ભરૂચ: બદલાતા વાતાવરણ અને માવઠાના કારણે ભરૂચ (Bharuch) જિલ્લામાં કેરીનું (Mango) ઉત્પાદન દોઢ માસ મોડી થવાના સંજોગોનો અભિપ્રાય કૃષિ તજજ્ઞોએ દોહરાવ્યો છે. તેમ છતાં પણ ભરૂચ જિલ્લામાં મોટા પાયે કેરીનું ધૂમ વેચાણને પગલે ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના (Food and Drugs department) અધિકારીઓએ એપીએમસી (APMC) બજારમાં ચેકિંગ હાથ ધરતાં કેરીના જથ્થાઓમાંથી ઈથેલીન પાઉડરની (Ethylene powder) પડીકીઓ મળી આવવાનો ઘટસ્ફોટ થયો હતો. જો કે, પાઉડરની પડીકીઓ ફળો પકવવા માટે પૂરતી હોવાનું અધિકારીઓએ જણાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- એપીએમસી બજારમાં ચેકિંગ હાથ ધરતાં કેરીના જથ્થામાંથી ઈથેલીન પાઉડરની પડીકીઓ મળી
ભરૂચ જિલ્લામાં માવઠા સહિત વારંવાર બદલાતા વાતાવરણના કારણે કેરીના પાકને પણ અસર થઈ છે અને જે પ્રમાણે કેરીના મોર ખરી પડ્યા છે. તેના કારણે કેરીનું ઉત્પાદન પણ ઘટી ગયું છે. અને બદલાતા વાતાવરણના કારણે કેરીઓ ખરી પણ પડી છે. જો કે, આવી પરિસ્થિતિઓ હોવા છતાં વર્તમાન અપેક્ષિત સિઝન પહેલા જ ભરૂચ જિલ્લામાં કેરીનું ધૂમ વેચાણ શરૂ થયું છે. જેના પગલે આખરે બજારમાં કેરી ક્યાંથી આવી એ અંગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તપાસ કરાતાં કેરીઓ કુદરતી રીતે નહીં, પરંતુ પાઉડરથી કૃત્રિમ રીતે પકવતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેના પગલે ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ એપીએમસી બજારમાં તપાસ કરતાં કેરીઓનાં બોક્સ અને કેરેટમાંથી ઈથેલીન પાઉડરની પડીકીઓ મળી આવી હતી.
પાઉડરથી પકવવામાં આવતી કેરીઓ શહેરીજનો માટે લાભદાયક નથી. કારણ કે, આ પડીકી ઉપર સ્પષ્ટ લખેલું છે કે ફળોને પકવવા ઉપયોગ કરવો અને બાળકોથી દૂર રાખવી, મહેરબાની કરીને ખાવી નહીં. પરંતુ બજારમાંથી નીકળતી બિનઉપયોગી કેરીઓ કચરામાંથી શ્રમિક બાળકો વીણી રહ્યા છે. ત્યારે આ પાઉડરની પડીકી કોઈ શ્રમિક આરોગી લે તો તેનો જવાબદાર કોણ તેનો પ્રશ્ન ઊઠી રહ્યો છે.
પાઉડરથી પકવેલી કેરી નુકસાનકારક
ભરૂચમાં કૃષિ તજજ્ઞ નિર્મલસિંહ યાદવે જણાવ્યું હતું કે, તાજેતરમાં વેચાયેલી કેરી બાબતે આ કેરી પાઉડરથી પકવેલી હોય છે. પાઉડરથી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્યને નુકસાનકારક હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. સાથે ઓર્ગેનિક પદ્ધતિથી થયેલી કેરીઓનો પાક હજુ સુધી ખેતરો-વાડીઓમાંથી ઊતર્યો નથી.
કેન્સર પણ થઈ શકે
ભરૂચના ખેડૂત આગેવાન હેમેન્દ્ર કોઠીવાલાએ પણ જણાવ્યું હતું કે, ભરૂચમાં વેચાતી કેરીઓ પાઉડરથી પકવવામાં આવતી હોય છે. જેનાથી કેન્સર જેવા રોગને આમંત્રણ આપતું હોય એમ લાગે છે.