નવી દિલ્હી : માજી ભારતીય કેપ્ટન અને ક્રિકેટ ઇતિહાસના દિગ્ગજ બેટ્સમેનોમાં સામેલ સચિન તેંદુલકર (sachin tendulkar)નું માનવું છે કે ચેતેશ્વર પુજારા (cheteshvar pujara)ની બેટીંગની શૈલી (batting style) ભારતીય ટીમ (indian team)ની સફળતા (success)નું એક અભિન્ન અંગ છે, અને તેની ટીકા કરનારા કરતાં પુજારાએ દેશ માટે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પોતાના જોરદાર પ્રયાસો છતાં પૂજારાએ હંમેશા ટીકાનો ભોગ બનવાનો વારો આવે છે કે સ્કોરબોર્ડને ફરતું રાખવા માટે તે એટલો સક્રિય રહેતો નથી. સચિને પીટીઆઇને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પુજારા બાબતે આ જે એક માન્યતા છે તે ખોટી છે. તેણે કહ્યું હતું કે મને એવું લાગે છે કે પુજારાએ ભારત માટે જે કંઇ પ્રાપ્ત કર્યું છે તેની આપણે પ્રશંસા કરવી જોઇએ. બધું હંમેશા સ્ટ્રાઇક રેટ બાબતે નથી હોતું. ટેસ્ટ ક્રિકેટમાં તમારી ટીમમાં ફિટ થવા માટે અલગ પ્રકારની યોજના અને વિવિધ પ્રકારના ખેલાડીઓની જરૂર હોય છે.
સચિને કહ્યું હતું કે આ વાત તમારા હાથની પાંચ આંગળીઓ જેવી છે. દરેક આંગળીની એક અલગ ભૂમિકા હોય છે અને પૂજારા એ રીતે જ આપણી ટીમનું એક અભિન્ન અંગ છે. તેણે ભારત માટે જે કર્યું છે તે મને પસંદ છે. તેની દરેક ઇનિંગને પારખવાના સ્થાને તેણે ભારત માટે જે કંઇ કર્યું છે તેને વખાણવાની જરૂર છે. જે લોકો સ્ટ્રાઇક રેટ બાબતે ચિંતા કરે છે તેમને સચિને કહ્યું હતું કે ભારત પાસે આક્રમક બેટીંગ કરનારા ઘણા ખેલાડીઓ છે. પણ જ્યારે હરીફ ટીમને થકવી નાંખવાની વાત આવે ત્યારે તમને પુજારાની જરૂર પડે છે.