સુરત: અમદાવાદના ચીટર વેપારી અને દલાલોએ સુરતના 22 કાપડના વેપારીઓ પાસેથી ઉધારીમાં તૈયાર કપડું ખરીદી પેમેન્ટ નહીં કરી રૂપિયા 1.24 કરોડની છેતરપિંડી કરી છે. વેપારીની ફરિયાદના આધારે સુરત પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરના સહારા દરવાજા પાસે બેગમવાડી રાધાક્રિષ્ણા ટેક્સટાઈલ માર્કેટના વેપારી સહિત 22 જેટલા વેપારીઓ પાસેથી અમદાવાદ રેવડી ભજારમાં કે મોહિની કિએશનના માલિકે ત્રણ કાપડ દલાલ સાથે મળી 30થી40 દિવસમાં પેમેન્ટ આપી દેવાનો વિશ્વાસ ભરોસો આપી કુલ રૂપિયા 1.24 કરોડના ફીનીશ્ડ કાપડનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી ઉઠમણું કર્યું છે. ઉઠમણાનો ભોગ બનેલા વેપારીઓએ પેમેન્ટની ઉપરાણી કરતા ઉશ્કેરાઈને પૈસા નહી મળે. તમારાથી થાય તે કરી લો હોવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.
બનાવની વિગત એવી છે કે ગોડાદરા સ્કાયર-8 રેસીડેન્સીમાં રહેતા ધીરજ ચેતનસ્વરૂપ રાઠી (ઉં.વ.27) રિંગ રોડ બેગમવાડી, રાધાક્રિષ્ણા ટેક્સ્ટાઈલ માર્કેટમાં માજીશા કલર ટ્રેડર્સના નામથી ડાયેબલ ચંદેરી ક્વોલીટીના ફીનીશ્ડ કાપડનો વેપાર ધંધો કરે છે.
ધીરજ પાસેથી 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધીમાં અમદાવાદ રેવડી બજાર સુગ્નોમલ માર્કેટમાં કે મોહિની ક્રિએશનના પ્રોપરાઈટર સન્ની રામચન્દ્રખિયાની (રહે, જય ભોલે હોમ્સ નાના ચિલોડા અમદાવાદ તથા સ્વામ શિખર રેસીડેન્સી દહેગામ રોડ નરોડા અમદાવાદ)એ જે. એલ એજન્સીના નામે કાપડ દલાલીનું કામ કરતા જયેશ લાલચંદ ચંદવાની (સુગનુમલ માર્કેટ રેવડી બજાર અમદાવાદ, રહે, કૃષ્ણ બિહાર રેસીડન્સી મંજીપુરા રોડ નડીયાડ ખેડા), મહાકાલ એજન્સીના કરલ રમેશલાલ આહુજા (રહે, આંબાવાડી સરદારનગર અમદાવાદ) અને અરબી એજન્સીના સંજય તુલસીદાસ સેવાની (રહે, સુમેલ બિઝનેશ પાર્ક કાંકરીયા રોડ અમદાવાદ) સાથે મળી 30થી 40 દિવસમાં પેમેન્ટ આપી દેવાનો વિશ્વાસ અને ભરોસો આપી રૂપિયા 2,33,099 નો તેમજ અન્ય 20 વેપારીઓ પાસેથી રૂપિયા 1,22,47,477 નો મળી કુલ રૂપિયા 1,24,80,579 ના મતાનું તૈયાર કાપડ ખરીદયું હતું.
ત્યાર બાદ નક્કી કરેલી સમય મર્યાદામાં આરોપીઓએ માલનું પેમેન્ટ નહીં આપતા ધીરજ સહિતના વેપારીઓએ ઉઘરાણી શરૂ કરી હતી. શરૂઆતમાં પેમેન્ટ આપી દેવાના ખોટા વાયદાઓ કર્યા હતા ત્યાર બાદ ઉશ્કેરાઈને પૈસા નહીં મળે તમારાથી થાય તે કરી લો તેવી ધમકી આપી ઉઠમણું કરી ભાગી ગયા હતા. પોલીસે ધીરજભાઈની ફરિયાદ લઈ વેપારી સહિત ચારેય સામે ગુનો દાખલ કરી તપાસ ઈકો સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.