કરિશ્મા તન્ના હવે એવી અભિનેત્રીની ઓળખમાં આવી ગઇ છે કે નિયમિત ટી.વી. સિરીયલ જોનારાઓને ઓળખાવવી ન પડે. જોતજોતામાં વિત્યા ૨૧ વર્ષથી તે ટી.વી. સિરીયલોનો હિસ્સો બની છે. ‘કયુંકી સાસ ભી કભી બહુથી’માં તે ઇંદુ વીરાણીના પાત્રમાં આવી ત્યારે ખબર નહોતી કે આ પહેલી જ સિરીયલના લાંબા શીર્ષક જેટલી તે ચાલશે. પછી તો ‘દેસ મેં નીકલા હોગા ચાંદ’ની ટીના ‘કુસુમ’ની મુસ્કાન, ‘વિરાસત’ની નતાશા ‘સજન રે જૂઠ મત બોલો’ની કિરણ, ‘બાલવીર’ની રાની પરી, ‘નાગિન-3’ ની રુહી જેવી સિરીયલો તેને વધારે ને વધારે સ્થાપતી ગઇ. તેણે વિવિધ શોમાં પણ ભાગ લીધો. ‘ફિયર ફેકટર ઇન્ડિયા’ અને ‘કોમેડી સરકસ’, ‘કિચન ચેમ્પિયન-૫’, ‘ખતરોં કે ખિલાડી-૧૦’ સહિતના રિયાલિટી શોમાં સ્પર્ધક રહી ચુકી છે. કરિશ્મા જાણે છે કે જો ટી.વી. જ આપણો ધંધો છે તે જે રીતે કરવાનો હોય એવી રીતે કરવો. હવે તો તે વેબસિરીઝમાં પણ કામ કરે છે. ‘કરલે તુ ભી મહોબ્બત’માં ઝોયા હુસેન અને ‘બુલેટ્સ’ માં લોલોના પાત્રો ભજવી ચુકી છે. અને હમણંા જુહી ચાવલા સાથે ‘હૂશ હૂશ’ વેબસિરીઝમાં દેખાય રહી છે.
કરિશ્મા તન્ના વિરાટ કોહલી જેવી છે જે ટેસ્ટ, વનડે, ટી-ટવેન્ટી સહિત બધા જ પ્રકારોમાં રમે છે એટલે કે ટી.વી. અને વેબ બાદ ફિલ્મો પણ તેનાથી દૂર નથી. તમે તેને ‘સંજુ’માં પિન્કી રાઠોડ તરીકે જોઇ હશે અને તે પહેલાં ‘ગ્રાન્ડ મસ્તી’ અને હમણાં ‘લાહોર કોન્ફિડેિન્શઅલ’ માં પણ તે હતી. અત્યારે ‘રાય’ નામની ફિલ્મમાં વિવેક ઓબેરોય સાથે મુખ્ય નાયિકા તરીકે દેખાશે. રામ ગોપાલ વર્માની ફિલ્મ છે એટલે કરીશ્માને એવું છે કે ફિલ્મ કરીશ્મા કરી પણ શકે. કરીશ્મા ઉપેન પટેલને પરણે એમ લાગતું હતું પણ તે વરુણ બંગેરા નામના બિઝનેસમેનને પરણી ગઇ છે. બાકી ઉપેન પટેલ વિશે કહેતી હતી કે તે એકદમ જેન્ટલમેન છે અને મારી ખૂબ કાળજી પણ લે છે. હું તેને પરણવાની છું પણ અમે વ્યસ્ત છે એટલે પરણી શકતા નથી. આજે તમે કરિશ્માને પૂછો કે શું થયું એ સંબંધનું તો ચૂપ થઇ જશે. પણ ફિલ્મ ટી.વી.ની દુનિયામાં આવું બધું ચાલતું રહે છે. ગઇ પાંચમી ફેબ્રુઆરીએ જ તે વરુણને પરણી છે એટલે વધુ કહેવામાં સાર નથી.