Business

વિવિધ રાજ્યોમાં ઉજવાતો

કોરોના મહામારીને કારણે ગત વર્ષની હોળી – ધુળેટીના રંગોત્સવના રંગ ઝાંખા પડી ગયેલા પણ હળવી ત્રીજી લહર પછી હળવા થઇ ગયેલા વાતાવરણમાં લોકો આ વર્ષે મનભરીને હોળી મહોત્સવને માણવા ઉત્સાહપૂર્વક તૈયારીમાં છે. બજારો નીતનવી ડિઝાઇનોની પીચકારી અને રંગોની દુકાનો અને લારીઓથી ઉભરાવા લાગ્યાં છે. ધાર્મિક પરંપરાગત હજારો વર્ષથી ઉજવાતા આ હિન્દુ તહેવાર માટે લખવાનું થાય ત્યારે સ્વાભાવિક જ જાણીતી હોલિકા અને પ્રહલાદની કથા યાદ આવે અથવા તો કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે ખેલાતી હોળીનું દૃશ્ય તાદૃશ્ય થાય. ખરેખર તો ગોકુળ – વૃંદાવન, મથુરામાં ઉલ્લાસભેર ઉજવાતો રંગોત્સવ તો આજની અગિયારસથી જ પ્રારંભ થઇ જાય છે. રંગભરી એકાદશીથી હોળી – ધુળેટીની નાળિયેરી પૂર્ણિમા સુધી ઉજવાતો આ ઉત્સવ ગુજરાતમાં હોળી – ધુળેટીના બે દિવસ ઉજવાય છે. જો કે સનાતન ધર્મીઓના આ દેશમાં વિવિધ પ્રાંત મુજબ અલગ અલગ રીતે, જુદા જુદા નામે ઉજવાતો હોય છે. બાળકો, યુવાનોથી લઇ દરેક વયનાં સ્ત્રી-પુરુષોનો આ ગમતીલો રંગોત્સવ અનેક ધાર્મિક, આધ્યાત્મિક તથ્યો સાથે જોડાયેલ છે.

દેશનાં વિવિધ રાજયો – પ્રદેશોમાં ઉજવાતી હોળી – ધુળેટીને સંક્ષિપ્તમાં જાણીએ. હોળી પછીના બીજે દિવસે ઉજવાતા ધુળેટીના દિવસને હરિયાણામાં ધુલેંડી કહે છે. દિયર-ભાભીની મજાક, મસ્તી સાથે રંગોથી રમવાનો આ ઉત્સવ મનાય છે. હોળીના દિવસે પ્રહ્‌લાદનો બચાવ અને અગ્નિથી હોલિકાના મૃત્યુની ખુશીમાં લોકો આનંદ – ઉલ્લાસ સાથે એકબીજા પર રંગ ઉડાડીને આ ઉત્સવ મનાવે છે. બંગાળમાં દોલજાત્રા ઉત્સવ આ દિવસોમાં મનાવાય છે. ચૈતન્ય મહાપ્રભુના જન્મદિવસની ખુશાલીમાં મહિલાઓ લાલ કિનારીવાળી પારંપારિક સફેદ સાડી પહેરી શંખ વગાડી રાધા-કૃષ્ણની પૂજા કરે છે તેમ જ જુલુસ સ્વરૂપે નીકળી વાજીંત્રો સાથે કિર્તન કરે છે. ગોવાના કોંકણી લોકો હોળીને કોંકણી ભાષામાં શિમગો કહે છે.

મોજ-મસ્તીમાં માનતા ગોવાના લોકો હોળીના અવસરે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે છે અને નાના – મોટા સૌ રંગોથી ઉત્સવ ઉજવે છે. ઉત્તરાખંડના કુમાઉ મંડળમાં રાગોની હોળી કહેવાય છે. જેને કુમાઉ લોકો બૈઠકી હોલી પણ કહે છે. શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતની સંગતમાં હોળીનાં ગીતો ગાવાની બેઠકો યોજાતી હોય છે અને વસંત પંચમીથી જ આવાં આયોજનો શરૂ થઇ જતાં હોય છે. હોળી પછી પાંચમે દિવસે આવતી રંગપંચમીના દિવસે સૂકા રંગોથી રંગે રમવાનો ઉત્સવ મહારાષ્ટ્રમાં ઉજવાય છે એમાં પણ ખાસ કરીને દરિયાકાંઠાના માછીલોકો આ ઉત્સવને ખૂબ એન્જોય કરે છે. મણીપુર રાજયના યાઓસાંગ શહેરમાં યોગસાંગ ફેસ્ટીવલ હોળીના તહેવાર દરમ્યાન યોજાય છે અને છ દિવસ ચાલે છે. છોકરા – છોકરીઓ એકબીજાના હાથમાં હાથ મેળવીને થબલ ચૈંગબા નૃત્ય કરે છે. વિશિષ્ટ  પ્રકારનાં ચર્મવાદ્યોના તાલે નાચતા – ગાતા લોકો રાજધાની ઇમ્ફાલથી ત્રણ કિ.મી.ના અંતરે આવેલા કૃષ્ણમંદિર સુધી કૃષ્ણમૂર્તિ સાથેની યાત્રા કરતા હોય છે.

ફાગણના આ રંગોત્સવને વિવિધ રાજયોમાં વિવિધ પ્રકારે ઉજવતા લોકોમાં ઉત્તર પ્રદેશના બરસાનાની હોળી તો વિશ્વવિખ્યાત બની છે. અહીંની લઠમાર હોળીમાં સ્ત્રીઓ લાઠી અને કપડાના બનાવેલ દોરડાથી વાર કરતી હોય છે જેને પુરુષો ચામડાની ઢાલ પર ઝીલતા હોય છે. આ લઠમાર હોળી, ફૂલોની અને રંગોળી હોળી આ પ્રકારે ગોકુળ, મથુરા અને વૃંદાવનમાં પણ ઉજવાતી જોવા મળે છે. શિવજી શિવરાત્રીને દિવસે વિવાહ કરી હોળીના ઉત્સવો દરમ્યાન કાશી આવ્યા હતા તેના સ્વાગતમાં શિવજીના ગણો, ભકતો અને યક્ષો ભભૂતની હોળી રમ્યા હતા ત્યારથી દર વર્ષે ત્યાં સ્મશાનની રાખથી ભભૂત હોળી રમાય છે. છત્તીસગઢમાં પણ હોળીનાં ગીતો ગાવા સાથે ઉજવાતી હોળી રાજસ્થાનની ઉજવાતી હોળીની યાદ અપાવે છે.

મધ્ય પ્રદેશના માલવા – સંચલના આદિવાસી લોકો હોળી દરમ્યાન ભગોરીયા નામનો ઉત્સવ ધામધૂમથી મનાવે છે જે હોળીનું જ એક સ્વરૂપ છે. બિહારમાં પણ ફગુઆ તરીકે મનાતા આ રંગોત્સવમાં ભોજપુરી હોળી ગીત – સંગીત અને નૃત્ય સાથે લોકો હોળીના રંગો સાથે જબરસ્ત આનંદ ઉઠાવે છે. ગુજરાતનાં શહેરોમાં તો ખાસ કરીને હોળી પછીના બીજા દિવસે આવતા ધુળેટીના તહેવારને મનભરીને માણતા લોકો જોવા મળે છે પણ દ.ગુજરાતના ધરમપુર, કપરાડા જેવા વિસ્તારના કુંકણા, વારલી, ધોડિયા, નાયકા જેવા આદિવાસી સમાજના લોકો દુ:ખ – દર્દ અને દુશ્મની ભૂલીને આ તહેવારમાં સાથે મળી ખાઇ-પીને ખૂબ નાચવા – ગાવા સાથે હોળીનો તહેવાર મનાવે છે.

આ બધા વિવિધ ક્ષેત્રોની ઉજવણીમાં નાચવા, ગાવાનું, પૂજા – અર્ચન વગેરે વિધિઓમાં વિભિન્નતા જરૂર જોવા મળશે પણ રંગે રમવાનું કોમન છે. રંગે રમવાના રંગોની આ અવસરોમાં એટલી મોટી જરૂરિયાત હોય છે કે માંગને પહોંચી વળવા શરીરને નુકસાન કરે તેવા કેમિકલ દ્વારા બનાવાયેલા રંગો ટનબંધ બજારોમાં ઠલવાતા હોય છે અને રંગોને ખાસ રંગ આપવા માટે કેમિકલ વપરાતા હોય છે. જેમ કે કાળો કલર બનાવવા લેડ ઓકસાઇડનો ઉપયોગ  થતો હોય છે જે કિડનીને માટે ખૂબ નુકસાનકારક હોય છે. લીલો રંગ બનાવવા કોપર સલ્ફેટ વપરાય છે જે આંખો માટે જોખમી છે. લાલ કલર બનાવવા વપરાતો મરકયુરી સલ્ફાઇટ પણ ચામડીના કેન્સરને નોતરી શકે એટલો ભયાવહ હોય છે. આવા સિન્થેટિક અને કેમિકલયુકત રાસાયણિક રંગો ચામડી માટે તો નુકસાનકારક છે જ પણ માથામાં જવાથી ડેન્ડ્રફ થવા સાથે અનેક મુશ્કેલીઓ સર્જી શકે છે. શકય હોય તો હર્બલ અને જૈવિક નેચરલ કલરોનો રમવા માટે ઉપયોગ કરો કારણ કે તે બહુ નુકસાનકારક નથી હોતા. જો કે મોંઘા પડે અને સરળતાથી મળવા પણ મુશ્કેલ હોય છે પણ વરસમાં એક વખત તો રંગોથી રમવાનું હોય તો પછી એ પ્રકારના રંગોથી રમવું હિતાવહ છે.

પ્રકૃતિપ્રેમીઓ તહેવારો આવે એટલે જાગી ઊઠે છે અને પાણીનો બગાડ કરવો નહિ, જળ એ જ જીવન જેવા મેસેજોનો સોશ્યલ મીડિયા પર મારો ચલાવશે. કેટલીક હદ સુધી એ ખરી વાત છે પણ સનાતન સંસ્કૃતિના તહેવારોની ઉજવણી સમયે જ પ્રગટ થતા આવા જ્ઞાનીઓ કયારેક અંદર સુધી ખૂંચે છે. પર્યાવરણની જાળવણી એ આપણા સૌની ફરજ છે. હોળીમાં વપરાતા લાકડાને કારણે જંગલો વધુ કપાય છે એવી વાતો ગળે કદી ના ઊતરે છતાં યે સનાતનીઓએ જ તેનો ઉકેલ શોધી કાઢયો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગાયના ગોબરમાંથી ગોસ્ટીક બનાવવાનું શરૂ થઇ ગયું છે. આ ગોસ્ટીક લાકડાં કરતા સસ્તી પડે છે અને લગભગ દરેક શહેરોની ગૌ-શાળાઓ આવી ગૌસ્ટીકનાં લાકડાં બનાવવા લાગ્યાં છે. જેનાથી ગાયોને સાચવતી ગૌશાળાને આર્થિક મદદ મળી રહે છે અને આપણે પર્યાવરણની જાળવણી કરનારાઓના હિસ્સા બની રહેવાય છે. તમારા મહોલ્લા, શેરી, એપાર્ટમેન્ટ, રો-હાઉસની હોળી વૈદિક હોળી તરીકે ઉજવવા ઇચ્છતા હો અને આપની નજીકમાં કોઇ ગોસ્ટીક ઉપલબ્ધ ના હોય તો ગૌસેવક મનીષભાઇ ગાલાણી ૯૭૨૭૯૧૭૪૨૭ તથા ભરતભાઇ ગાલાણી ૯૭૨૭૭૧૭૪૨૭ નો સંપર્ક કરી જરૂરી માહિતી પ્રાપ્ત કરી શકો છો. દિલ્હી, ગ્વાલિયર, ઉજજૈન, ઇંદોર ઉપરાંત ગુજરાતનાં પણ કેટલાંક શહેરોમાં આ પ્રકારે ગૌસ્ટીકનો ઉપયોગ કરી વૈદિક હોળી પ્રગટાવતા થયા છે.

Most Popular

To Top