ઘરને નવો લુક આપવા માટે માત્ર બજેટ – પૈસા જ નહીં પરંતુ રચનાત્મક વિચાર, કલ્પનાશીલતા અને મહેનતની પણ જરૂર છે. એ હોય તો સાધારણ જગ્યાને પણ ખૂબસૂરત બનાવી શકાય છે. થોડા નાના નાના બદલાવ તમારા ઘરને નવો લુક આપી શકે છે. થોડી કલ્પના અને કલાત્મકતાથી ઘરને અલગ લુક કઇ રીતે આપશો?
- વોલપેપર દીવાલોને નવો લુક આપે છે. લિવિંગ રૂમ, બેડરૂમ વગેરેની દીવાલો માટે વોલપેપર પસંદ કરી શકાય. તમે ઇચ્છો તો આખા રૂમને બદલે કોઇ એક દીવાલ પર પણ વોલપેપર લગાડી શકો. એનાથી એ રૂમ ઘરમાં બધાથી અલગ દેખાશે.
- દીવાલોને અલગ લુક આપવા મોઝેક આર્ટ પીસીસ પણ પસંદ કરી શકાય. એ વુડન અને કલે બંનેમાં મળે છે.
- થોડા એકસપરિમેન્ટ પણ કરી શકાય. સુંદર, આકર્ષક રંગને ફલોર પર બિછાવવાની જગ્યાએ વોલ આર્ટની જેમ દીવાલ પર લગાડો. નાની કાર્પેટને ફ્રેમ કરીને પણ દીવાલ પર લગાડી શકાય છે.
- યુનિક લુક માટે મિરરનો વોલ એકસેસરીઝ તરીકે ઉપયોગ કરો. એક મોટા વિન્ટેજ મિરર સાથે બે-ત્રણ અલગ અલગ સાઇઝના મિરર ટીમઅપ કરી દીવાલ પર મૂકો.
- કયારેક એમ્બ્રોઇડરી ફ્રેમમાં સુંદર પ્રિન્ટેડ ફેબ્રિકસ ફિકસ કરી દીવાલ પર આર્ટ પીસ તરીકે સજાવો.
- અલગ લુક માટે લિવિંગ રૂમમાં કોઇ સ્ટેટમેન્ટ ફર્નિચર પીસ મૂકો. વુડન સોફા સાથે મેટલનું ગોલ્ડ કે બ્રાસ ફિનિશ્ડ સેન્ટર ટેબલ મૂકી શકાય.
- ન્યૂટ્રલ કલરના સોફા સાથે બ્રાઇટ કલરની ચેર ટીમઅપ કરો. આ નાનો પ્રયોગ કરવાથી લિવિંગ રૂમનો લુક બદલાઇ જશે.
- ટ્રેન્ડી લુક માટે લિવિંગ રૂમમાં ઓવર સાઇઝડ પેન્ડન્ટ લાઇટ મુકાવો. આ ઉપરાંત કોરિડોરની દીવાલો, એકસેંટ વોલ અને પ્લાન્ટસ પર અપ લાઇટસ મુકાવી એનું આકર્ષણ વધારો.
- ગરમીમાં ઘરમાં સ્ટાઇલિશ વોટર ફીચર રાખો. એને કોફી ટેબલ કે કોઇ શેલ્ફ પર સજાવો.
- કિચનની ખૂબસૂરતી વધારવા ત્યાં એક બ્રેકફાસ્ટ કાઉન્ટર રાખો. એની ઉપર સ્ટાઇલિશ પેન્ડન્ટ લાઇટ્સ મુકાવો. એનાથી સારું એમ્બિયન્સ ક્રીએટ થશે.
- કાચની જારને ક્રાફટ ટેપથી સજાવી ડાયનિંગ ટેબલ પર સજાવો. એમાં મનપસંદ ફૂલ અરેન્જ કરો.
- ઘરના કોઇ ખૂણામાં કિતાબોની દુનિયા બનાવો. ત્યાં બોટલ કે ટ્રી ઓફ બુકસ લુક જેવા અનટ્રેડિશનલ બુકશેલ્ફ ડિઝાઇન કરાવો. ઘરને યુનિક લુક મળશે.
- કયારેક ટેરાકોટાના શો પીસીઝ, વાર્લી મ્યુરલ્સ, મધુબની પેન્ટિંગ, ગુજરાતી ઝુલા વગેરે ટ્રેડિશનલ વસ્તુઓથી ઘર સજાવો.
- પ્લાસ્ટિકની બોટલને સિલ્વર કે ગોલ્ડન સ્પ્રે પેન્ટ અને ગ્લિટરથી સજાવી એમાં મનપસંદ ફલાવર્સ મૂકો.
- ખાદીની દરી, કર્ટન્સ, કુશન, બેડ કવર્સ, ટેબલ રનર્સ, ટી કોસ્ટર્સ, વોલ હેંગિગથી ઘર સજાવો.
- ટેરેસ, બાલ્કની, લોનમાં વિકર ફર્નિચર અને હિંચકો મૂકી આઉટડોર સીટિંગ એરિયા તૈયાર કરો.
- બાલ્કની કે ટેરેસની દીવાલો પર આર્ટિફિશ્યલ ગ્રાસથી સુંદર ગાર્ડન બનાવો.
- નવા અને રીફ્રેશિંગ લુક માટે થોડા થોડા સમયે દરવાજાના નોબ, લાઇટની સ્વિચ અને દરવાજાના હેન્ડલ બદલાવો.
- ઘરની બાકીની જગ્યાની જેમ વોશરૂમના ઇન્ટીરિયરમાં પણ થોડો ફેરફાર કરતા રહો. મિરર, સોપ ડિસ્પેન્સર વગેરે બદલવાથી વોશરૂમને નવો લુક મળશે.