નવી દિલ્હી: (Delhi) કેબિનેટ વિસ્તરણ બાદ હવે કેન્દ્ર સરકારે (Central Government) કેબિનેટ સમિતિઓ(Cabinet Panels) માં પણ ફેરફાર કર્યા છે અને નવા મંત્રીઓને તેમાં જગ્યા મળી છે. જેમાં ભૂપેન્દ્ર યાદવ, સર્વાનંદ સોનોવાલ, મનસુખ મંડાવિયા (Mansukh Mandavia) સહિત અન્ય કેટલાક નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની, જ્યોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણે, અશ્વિનિ વૈષ્ણવ, કિરણ રિજિજૂ, અનુરાગ ઠાકોર જેવા યુવા ચહેરાઓને પણ આ વખતે કેબિનેટની કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવેડકર જેવા મોટા ચહેરા કેબિનેટમાંથી બહાર થઇ ગયા છે, તેવામાં કમિટીમાં નવા ફેરફાર કરવામાં આવ્યા છે. મંત્રીમંડળ સચિવાલય તરફથી સોમવારે રાતે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી સંસદીય મામલાના કેબિનેટ સમિતિમાં કેન્દ્રીય મંત્રીઓ વીરેન્દ્રકુમાર, કિરણ રિજિજૂ અને અનુરાગ ઠાકુર, મનસુખ માંડવિયાને સામેલ કરવામાં આવ્યા છે. પોલિટિકલ અફેયર્સ સાથે સંકળાયેલી આ મહત્વની કમિટીમાં સ્મૃતી ઇરાની, સર્વાનંદ સોનોવાલ, ગિરિરાજ સિંહ, મનસુખ માંડવિયા, ભુપેન્દ્ર યાદવનો સમાવેશ કરાયા બાદ આ કમિટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળ ચાલશે.
જણાવી દઈએ કે હાલમાં જ નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળમાં ફેરફાર કર્યો છે. આશરે 3 ડઝન મંત્રીઓએ શપથ લીધી છે. જેમાના મોટાભાગના યુવા નેતાઓ છે. એક ડઝન મંત્રીઓના પ્રમોશન કરવામાં આવ્યા અને કેટલાક મંત્રીઓના વિભાગ બદલવામાં આવ્યા. જ્યારે કેટલાક દિગ્ગજ નેતાઓને છૂટા કરવામાં આવ્યા છે. આ વખતે મોદી કેબિનેટ કમિટીમાં મંત્રીઓને મળેલ સ્થાન ખૂબજ ચર્ચાનો વિષય રહ્યો હતો. મોદી કેબિનેટમાં મોટાભાગે યુવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં આ નેતાઓની ક્લાસ લેતા મોદીએ તેઓને કઈ રીતે કાર્ય કરવાનું છે તેની પણ સમજણ આપી દીધી છે.
રોજગાર અને સ્કિલની કમિટીમાં ધર્મેન્દ્ર પ્રધાન, અશ્વિનિ વૈષ્ણવ, ભુપેન્દ્ર યાદવ, હરદિપ પૂરી, આરસીપી સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી પણ પ્રધાનમંત્રીના હાથમાં છે. સુરક્ષા સંબંધિત કેબિનેટ સમિતિના સભ્યોમાં પ્રધાનમંત્રી, રક્ષામંત્રી, ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશમંત્રી એસ જયશંકર છે. નિયુક્તિ સંબંધી કેબિનેટ સમિતિમાં પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સામેલ છે. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે, જ્યોતિરાદિત્ય સિંધિયા અને અશ્વિની વૈષ્ણવને પ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળી રોકાણ અને વિકાસ સંબંધી કેબિનેટ સમિતિમાં નવા સભ્યો તરીકે સામેલ કરવામાં આવ્યા છે.