Sports

ચેતેશ્વર પુજારાની તોફાની સદી, એક જ ઓવરમાં 22 રન ફટકાર્યા

નવી દિલ્હી: ભારતીય ટેસ્ટ ટીમનો (Indian Test Team) ખેલાડી ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં (England) છે અને સસેક્સ ટીમ તરફથી રમી રહ્યો છે. અગાઉ કાઉન્ટી ટીમમાં જોરદાર પ્રદર્શન કર્યા બાદ ચેતેશ્વર પૂજારાની તાકાત રોયલ લંડન વન ડે કપમાં (Royal Landon One Day Cup ) પણ જોવા મળી છે. અહીં પૂજારાએ પોતાની ટીમ માટે શાનદાર સદી ફટકારી છે, જોકે તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નથી. શુક્રવારે રમાયેલી મેચમાં સસેક્સ ટીમના કેપ્ટન ચેતેશ્વર પૂજારાએ વોરવિકશાયર સામે માત્ર 79 બોલમાં 107 રન બનાવ્યા હતા. જેમાં તેના નામે 7 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ છે, ચેતેશ્વર પુજારાનો સ્ટ્રાઈક રેટ 135.44 હતો.

ચેતેશ્વર પુજારા ઘણીવાર ટેસ્ટમાં તેની ટેકનિક અને સંયમિત ઇનિંગ્સ માટે જાણીતો છે, પરંતુ અહીં તેણે જોરદાર ઝડપી ઇનિંગ્સથી બધાને ચોંકાવી દીધા. ચેતેશ્વર પુજારાએ ઇનિંગની 47મી ઓવરમાં કુલ 22 રન બનાવ્યા હતા. આ ઓવરમાં પૂજારાએ 4, 2, 4, 2, 6, 4 રન બનાવ્યા હતા. જો કે ચેતેશ્વર પૂજારાની આ ઇનિંગ પણ તેની ટીમને જીત અપાવી શકી નથી. ચેતેશ્વર પૂજારા 49મી ઓવરમાં આઉટ થયો, ત્યારબાદ ટીમને જીતવા માટે 20 રનની જરૂર હતી. પરંતુ સસેક્સ જીતથી 4 રન દૂર હતું.

મેચમાં જોરદાર બેંટિગથી ચેતેશ્વર પૂજારાએ જીતીની આશા જગાવી
શુક્રવારે રોયલ લંડન કપમાં વોરવિકશાયરના કેપ્ટન રોડ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોબર્ટ યેટ્સના 114 રન અને કેપ્ટન રોડ્સના 76 રનની મદદથી વોરવિકશાયરે 50 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 310 રન બનાવ્યા હતા. વોરવિકશાયર તરફથી રમતા ભારતીય ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા ખાતું પણ ખોલી શક્યા ન હતા. આ ઉપરાંત હમઝા શેખે 25 રન, માઈકલ બર્ગેસે 58 રન, મેથ્યુ લેમ્બે 17 રન, એથન બ્રુક્સે બે રન બનાવ્યા હતા. સસેક્સ માટે કાર્વેલાસ અને બ્રેડલી કરીએ બે-બે વિકેટ લીધી હતી.

આ દરમિયાન પૂજારાએ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. છેલ્લી છ ઓવરમાં સસેક્સને જીતવા માટે 70 રનની જરૂર હતી અને ચાર વિકેટ બાકી હતી. આવી સ્થિતિમાં કેપ્ટન પૂજારાએ જવાબદારી સંભાળી અને 45મી ઓવરમાં 22 રન બનાવ્યા. તેણે લિયામ નોરવેલની આ ઓવરમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ સિવાય તે બે વખત દોડ્યો અને બે રન મેળવ્યા. આ પછી પૂજારાએ 73 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. છેલ્લી ત્રણ ઓવરમાં સસેક્સને જીતવા માટે 31 રનની જરૂર હતી. 49મી ઓવરમાં હેનન ડાલ્બીએ પૂજારાને બોલ્ડ કર્યો અને તે જ સમયે સસેક્સની જીતની આશા પર પાણી ફરી વળ્યું.

50મી ઓવરમાં સસેક્સને જીતવા માટે 12 રનની જરૂર હતી, પરંતુ ટીમ માત્ર સાત રન જ બનાવી શકી અને વોરવિકશાયર 4 રનથી મેચ જીતી ગયું. પૂજારાના 79 બોલમાં 107 રન વ્યર્થ ગયા. તે જ સમયે, અંતમાં, સસેક્સના એરિસ્ટાઇડ્સ કોર્વેલાસ 14 બોલમાં 16 રન અને આર્ચી લેનહામે પાંચ બોલમાં પાંચ રન બનાવીને અણનમ રહ્યા હતા. વોરવિકશાયર તરફથી કૃણાલ પંડ્યાએ ત્રણ વિકેટ ઝડપી હતી. તે જ સમયે ઓલિવર હેનન અને જ્યોર્જ ગેરેટને બે-બે વિકેટ મળી હતી.

ચેતેશ્વર પૂજારાનું શાનદાર પ્રદર્શન
અગાઉ ચેતેશ્વર પૂજારાએ કાઉન્ટી ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આ સિઝનમાં સસેક્સ માટે રન બનાવ્યા હતા. તેણે સાત કાઉન્ટી મેચમાં પાંચ સદી ફટકારી હતી. તેણે સસેક્સ માટે આ સિઝનમાં 10 ઇનિંગ્સમાં ત્રણ બેવડી સદી ફટકારી હતી. પૂજારાએ ડર્બીશાયર સામે અણનમ 201, ડરહામ સામે 203 અને મિડલસેક્સ સામે 231 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય તેણે આ સિઝનમાં 170 અને 109 રનની ઇનિંગ્સ પણ રમી છે. સસેક્સ માટે એક સિઝનમાં ત્રણ બેવડી સદી ફટકારનાર તે 118 વર્ષમાં પ્રથમ બેટ્સમેન છે.

Most Popular

To Top