ચરોતરની 62 હજાર મતદારોનો ઉમેરો થયો

આણંદ : આણંદ અને ખેડા જિલ્લામાં મંગળવારના રોજ મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જોકે, આ દિવસે જાહેર થનારી મતદારયાદીમાં કુલ 62 હજાર મતદારો નોંધાયાં છે. જેમાં યુવા મતદારોનું પ્રમાણ વિશેષ છે. નવેમ્બર મહિના દરમિયાન યોજાયેલી મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નામ ઉમેરવા અને કમી કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાદમાં ફાયનલ થયેલી મતદારયાદીમાં આણંદમાં 32 હજાર અને ખેડામાં 30 હજાર મતદારો ઉમેરાયાં છે.

આણંદ અને ખેડા જિલ્લામાં 1લી નવેમ્બર,21થી 5મી ડિસેમ્બર,21 દરમિયાન મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આણંદમાં નામ ઉમેરવા 44,996 જેટલા ફોર્મ ભરાયાં હતાં. જ્યારે સામે 12844 નામ કમી કરવાના ફોર્મ ભરાયાં હતાં. આ ઉપરાંત સ્થળાંતર, નામ સુધારણા સહિતના ફોર્મ પણ ભરાયાં હતાં. તેવી જ રીતે ખેડા જિલ્લામાં નવા નામ ઉમેરવા 46,205 તથા કમી કરવા 16,059 ફોર્મ મળ્યાં હતાં. જેની જરૂરી કાર્યવાહી બાદ આણંદમાં 32,676 અને ખેડા જિલ્લામાં 30,148 મતદારોના નામ ઉમેરાયાં છે. જેના પગલે આણંદમાં કુલ 17,57,389 અને ખેડા જિલ્લામાં 15,81,222 મતદારો નોંધાયાં છે. ખેડા જિલ્લામાં અગાઉ 15,51,074 મતદારો હતાં. વિધાનસભાની ચૂંટણીમાં ઉમેરાયેલા મતદારોનું પ્રભુત્વ વધારે રહેશે.

Most Popular

To Top