Columns

જીવનને બદલવા માટે

એક યુવાન કોલેજમાં આવ્યો એટલે ખુબ ખુશ હતો કે બસ હવે તો કોલેજ લાઈફની મજા લઈશ મન ફાવે તેમ કરીશ…ભણવાનું સાવ ભૂલી તે માત્ર સમય અને પૈસા બરબાદ કરે. આખો દિવસ જે કરવું હોય તે કરે…મોડો ઉઠે ,,કોલેજ જવું હોય તો જાય નહિતર ન જાય…કોઈ કૈંક કહે તો ગુસ્સે થઇ જાય …આખો દિવસ મિત્રો જોડે બાઈક પર રખડે..જે તે બહારનું ખાય પીએ.કોઈ નિયમ નહિ, કોઈ સારી રીતભાત નહિ ,કોઈ જવાબદારી નહિ.આખું વર્ષ યુવાને આમ જ રખડવામાં કાઢ્યું અને પછી પરીક્ષામાં ફેલ થયો.આખું વર્ષ બગડ્યું..કુટુંબ અને મિત્રવર્તુળમાં નીચાજોણું થયું.

 યુવાનને અંદરથી એક વિચાર ધક્કો લાગ્યો કે આ તો કોલેજ લાઈફની મજા લેવામાં જીવનમાં એક વર્ષ ખરાબ થઈ ગયું પોતે પાછળ રહી ગયો બધા આગળ નીકળી ગયા.તેણે પોતાના જીવનમાં બદલાવ લાવવાનો નિર્ણય કર્યો. યુવાન મોડી રાત સુધી આ બધું વિચારતો બેઠો હતો તેની આંખોમાં આંસુ હતા.યુવાનના દાદા તેની પાસે આવ્યા.દાદાને જોઇને જ યુવાન રડવા લાગ્યો અને બોલ્યો, ‘દાદા, હું ફેલ થયો મજા કરવામાં ભણવા પર ધ્યાન જ ના આપ્યું મારી બહુ મોટી ભૂલ થઇ ગઈ પણ હવે મારે જીવન જીવવાની રીત બદલી નાખવી છે પણ સમજાતું નથી કઈ રીતે શરૂઆત કરું.’

દાદાજીએ કહ્યું, ‘જીવનને બદલવા માટે સૌથી પહેલા પાંચ આદતો પાડવી પડશે અને જૂની નકામી આદતો છોડવી પડશે સમજ્યો.’યુવાન બોલ્યો, ‘કબુલ દાદાજી કઈ પાંચ આદતો છે તે કહો.’ દાદાજી બોલ્યા, ‘તને બધું જ સહેલાયથી મળ્યું છે એટલે તને કોઈ વાત, વસ્તુ અને વ્યક્તિની કદર નથી.જે મળ્યું છે તે બધાની કદર કરતા શીખ.રોજ તને જે મળ્યું છે તેમાંથી કોઈપણ ખાસ ત્રણ વસ્તુ વિષે, વ્યક્તિ વિષે વિચાર અને તેને માટે ભગવાનનો અને તે વ્યક્તિનો અને વસ્તુ માટે તે આપનાર નો આભાર માનવાની ટેવ પાડ…. તું ગમે ત્યારે જે મન ફાવે તેમ વર્તન કરે છે કોઈ કૈંક ટોકે તો ગુસ્સે થઈ જાય છે.આવું વર્તન બરાબર નથી માટે હવેથી કોઇપણ પરિસ્થિતિમાં કઈ પણ બોલવા પહેલા શાંતિથી ઊંડો શ્વાસ લેજે … બે ઘડી અટકી વિચારીને શાંતિથી જવાબ આપવાની ટેવ પાડજે.તારાથી આ બે આદતનું પાલન થશે ખરું ? તો આગળ કહું?’યુવાન બોલ્યો, ‘હા દાદાજી’

દાદાજી આગળ બોલ્યા, ‘દીકરા તું યુવાન છે મોજ મજા મસ્તી તને મનગમતી પ્રવૃત્તિ કરી શકે છે પણ આ બધું ભણવાનું અને અન્ય જવાબદારીના કામ પુરા કર્યા બાદ અને પ્રમાણમાં કરવું જરૂરી છે.બહારનુ ખાવાનું ઓછું કરી નાખ સ્વાસ્થ્યનુ ધ્યાન રાખ.રોજ કસરત કરવી જરૂરી જેનાથી શરીર અને મગજ બંને મજબુત બને છે.અને સૌથી મહત્વનું એક ધ્યેય નક્કી કર અને રોજ તે તરફ એક એક ડગલું ચોક્કસ આગળ વધ.બસ આ પાંચ આદત પાડીશ તો જીવન બદલાઈ જશે.’દાદાજીએ સરસ અને સાચો રસ્તો દેખાડ્યો
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top