‘સૂર્યવંશી’ની જબરદસ્ત સફળતાને કારણે થિયેટરવાળા એકદમ ખુશ છે અને તેઓ ઈચ્છે છે કે એક પછી એક એવી ફિલ્મો આવતી રહે કે જેથી ગરમ થયેલું બજાર નરમ ન પડે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ એવું જ ઈચ્છી રહી છે એટલે એવી કાળજી રખાય રહી છે કે આ ત્રણ મહિનાનો સક્સેસ રેશિયો એકદમ હાઈ રહે. તેઓ એવું પણ ઈચ્છે છે કે ટોપ સ્ટાર્સની ફિલ્મો જ હમણાં રજૂ થાય એટલે જ ‘સૂર્યવંશી’ પછી ‘અંતિમ ધ ફાઈનલ ટુથ’ રજૂ થઈ છે જે સલમાનના નામે ઓડિયન્સને બોલાવશે.
રણબીર, ઋતિક, આમીર, શાહરૂખ વગેરેની ફિલ્મો માટે થોડી રાહ જોવી પડશે. અક્ષય, અજય, રણવીરસીંઘ, સલમાન પછી શું આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ આવી શકે ? જો તમે એવો સવાલ કરો તો ઉત્તર છે કે તે બસ આવી ચુકી છે. આયુષ્યમાન ખુરાના અને વાણીકપૂર ‘ચંડીગઢ કરે આશિકીના પ્રચારમાં લાગી ગયા છે. આયુષ્યમાન બ્લેક પ્રિન્ટેડ શર્ટ સાથે કેઝ્યુઅલ દેખાવા પ્રયત્ન કરે છે તો વાણી વન-શોલ્ડર બ્લેક ટોપને મરુન લેધર ટ્રાઈઝર્સ સાથે પહેરી પ્રમોશનમાં સંમોહન ઊભું કરે છે. આયુષ્યમાન આ વખતે એકદમ જૂદા મૂડમાં છે કારણકે તેની ફિલ્મ પણ જૂદો મૂળ ઊભો કરશે એવું નક્કી છે.
આયુષ્યમાન તેની ઈમેજમાં ડ્રાસ્ટિક ચેન્જ સાથે પેશ આવવાનો છે. તમે ફિટનેસ ટ્રેનર તરીકે કલ્પી શકો? ના કલ્પી શકતા હો તો કલ્પો. તે તમને જબરદસ્ત બોડી સાથે દેખાશે. ફિલ્મનો દિગ્દર્શક અભિષેક કપૂર આ પહેલાં ‘રોક ઓન’માં ફરહાન અખ્તરને એકદમ જુદા લુકમાં રજૂ કરી ચુકયો છે અને આ વખતે આયુષ્યમાન ચમકાવી દેશે. ઘણીવાર એકટરનું ટ્રાન્સફોર્મેશન સ્વયં એક આકર્ષણ બની જતું હોય છે. ભૂતકાળમાં શમ્મીકપૂર, જીતેન્દ્ર, રાજેશખન્ના, અમિતાભ, માધુરી દિક્ષીત, વિદ્યાબાલને પ્રેક્ષકોને નવી ઈમેજથી ચકાચૌંધ કરેલા.
આયુષ્યમાનને પોતાને પણ આ રીતે નવી ઈમેજમાં દેખાવું ગમે છે. ‘અંધાધૂન’માં તેણે પ્રેક્ષકોની આંખો ચમકાવી દીધી હતી. તે ઘણીવાર નવો અમોલ પાલેકર હોય તેમ કોમનમેન તરીકે દેખાયો છે પણ એ બધી સફળતા પછી તે પોતાને પણ નવી રીતે ટ્રીટ કરી રહ્યોં છે. તેને ‘બાલા’માં ટકલુ દેખાવાનો ય વાંધો ન હતો. તે એક સાહસી અભિનેતા છે. કદાચ સંજીવકુમાર જેવા પાસેથી તે આ બધું શીખ્યો લાગે છે. તે દિગ્દર્શકો પણ એવા પસંદ કરે છે જે પ્રયોગમાં માનતા હોય. જેમ કે ‘આર્ટિકલ 15’ અને ‘થપ્પડ’ જેવી ફિલ્મો બનાવી ચુકેલા અનુભવ સિંહા સાથેની ‘અનેક’માં તે આવી રહ્યોં છે. એ ફિલ્મ પણ ‘ચંડીગઢ કરે આશિકી’ના નિર્માતા ટી. સિરીઝની જ છે. એ ફિલ્મ એકદમ ઢાંસુ પોલિટિકલ ડ્રામા ધરાવે છે. અનુભવ આયુષ્યમાન અને તાપસીને પોતાના ફેવરિટ સ્ટાર માને છે. આયુષ્યમાનને રાજકીય ખટપટવાળી ફિલ્મમાં જોવો એક જૂદો જ અનુભવ ગણાશે. ‘અંધાધૂન’ થ્રીલર હતી પણ તેનાથી સાવ જૂદી થ્રીલર આ ‘અનેક’ હશે. આ ફિલ્મ માર્ચ મહિનામાં રજૂ કરવા યોજનાબધ્ધ રીતે અનુભવ-આયુષ્ય કામ કરી રહ્યાં છે.