Science & Technology

ભારત ઇતિહાસ રચવાથી એક કદમ દૂર: ચંદ્રયાન-2ના ઓર્બિટર અને ચંદ્રયાન-3ના લેન્ડર વચ્ચે સફળ સંપર્ક થયો

નવી દિલ્હી: ચંદ્રયાન-3 (Chandrayaan-3) મિશનનું લેન્ડર મોડ્યુલ ચંદ્રની (Moon) સપાટીથી માત્ર 25 થી 150 કિલોમીટરના અંતરે પરિભ્રમણ કરી રહ્યું છે. ઇસરોના (ISRO) જણાવ્યા અનુસાર ચંદ્રયાન-2ના ઓર્બિટરએ ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલ સાથે સંપર્ક સ્થાપિત કર્યો છે. હવે રાહ 23 ઓગસ્ટની છે, જ્યારે ભારત (India) ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ (Soft landing) સાથે ઈતિહાસ રચશે અને આવું કરનાર વિશ્વનો ચોથો દેશ બનશે. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીન ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગમાં સફળ થયા છે. એટલું જ નહીં, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બની શકે છે. એટલું જ નહિ 23 ઓગસ્ટે સાંજે 5:20 વાગ્યે ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઇવ પ્રસારણ જોવા મળશે.

ઈસરોએ સોમવારે ટ્વિટ કર્યું કે ચંદ્રયાન-2ના ઓર્બિટરએ ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલ સાથે સંપર્ક સ્થાપિત કર્યો છે. બંને વચ્ચે દ્વિ-માર્ગીય સંચાર સ્થાપિત થયો છે. ચંદ્રયાન-3ના લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે ઈસરોએ બે માધ્યમોનો આશરો લીધો છે. પહેલું એ છે કે આ વખતે ચંદ્રયાન-3માં ઓર્બિટર મોકલવામાં આવ્યું નથી. તેની જગ્યાએ પ્રોપલ્શન મોડ્યુલ મોકલવામાં આવ્યું છે. જેનો હેતુ માત્ર ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલને ચંદ્રની નજીક લાવવાનો હતો. આ ઉપરાંત લેન્ડર અને બેંગલુરુ સ્થિત ઈન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક (IDSN) વચ્ચે સંપર્ક સ્થાપિત થવાનો હતો.

ઈસરોએ ઈમરજન્સી માટે અલગથી તૈયારીઓ કરી હતી. આ વન વે બેકઅપ પ્લાન છે. જેમાં ચંદ્રયાન-3ના લેન્ડરને ચંદ્રયાન-2ના ઓર્બિટર સાથે જોડવાનું હતું. જેથી કરીને કોઈપણ સમસ્યાના કિસ્સામાં ચંદ્રની આસપાસ ચક્કર લગાવતા જૂના ઓર્બિટર દ્વારા સંપર્ક સ્થાપિત કરી શકાય. હવે ભારતીય ડીપ સ્પેસ નેટવર્ક સેન્ટર અને ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક બે રીતે વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરી શકશે.

ISROનું કહેવું છે કે લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન)નું લેન્ડર મોડ્યુલ 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરે તેવી અપેક્ષા છે. આ પહેલા ઈસરોએ કહ્યું હતું કે મોડ્યુલ 23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે. તેમજ લુના-25 વિક્રમના ઉતરાણના બે દિવસ પહેલા 21 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરવાનું હતું.

ચંદ્રની (Moon) દૂરની બાજુ એટલે કે તે ભાગ જે ક્યારેય પૃથ્વી (Earth) તરફ જોતો નથી તેની તસવીરો બહાર પાડવામાં આવી છે. આ તસવીરો ઈસરોએ જાહેર કરી છે. ઈસરોએ (ISRO) ટ્વિટ કરીને ચંદ્રના તે ભાગની તસવીરો બતાવી છે જેને આપણે ક્યારેય નરી આંખે જોઈ શકતા નથી. આ તસવીરો ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાં સ્થાપિત લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડન્સ કેમેરા (LHDAC) દ્વારા લેવામાં આવી છે.

Most Popular

To Top