખંજુર પાસે તપાસ હાથ ધરવામાં આવી હતી. જે તપાસ મુજબ રાજેશ વિશ્વાસે જળાશયનું 41104 ઘનમીટર ગંદુ પાણી ખાલી કર્યું છે. આદેશમાં વધારે લખ્યુ હતું કે રાજેશ વિશ્વાસે પરવાનગી લીધા વગર અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને લાખો લીટર પાણીનો બગાડ કર્યો હતો. આ તેમનું અભદ્ર વર્તન છે જે સ્વીકારી શકાય તેમ નથી. જે કારણોસર તેમને સસ્પેંડ કરવામાં આવે છે.